આ વખતે IPLની કોમેન્ટ્રી ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ એમાં બોલ, બેટ, સ્ટંપ, રન, કેચ… એવા અંગ્રેજી શબ્દો હજી વપરાતા રહે છે. જોકે અમારી પાસે સંપૂર્ણ ગુજરાતી કોમેન્ટ્રીનું લેટેસ્ટ સોલ્યુશન છે ! જુઓ…
***
બોલ = દડો
બોલર = દડાબાજ
બેટ = ધોકો
બેટર = ધોકાબાજ
સ્ટંપ = ત્રિદંડ અથવા ડાંડિયા
વિકેટકીપર = ત્રિદંડ રક્ષક / ડાંડિયારખ્ખુ
ફિલ્ડર = રોકણિયા / ઝિલણીયા
અંપાયર = કાજી સાહેબ
લેગ અંપાયર = પગવાળા કાજી
થર્ડ અંપાયર = ત્રીજા કાજી
હેલ્મેટ = ખોપડી રક્ષક
પેડ = ટાંગ રક્ષક
એલ્બો ગાર્ડ = કોણી રક્ષક
બાઉન્ડ્રી = સીમારેખા
ઇનિંગ = દાવ
સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ = રણનીતિ અંતરાલ
રન = દોડ
રન-આઉટ = દોડ-બહાર
કેચ-આઉટ = ઝિલ-બહાર
L.B.W. = ડાંડિયા આગળ પગ / ત્રિદંડ અવરોધ
થ્રો = ઘા
ઓવર થ્રો = દોઢો ઘા
ટોટલ = જુમલો
ઓવર = દડી છકડી / દડા છકડી
***
કોમેન્ટ્રીનો નમૂનો :
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આપ સૌ મોટેરા તથા નાનેરા પ્રેક્ષકોનું સ્વાગત છે.
ગુજરાત ટાઇટન્સની ટુકડીના નેતાએ બિલ્લો જીતીને ધોકાબાજી પસંદ કરી છે… અને જુઓ મેદાનમાં ઉતરી રહ્યા છે ટોચના બે ધોકેબાજ…
અને જુઓ… આરંભી ઝડપી દડાબાજે દોઢસો ગાઉની ઝડપે ઝીંક્યો છે આ દડો… પણ ધોકાબાજે ધોકાથી એને ધમધમાવીને આકાશની યાત્રાએ મોકલ્યો છે… બે રોકણિયાઓ એને ઝિલવા દોટ મુકી છે… પણ દડો બન્નેને થાપ આપીને વચમાં ટપો ખાઈને સીમરેખા તરફ રગડતો ગયો…
અને આ જુઓ રોકણિયાએ દડો ઝડપીને રમરમાટ ઘા તો કર્યો પણ દાંડિયા રક્ષક ડાફોળિયાં મારતો રહ્યો એમાં ‘ઘા’નો ‘દોઢ-ઘા’ થઈ ગયો !... જ્યાં બે દોડ મળવાની હતી ત્યાં વધારાની ચાર દોડનો ચાંલ્લો ચોંટી ગયો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment