તમે સુખી માણસ છો ?

સુખી માણસ હોવાનું લેબલ અમારી ઉપર બહુ વિચિત્ર સંજોગોમાં લાગતું રહ્યું છે. 

બે જ દિવસ પહેલાંની વાત છે, સવારે સાડા અગિયાર વાગે એક મિત્રનો ફોન આવ્યો. ઉપાડીને મેં જરા પ્રવાહી ભરેલા મોં સાથે ‘હં…’ કર્યા પછી કીધું ‘એક જ મિનિટ હોં ! બ્રશ કરી રહ્યો છું, કોગળા કરી લઉં… ચાલુ રાખજો.’

તો મને કહે ‘સુખી માણસ છો યાર ? આટલા મોડે સુધી ઊંઘી શકો છો !’ મેં કહ્યું ‘એવું નથી, રાત્રે અઢી-ત્રણ વાગ્યા સુધી ઊંઘ જ નથી આવતી એટલે સવારે મોડે સુધી ઊંઘી લેવું પડે છે.’ 

એ મિત્ર કહે ‘હું તો રોજ સવારે સાડા છ વાગે અચૂક ઊઠી જાઉં ! ભલે ગમે એટલા વાગે સૂતો હોઉં !’

મેં કહ્યું ‘ભલા માણસ, જે રોજ સવારે વહેલો ઊઠી શકે એ સુખી માણસ ના કહેવાય ?’ 

બોલો ખોટી વાત છે ? ભલભલાં વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકોથી લઈને કવિ નરસિંહ મહેતા સુધી સૌએ વહેલી સવારે ઊઠવાનાં ગુણ ગાયાં છે. છતાં અમે ‘સુખી માણસ? યાર, મોડી રાત લગી ઊંઘ નથી આવતી એ ‘દુઃખ’ને ગણવાનું જ નહીં ?’

એક સમય એવો હતો કે જ્યારે અમારી પાસે સ્કુટર પણ નહોતું. બસમાં આવ-જા કરતા હતા. આવી એક સાંજે ઓફિસેથી છૂટીને બસ-સ્ટેન્ડે પહોંચીને જોયું તો ખિસ્સામાં પાકિટ જ નહીં ! સવારે ખિસ્સામાં મુકવાનું જ ભૂલાઈ ગયેલું ! તો થયું કે ચાલો, ચાલી નાંખીએ, ઘર ક્યાં આઘું છે ? જે અડધો-પોણો કલાક ચાલ્યા તે ! 

આગળ જતાં ખિસ્સાં ફંફોસ્યાં તો થોડું પરચૂરણ નીકળ્યું. ગણ્યું તો એટલું ઓછું હતું કે બસની ટિકીટ પણ ના આવે. એવામાં એક શીંગ-ચણાની લારી દેખાઈ. જઈને કીધું કે ભાઈ, આ જે પૈસા છે એમાં સૌથી વધુ ક્વોન્ટિટીમાં શું આપી શકો ? એણે મને કંઈક 500 ગ્રામ જેટલા મમરા એક કાગળનું ભૂંગળું કરીને પકડાવી દીધા ! 

અમે એ ભૂંગળામાંથી એક-એક બબ્બે મમરા મોંમાં પધરાવતાં ‘ટાઈમ-પાસ’ મેથડ વાપરીને ઘરે પહોંચ્યા.

બીજા દિવસે એક મિત્રનો ફોન આવ્યો. ‘બોસ, તમે તો સુખી માણસ છો, યાર ?’ 
‘કેમ શું થયું ?’ 
‘કાલે મેં તમને જોયા હતા. તમે મસ્તીથી મમરા ફાકતા ફાકતા, ડોલતા ડોલતા ઘર તરફ ચાલ્યા જતા હતા.’ 
અમે પૂછ્યું. ‘તમે શેમાંથી જોયું ? બસમાંથી ?’ 
તો કહે, ‘ના, હું તો કાર લઈને જતો હતો પણ શું હતું, કે ઘરે પહોંચવામાં લેટ થતું હતું. બહુ મોડું થાય તો બૈરી મગજ ખાય એમ હતું એટલે તમને લિફ્ટ ના આપી…’

બોલો, આમાં ‘સુખી’ માણસ કોણ ? માંડ વધેલા પરચૂરણના મમરા ફાકતો, પગપાળા જતો નવરો માણસ ? કે કારમાં ટાઇમસર પહોંચીને પત્ની સાથે સુખી દાંપત્ય જીવન જીવતો અમારો મિત્ર ? 

છતાં એ ભાઈની નજરમાં હજી હું ‘સુખી’ માણસ જ છું ! (અને હા, એ દિવસે મારી વાઇફે તો મને ખખડાવીને દુઃખી જ કરેલો કે આવડા મોટા થયા છતાં પાકિટનું ધ્યાન નથી રખાતું ?)

એક કિસ્સો તો આનાથી યે વધુ ટ્રેજિક છે. અમારો પગ ભાંગી ગયો હતો. (હાસ્ય લેખકનો પગ ભાંગે તો વાચકોને એમાં ‘કોમેડી’ દેખાતી હોય છે! પણ એ વખતે અમે હાસ્ય લેખક પણ નહોતા.) બે અઢી મહિનાનો ખાટલો નક્કી હતો. 

એ વખતે જેના ત્યાં નોકરી હતી એ માલિક મળવા આવ્યા અને જેના માટે સિરિયલો લખતા હતા તે પ્રોડ્યુસર પણ આવ્યા. બન્નેએ પૂછ્યું ‘બોલો, પૈસાની જરૂર છે ?’ 

અમે કહ્યું ‘કંઈ કામ હોય તો આપો, નહિતર પથારીમાં પડ્યો પડ્યો હું પાગલ થઈ જઈશ.’

આમ જ્યારે પલંગમાં પ્લાસ્ટરવાળા પગ સાથે સિરિયલો અને જાહેરખબરો લખતા હતા એ જોઈને ઘણા મિત્રોએ કીધેલું : ‘બોસ, સુખી માણસ છો, હોં ?’ 

જોવાની વાત એ છે કે એમાંથી મોટાભાગના લોકો ‘વર્ક ફ્રોમ હોમ’ને આજે બહુ મોટો ‘ત્રાસ’ માને છે ! 

અરે બોસ, એમાં તમારી ટાંગ ઉપર પ્લાસ્ટર નથી હોતું ! સમજતા કેમ નથી ?

***

- મન્નુ શેખચલ્લી

Email : mannu41955@gmail.com

Comments

  1. Hamesha sama vyakti ni paristhiti aapna thi better j lage e mentality j aapni che

    ReplyDelete
    Replies
    1. જી હા, પારકે ભાણે લાડુ મોટો દેખાય ! તમે લ ઈ ગયા અમે રહી ગયા ... એવું જ છે !

      Delete
  2. 💯% true....

    ReplyDelete

Post a Comment