કેબ્રે ડાન્સનું નામ પડે એટલે અમુક સજ્જનોનાં મોં ભૂલથી કારેલાનું બી ચવાઈ ગયું હોય એવાં કડવાં થઈ જાય છે.
જોકે હિન્દી ફિલ્મોની ‘કેબ્રે ડાન્સરો’ને યાદ કરવા બેસીએ તો સૌથી પહેલી એ વાત યાદ રાખવી જોઈએ કે સાહેબ, એ પણ કલાકારો છે.
શરૂઆતમાં જે કુકુ નામનાં મેડમ પાર્ટીનાં ગાયનોમાં દેખાતાં હતાં તે નાચવાને બહાને ચહેરાની આસપાસ ગણગણતાં મચ્છરો સ્લો મોશનમાં ઉડાવતાં હોય એવી અદાઓ કરતાં હતાં. આપણે એને ‘કેબ્રે ડાન્સ’ સમજી બેઠા હતા.
મૂળ તો કુકુ મેડમ એન્લો-ઇન્ડિયન ફેમિલીનાં હતાં. મોટે ભાગે તો હિરો પેલા મોટા પટારા જેવા પિયાનો ઉપર બેસીને કંઈ ગાયન ગાતો હોય ત્યારે કુકુ મેડમ સ્લો મોશનમાં મચ્છરો જ ઉડાવતાં હતાં.
આ જ કુકુ મેડમે એમની ઓળખતી બીજી એક નાનકડી એન્ગ્લો ઇન્ડિયન છોકરીને ફિલ્મોમાં ગ્રુપ ડાન્સર તરીકે કામ અપાવ્યું. આગળ જતાં એ છોકરી, નામે હેલન બેન, ચાર ચાર દાયકા લગી ફિલ્મી પરદે ધબધબાટી બોલવતાં રહ્યાં.
હેલન બેનનો અસલી સિતારો ચમક્યો પેલા ‘હાવરા બ્રિજ’ના ગાયન ‘મેરા નામ ચૂન ચૂન ચૂન’થી.. પણ પછી તો એમણે ‘ચૂન ચૂન કે આશિકોં કા શિકાર’ કરતાં હોય એવી અદાથી ભલભલાનાં દિલો ઘાયલ કરી નાંખ્યા. જોકે આવા હાર્ટ-એટેકોનાં કાવતરા કરવા માટે એમની ઉપર એક પણ FIR નોંધાઈ નથી.
હેલન બેનનું સાવ કુકુ મેડમ જેવું નહોતું કે આમતેમ હલીને હાથ કાંડાંને કમર હલાવી એટલે ચાલી જાય ! હેલન બેન તો પાકાં શાસ્ત્રીય નૃત્યોનાં સ્ટેપ પણ ચપટી વગાડતાં કરી બતાડે તેવાં હતાં. છતાં મુજરા-બુજરાનું પરચૂરણ કામ કુમકુમ, મીનુ મુમતાઝ અને શ્યામા જેવી ડાન્સરોને સોંપીને પોતે વેસ્ટર્ન સ્ટાઈલના કેબ્રેમાં જ જથ્થાબંધનું કામ ચાલું રાખ્યું. બાકી પેલું મરાઠી લાવણી ટાઈપનું ‘મુંગડા…’ ગાયન પરદા ઉપર આવતું ત્યારે સીટો સહિત આખું થિયેટર ધમધમી ઉઠતું હતું.
હેલન બેનમાં જોવાની વાત એ હતી કે પ્રેક્ષકો એમના શરીરમાં જે ‘જોવાની વાત’ શોધતાં હોય ત્યાં જ ઝીણાં જાળીદાર વસ્ત્રો પહેરી રાખતાં હતાં ! આમાં ને આમાં ‘જોવા જેવું’ નહોતું દેખાતું ! છતાં લોકો ‘મનમાં ને મનમાં’ જોવા જેવું જોઈ જોઈને રાજી થયા કરતા હતા ! બોલો.
લગભગ ’70ના દાયકા સુધી તો હેલન બેનને ટક્કર આપે એવી કોઈ આવી નહોતી પણ ‘જ્હોની મેરા નામ’માં પદમા બહેન (પદમા ખન્ના) નામની એક જાડા હોઠવાળી, બટકી સરખી બેબલીએ બધું બદલી નાંખ્યું. એમાં ‘હુશ્ન કે લાખો રંગ’… વાળા ગાયનમાં ‘કૌન સા અંગ દેખોગે’ એવું ગાતાં ગાતાં વિલન પ્રેમનાથ સાથે સહકારી-મંડળીના ધોરણે હાફ સ્ટ્રીપ ડાન્સ જેવું જ નૃત્ય કરી બતાડ્યું. એ પછી પેલી ઝીણી જાળીઓ ગાયબ થવા લાગી એમાં બાકી હતું તે ફરિયાલ આપા, જયશ્રી તાઈ અને બિન્દુ ભાભીએ પુરું કરી નાંખ્યું. (જયશ્રી તાઈ એટલે જયશ્રી ટી.)
આમાં ફરિયાલ આપા તો ફિરોઝખાન ચાચાનાં ફેવરીટ હતાં. આપણાં બિન્દુ ભાભી ગુજરાતણ હતાં અને પરણેલાં પણ હતાં. જયશ્રી તાઈ માટે એવું કહેવાય છે કે હરિભાઈ ઉર્ફે સંજીવકુમાર સાથે એમને પરણ્યા જેવું જ હતું. આ ઉપરાંત એક લક્ષ્મીબેન છાયા પણ હતાં (લક્ષ્મી છાયા) એમના નામે તો આખેઆખું ગીત લખાયું છે : ‘તૂ હી મેરી લક્ષ્મી, તૂ હી મેરી છાયા, દુનિયા મેં આયા તો તેરી ખાતિર આયા… લક્ષ્મી છાયા…’
એમ તો આપણા ગુગલ મહારાજ આપણાં ગુજરાતણ અરુણા બેન ઇરાનીને પણ કેબ્રે ડાન્સરના લિસ્ટમાં ગણાવે છે ! પણ ઓ ગુગલ કાકા, અરુણાજીનું એવું હતું કે એ પોતે બહુ મજબૂત એકટ્રેસ પણ હતાં. ફિલ્મોમાં જ્યાં ડાન્સર કમ ચરિત્ર અભિનેત્રીનો પાકો ‘વેમ્પ’ રોલ હોય, ત્યાં પેલી નૃત્યબાળાઓનો પનો ટુંકો પડી જતો હતો.
એમાં ય હેલન બેન તો ડાયલોગ બોલે તો કેસેટની ટેપ ભલતી જ સ્પીડમાં રિવર્સમાં ચાલતી હોય એવું સંભળાતું અને રડવાની એક્ટિંગ કરે તો આપણને હસવું આવી જતું ! આ બાબતમાં અરુણાજીની દાદાગિરી, એટલે કે રીતસરની 'દીદીગિરી' હતી. જોકે હા, બિન્દુ ભાભી જેમ તેમ કરીને ગાડું ગબડાવી લેતાં.
અહીં સૌથી મહત્વની વાત એ હતી કે આવાં ગાયનોનું શૂટિંગ ચાલતું હોય ત્યારે ટેક્નિશિયનો કે સહાયકોની નજર સુધ્ધાં બગડતી નહોતી. શોટ પતે કે તરત એક આસિસ્ટન્ટ છોકરી મોટો ગાઉન લાવીને ડાન્સરને ઓઢાડી દેતી હતી.
આજકાલનાં ગાયનોમાં જ્યાં બબ્બે ડઝન બેકગ્રાઉન્ડ ડાન્સરો દરિયા કિનારે બિકીની પહેરીને નાચે છે ત્યાં બબ્બે ડઝન ગાઉનો પહેરાવનારી બબ્બે ડઝન આસિસ્ટન્ટો પરવડતી હશે ખરી ? ખબર નથી.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment