પાકિસ્તાનના નવા વડાપ્રધાન શેહબાઝ શરીફ ઇસ્લામાબાદની એક સરકારી નિશાળમાં જઈ પહોંચ્યા.
નિશાળની હાલત ખસ્તા હતી. દિવાલો ઉપરથી ચૂનો ઉખડી ગયો હતો. છતમાં ગાબડાં પડી ગયાં હતાં. કોઈ ક્લાસમાં પંખો ત્રાંસો લટકી રહ્યો હતો તો કોઈ ક્લાસમાં હતો જ નહીં.
નિશાળમાં કોમ્પ્યુટર તો છોડો, વીજળી જ નહોતી.
છતાં શેહબાઝ શરીફે છોકરાંઓને મેદાનમાં ભેગા કર્યાં. છોકરાંઓને માસ્તરોએ અગાઉથી પટ્ટી પઢાવી રાખી હતી એટલે એમણે ‘શેહબાઝ શરીફ ઝિંદાબાદ… પાકિસ્તાન ઝિંદાબાદ…’ વગેરે નારા લગાવ્યા.
શેહબાઝ શરીફ ખુશ થયા.
એમણે મંચ ઉપર જઈને છોકરાંઓને પૂછ્યું ‘ફિલ્મે દેખતે હો ?’
છોકરાઓએ કહ્યું ‘હાં !’
‘તો બતાઓ, બોલીવૂડ કી ફિલ્મોં મેં હિન્દુસ્તાની એકટર અચ્છે હોતે હૈં યા પાકિસ્તાની ?’
છોકરાંઓ બોલ્યા : ‘પાકિસ્તાની… પાકિસ્તાની !’
શેહબાઝ શરીફ ખુશ થયા.
એમણે પૂછ્યું ‘અચ્છા, યે બતાઓ, બોલીવૂડ કી ફિલ્મોં મેં હિન્દુસ્તાની ગાયક અચ્છા ગાતે હૈ યા પાકિસ્તાની ?’
‘પાકિસ્તાની… પાકિસ્તાની !’
શેહબાઝ શરીફ ખુશ થયા.
એમણે આગળ પૂછ્યું ‘યે બતાઓ, ફૌજ કીસ કી તાકતવર હૈ ? હિન્દુસ્તાની યા પાકિસ્તાની ?’
છોકરાં બોલ્યા ‘પાકિસ્તાની… પાકિસ્તાની !’
શેહબાઝ શરીફ વધુ ખુશ થયા.
પૂછ્યું ‘પરમાણું બમ કિસ કા બેહતર હૈ ? હિન્દુસ્તાન કા યા પાકિસ્તાન કા ?’
છોકરાં બોલી ઊઠ્યા : ‘પાકિસ્તાન કા… પાકિસ્તાન કા !’
શેહબાઝ શરીફ ખરેખર ખુશ થયા.
એમણે પૂછ્યું ‘બચ્ચોં યે બતાઓ વર્લ્ડ મેં ક્રિકેટ ટીમ કૌન સી બેહતર હૈ ? હિન્દુસ્તાન કી… યા પાકિસ્તાન કી ?’
છોકરાં બોલ્યાં ‘પાકિસ્તાન કી… પાકિસ્તાન કી !’
શેહબાઝ શરીફે હવે માઈક મુટ્ઠીમાં લઈને હવામાં લહેરાવતાં છેલ્લો સવાલ પૂછી નાંખ્યો. ‘બચ્ચોં યે બતાઓ, પાકિસ્તાન કી આખરી ખ્વાહિશ ક્યા હૈ ?’
છોકરાંઓ બોલી ઊઠ્યાં ‘હિન્દુસ્તાન સે આગે નિકલ જાના !!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment