એક તરફ ગરમી હાહાકાર મચાવી રહી છે તો બીજી તરફ અમારી ખોપડીમાં ખદબદતાં કાર્ટૂનો હા-હાહા-હાહાહા…કાર મચાવી રહ્યાં છે !
***
ધોમધખતો બપોર છે. આકાશમાંથી સુરજ અગનઝાળ કાઢી રહ્યો છે. એવા વખતે એક ભાઈ એક મંદિર પાસે ઉઘાડે પગે ઊભા રહીને ફોન કરી રહ્યા છે ;
‘હલો પોલીસ સ્ટેશન ? મને તાત્કાલિક મદદની જરૂર છે ! અહીં મંદિરેથી મારાં જૂતાં કોઈ ચોરી ગયું છે… ના ના, તાત્કાલિક ચોરને શોધવા માટે મદદ નથી માગી રહ્યો… બસ, મને ઘર સુધી પહોંચાડવા માટે કોઈ વાહન મોકલો ને ? સડક ઉપર પગ મુકાય એવું નથી.’
***
એ જ ધોમધખતો બપોર છે. સુરજ અગનઝાળ કાઢી રહ્યો છે. શહેરની સડકો સાવ સૂમસામ છે. એવામાં એક ટ્રાફિક હવાલદાર ફોનમાં બળાપો કાઢી રહ્યો છે :
‘સાહેબ, મને ક્યાં આ દિવસની ડ્યૂટી આપી ? અહીં જ્યાં વાહનો જ નથી ત્યાં દંડ કોનો કરવો અને હપતા કોની પાસેથી ઉઘરાવવા ?’
***
એ જ ધોમધખતો બપોર છે. સુરજ હજી અગનઝાળ કાઢી રહ્યો છે… સીન હાઈવેનો છે… અહીં સડકની એક સાઈડે હોટલ / રેસ્ટોરન્ટ છે. ત્યાં પાટિયું માર્યું છે :
‘અહીંથી આગળ જતાં બધે રણ છે. એની પહેલાંની આ છેલ્લી હોટલ છે. આના પછી જે દેખાય છે તે હોટલ નથી… ઝાંઝવાં છે !’
***
એ જ ધોમધખતો બપોર છે. સુરજ અગનઝાળ કાઢી રહ્યા છે.. અને સીન હવે રણનો છે !
રણમાં એક મોટું ઊંટ ઊભું છે. દૂરથી ચાલીને આવેલો મુસાફર જુએ છે કે અહીં ઊંટ પાસે ઊભેલો માલિક હાથમાં પાટિયું લઈને ઊભો છે :
“ઊંટના છાંયડામાં ઊભા રહેવાનો 100 રૂપિયા ચાર્જ લાગશે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment