અમારો પણ એક્ઝિટ પોલ !

પાંચ રાજ્યોની ચૂંટણી હજી પતી નથી કે તરત જ એક્ઝિટ પોલ આવવા માંડ્યા ! તો સાહેબો, પરિણામો વિશે અમારા એક્ઝિટ પોલની આગાહીઓ પણ જરા સાંભળી લો…
***

કુલ 25,67,49,651 મતદારોએ કોને વોટ આપ્યો હશે તેની આગાહી માત્ર 2567 મતદારોનો સર્વે કરીને કરવામાં આવશે !

***

જે ચેનલો ભાજપની ફેવરમાં છે તે ભાજપની વધારે સીટો બતાડશે અને જે ભાજપની વિરુદ્ધમાં છે તે વિરોધ પક્ષની વધારે સીટો બતાડશે.

***
‘તમારો તો ભવ્ય વિજય થવાનો છે…’ એવી સચોટ આગાહી કરનારા જ્યોતિષીઓ 10મી માર્ચે સલામત સ્થળે ભૂગર્ભમાં સંતાઈને બેસી રહ્યા હશે !

***
આજથી લઈને 10 માર્ચ સુધી રાજકીય વિશ્ર્લેષકોની સંખ્યા રોજના 15 ટકાના હિસાબે વધતી જશે અને 10 માર્ચ પછી તેમાં 2000 ટકાનો વિસ્ફોટક વધારો થશે !

***
‘કોણ શા માટે જીતશે’ એની પંડિતાઈ કરવા કરતાં ‘કોણ શા માટે હારી ગયું’ એની પંડિતાઈ કરનારામાં 10,000 ટકા વધારો થશે… 10મી માર્ચ પછી !

***
જ્યાં જ્યાં વિરોધપક્ષનો સફાયો થશે ત્યાં EVMમાં ગડબડની ફરિયાદો થશે અને જ્યાં ભાજપની હાર થશે ત્યાં EVM માટે કોઈ ફરિયાદ થશે નહીં ! લખી રાખજો.

***
10મી માર્ચની સવારથી ફૂલહાર, ફટાકડા તથા ઢોલીઓના ભાવમાં ધરખમ વધારો થશે…
પરંતુ 10મી માર્ચની રાત પછી ચૂંટાયેલા વિધાનસભ્યોના ભાવમાં ધરખમ વધારો થશે !

***
જોકે એક વાત તો 100 ટકા નક્કી છે કે…
જીતનારાઓમાં તમામ લોકો ‘નેતાઓ’ જ હશે અને હારનારી તો માત્ર ‘પબ્લિક’ જ હશે !

- જય  લોકશાહી !

***

- મન્નુ શેખચલ્લી

Comments