એક લીંબુ ગઝલ !

હોય છે એસેન્સ કે,
પછી લેમનની ફ્લેવર
બધાં લીંબુ-શરબતમાં
લીંબુ નથી હોતા !

***

ક્યારેક લીંબુના વેપારી
ક્યારેક ડુંગળીના સ્ટોકિસ્ટ
લેભાગુઓના પ્રોફાઈલ
કદી સાચા નથી હોતા !

***

ઉઠાવી ડુંગળીની જોક્સ
ચોંટાડે લીંબુની ઉપર
એવા ડઝનબંધ જોક્સ
ઓરીજીનલ નથી હોતા !

***

વધી છે મોંઘવારી ત્યાં
શ્રીલંકા, પાકિસ્તાનમાં ય
પણ ઇન્ડિયામાં અવિશ્વાસના
પ્રસ્તાવો નથી હોતા !

***

લાગી નજર લીંબુને
લીંબુના જ ભાવની
દરવાજે ટાંગેલા લીંબુ
અસરકારક નથી હોતાં !

***

સહુને રડાવનારી એ
ડુંગળી ખુદ રુવે છે આજ
ઠાઠ મોંઘવારીમાં કોઈનાં
કાયમ નથી હોતા !

***

પૂજે છે પીળી ચીજોને
કદી સોનું, કદી લીંબુ
ધોરણો અંધ દુનિયાનાં
કદી સરખાં નથી હોતાં !

***

બને હેડલાઈનો, વિડીયો
જોક્સ ને રીલ્સ હજ્જારો
અછત સર્જાયા વિના, અહીં
કોઈ ‘રસ’ નથી લેતા !

***

શીખ્યા છે પાઠ આજે તો
પેટ્રોલ, ડિઝલ ને ગેસ
મૂછે લટકતાં લીંબુ પણ
કદી સ્થિર નથી હોતા !

***

છતાં છે વાહ-વાહી, ને
ઘણી ખમ્મા, ઘણી ખમ્મા
રાજમાં ‘લીંબુ-ચમચા’ઓ
રમતથી દૂર નથી હોતા !

***

- મન્નુ શેખચલ્લી

Comments