જુની ફિલ્મોમાં એ 'મરવાના' સીન !

આજકાલની ફિલ્મોમાં મરવાના સીનો ખાસ આવતા નથી. જુની ફિલ્મોમાં તો મરવાના સીનમાં મરનારો ડોસો એટલાં બધાં ડચકાં ખાતો, કે ફિલ્મની વાર્તા જ ડચકાં ખાવા લાગતી હતી ! 

એમાંય વળી ડોસો મરતાં મરતાં કોઈ છોકરાનું કોઈ છોકરી જોડે લાકડે-માંકડા જેવું લગન ગોઠવવાનું હલાડું ખોસતો જાય ! પછી તો આખી ફિલ્મ એન્ડ સુધી ડચકાં જ ખાય ને ?

આજકાલની એકશન મુવીઝમાં તો મરવાનો કશો મહિમા જ નથી. હિરોલોગ અને વિલનલોગ દિવાળીના ફટાકડા ફોડતા હોય એમ પિસ્તોલો ફોડી ફોડીને લોકોને મારી નાંખે છે ! વેબસિરિઝોમાં તો મોતનો મલાજો જ જળવાતો નથી ! એની સામે તમે જુની ફિલ્મમોનાં ડેથ-સીન જુઓ… આહાહાહા…

એક બાજુ દીવાની જ્યોત ધ્રુજી રહી હોય, બીજી બાજુ ખાટલા નીચેથી કોઈ વાયોલીન વગાડતું હોય, ત્રીજી બાજુ, ના ના, ખાટલાની ચારે બાજુ, મરનારાંના સગા વ્હાલાં ડૂસકાં લેતાં હોય.. અને પેલો મરનારો જાણે મનમાં ને મનમાં સૌનાં ડૂસકાંની સંખ્યાનો સરવાળો કરવા માટે રોકાતો હોય એમ અટકી અટકીને એના ડાયલોગ બોલતો હોય… હજુ એના ડાયલોગ પતે નહીં ત્યાં તો વચ્ચે વચ્ચે બધાં પાત્રો ‘નહીંઈ… નહીંઈ…’નાં ડપકાં મૂક્યાં કરતાં હોય ! 

છેવટે એની ગરદન લટકી પડે ! તરત પેલો કેમેરામેનનો આસિસ્ટન્ટ ફૂંક મારીને દીવો હોલવી નાંખે… ખાટલા નીચે બેઠલા સાજીંદાઓ વાયોલિન, સિતાર, તબલાં જે હાથમાં આવ્યું તે ખખડાવવા માંડે અને કેમેરો બારીની બહાર ફ્રેશ હવા લેવા જતો રહે… ત્યારે આપણને ય થાય કે ‘હાશ છૂટ્યા !’

નોર્મલી એવું હોય કે જે પાત્ર મરતું હોય તેણે જ ઘણા ડાયલોગો બોલવાના હોય પણ દિલીપ કુમારના કેસમાં ઊંધું હતું !

‘ગંગા જમુના’માં બિચારી વૈજયંતિમાલાને ગોળી વાગેલી, પણ મોટે મોટેથી રાડો દિલીપકુમાર પાડતો હતો ‘નાઆઆ ધન્નો નાઆઆ !’ એવું જ પેલા ‘મશાલ’માં હતું. બિચારી વહીદા રહેમાન પ્રસવપીડાથી મરવાની હાલતમાં હતી પણ રોડ ઉપર રાડારાડ મચાવેલી દિલીપકુમારે ! ‘ગાડી રોકો ભાઆઆઈ ! ગાડી રોકોઓઓ..’ યાર, આવી જ રાડો એણે યમરાજાના પાડા માટે પાડી હોત કે ‘પાડા રોકો ધર્મરાજ… પાડા રોકો !’ તો કદાચ વહીદા બચી પણ જાત !

જુની ફિલ્મોમાં જો બે હીરો એક હીરોઈન પાછળ પડ્યા હોય તે છેવટે બેમાંથી એકને મરવાનો જ વારો આવતો હતો ! આમાં અમે સસ્પેન્સ ફિલ્મોની માટે જેમ જાહેર મૂતરડીઓમાં લખી આવતા કે ‘ફલાણી ફિલમનો ખૂની ફલાણો છે’ એવું કદી કરી શકાતું નહોતું કે ‘સંગમમાં રાજેન્દ્રકુમાર મરી જાય છે !’ 

અરે, ‘દિલ એક મંદિર’માં તો સાલું છેલ્લે સુધી સસ્પેન્સ હતું કે કેન્સરનો દરદી રાજકુમાર ઓપરેશન પછી બચી ગયો કે મરી ગયો ? પણ છેવટે ઓપરેશન કરનારો રાજેન્દ્રકુમાર જ મરી જાય છે ! શી રીતે ? તો કહે, ખુશીનો માર્યો ! ઓપરેશન સફળ થયું એટલે ! બોલો.

સાલું, હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં એ એકમાત્ર ‘રેકોર્ડ-કેસ’ હશે કે કોઈ ડોક્ટર પોતે જ કરેલા ઓપરેશનથી એટલો બધો ખુશ થઈ જાય કે ‘ખુશીનો માર્યો મરી જાય !? હેં ?!’

બાકી, બિચારા ડોકટરોના ભાગે મરવાના સીનોમાં એટલું જ કરવાનું આવતું કે ઓપરેશન થિયેટરની બહાર નીકળતાં પહેલાં બે કપ જેટલું એરંડીયું પીવાનું, અને પછી બહાર આવીને ૧૧ શબ્દનો સ્ટાન્ડર્ડ ડાયલોગ બોલવાનો ‘હમ ને બહોત કોશિશ કી, મગર હમ ઉસે નહીં બચા સકે….’

જુની ફિલ્મોમાં તો મરવાની સ્પર્ધા ચાલતી હતી ! કહેવાય છે કે ‘આનંદ’માં મરવાને કારણે સુપરહિટ થઈ ગયેલા રાજેશ ખન્નાએ જીદ પકડેલી કે ‘નમકહરામ’માં પણ હું જ મરીશ ! બાકી ઓરીજીનલ સ્ક્રીપ્ટમાં અમિતાભ બચ્ચને મરવાનું હતું. 

જોકે એ પછી બચ્ચન સાહેબે સાટું વાળી નાંખ્યું. ‘દિવાર’ ‘શોલે’ ‘મુકદ્દર કા સિકંદર’ ‘અગ્નિપથ’ ‘શક્તિ’ ‘આખરી રાસ્તા’ વગેરે મળીને ડઝન જેટલી ફિલ્મોમાં ડેથ સીન ભજવી નાંખ્યા !

એનું જોઈને શાહરૂખ ખાન ‘કલ હો ના હો’માં મરવાનો થયો ! પરંતુ પોતાનો ડેથ-સીન એણે એટલી હદે લાંબો ખેંચેલો કે પ્રેક્ષકોનો ત્રાસ જોઈને એ પછીના તમામ નિર્માતાઓએ ફિલ્મોમાં આવા ડેથ સીનો જ રાખવાના બંધ કર્યા લાગે છે !

RIP શાહરૂખનો ડેથ-સીન… શું કહો છો ?

***

-મન્નુ શેખચલ્લી


E-mail : mannu41955@gmail.com

Comments

  1. જુની ફિલ્મોમાં મરવાના સીન માં રાજેન્દ્રકુમાર ને કદાચ સૌથી વધારે પબ્લિસિટી ફિલ્મ ' અમન' માં મળી હતી, જેમાં રાજેન્દ્રકુમાર ની અંતિમયાત્રા નો સીન એક લોકલાડીલા નેતા ની અંતિમ યાત્રા જેવો ફિલ્માયેલો જે દિલ્હીની સડકો પર જબરજસ્ત મેદની ભેગી થયેલી દર્શાવવામા આવેલ જેના કારણે પાછળથી રાજકીય દબાણ સર તે સીન ફિલ્મ માંથી કટ કરી દેવો પડેલ!?- શશિકાન્ત મશરૂ

    ReplyDelete

Post a Comment