પ્રાથમિક શાળાની સ્કૂલો ફરજિયાત રીતે ખુલી ગઈ છે. પહેલા-બીજા ધોરણનાં છોકરાં જે છેલ્લા બે વરસથી સ્કુલમાં આવ્યાં જ નહોતાં, એ બિચારા હજી બાળમંદિરનાં ભૂલકાંઓની માફક રડારડ કરે છે !
અરે, ત્રીજા ચોથા ધોરણનાં છોકરાં પણ રિસેસ પછી ‘ઘેર જવું છે…’ કરીને આંસુડાં સારવા બેસી જાય છે !
આ બધું સાંભળ્યા પછી આપણને આપણી સ્કૂલના દિવસો યાદ આવ્યા વિના રહે ખરા?...
***
પેલા પતરાના ડબ્બા જેવા કંપાસ-બોક્સમાં જે ‘વર્તુળીયું’ આવતું હતું, એમાં કદી આપણી પેન્સિલ ઘૂસી જ શકતી નહોતી ! અને જે પેલું બે અણીવાળું સાધન આવતું હતું એ શા કામમાં આવે એ તો હજી સુધી સમજાયું નથી !
એના વડે એક જ કામ થતું હતું : લાકડાની બેન્ચ ઉપર નામો ખોતરવાનું ! દિલનો આકાર-ખોતરીને એમાંથી તીર પસાર થતું હોય એવું બનાવીને આજુબાજુ બે અક્ષરો લખવાના ! જેમકે L અને P !
આ અક્ષરોનું પણ બીજગણિતના દાખલા જેવું હતું : આપણે ‘ધારી’ લેવાનું ! જેમકે આપણું નામ M હોય તો J વાળી જસ્મિન, જુહી, જયશ્રી કે જયા… એ મનમાં ને મનમાં ધારીને ખુશ રહેવાનું !
આવા આરપાર તીરવાળા દિલ નોટના છેલ્લે પાને તો ડઝનના ભાવે ચીતરેલાં રહેતાં હતાં. આમેય નોટનાં છેલ્લાં પાના રફ-કામ માટે રહેતાં હતાં જેમાં ગણિત સિવાયની તમામ નોટોમાં બગડેલી બોલપેન ચાલુ કરવા માટે જે મોડર્ન-આર્ટો ઘસ્યાં હોય તેનાથી જ પાનાં ભરાઈ જતાં હતાં.
આ બોલપેનો તો મોડે મોડે આવી, બાકી પેન્સિલ છોલવી એ પણ કળા હતી ! (એના માટે ખાસ છોલણિયાં આવતાં) લેસન કરવામાં જાણીજોઈને મોડું કરવું હોય તો પેન્સિલ છોલવામાં જ સૌથી વધારે ટાઇમ બગડવાની સિસ્ટમ ચાલતી હતી. આમાં ‘બટકણી’ પેન્સિલો બહુ જ મદદરૂપ થતી હતી ! (બાપા બે ધોલ મારીને કહેતા : અલ્યા પેન્સિલો ખાઈ જાય છે કે શું ? હમણાં તો નવી લાવી આપેલી !)
સ્કૂલમાં સૌથી બોચિયો અને ચાંપલો (ટુંકમાં ભણવામાં હોંશિયાર) છોકરો ક્લાસમાં સૌથી પહેલી બેન્ચ ઉપર બેસતો હોય. સાલો, બધા સવાલના જવાબમાં એ જ પહેલી આંગળી ઊંચી કરે ! અમુક વાર તો સવાલ પતે એ પહેલાં ઉછળવા માંડ્યો હોય ! આવા બોચિયાને ‘છૂપી રીતે’ હેરાન કરવાની બહુ મજા પડતી.
શાહીવાળી ફાઉન્ટેનપેન ચાલતી નથી એમ કરમે એના શર્ટની પાછળ ભૂરી રંગોળી પુરતા હતા. એના દફતરમાં જીવતો દેડકો અથવા મરેલી ઘરોળી મુકી દેતા હતા. તેલ નાંખીને મસ્ત ઓળેલા વાળમાં પાછળથી ચુંઈગ-ગમ ચિટકાવી દેતા હતા. અને હોળીમાં બેટમજીને રંગવાને બહાને બિચારો અધમૂઓ થઈ જાય એટલો સખ્ખત ટપલીદાવ કરી લેતા હતા.
ચાલુ ક્લાસે ટચલી આંગળી ઊંચી કરીને બહાર ફરવા જવાની લિજ્જત તો કંઈ ઓર જ હતી !
બહુ જોરથી ‘લાગી હોય છતાં ધીમે ધીમે જ મૂતરડી બાજુ જવાનું ! અંદર એકલા એકલા સીટી વગાડીને ટાઇમપાસ કરવાનો ! પાછા આવતી વખતે એવો ‘સરક્યુલર રુટ’ પકડવાનો કે વચમાં લસરપટ્ટી, હિંચકો, ચકડોળ અને મનગમતી છતાં બીજા વર્ગમાં ભણતી છોકરીનો ક્લાસ પણ આવી જાય !
હા, અંગૂઠા પકડવાની સજા અઘરી હતી બાકી ક્લાસની બહાર ઊભા રહેવાની સજામાં તો VIP જેવી ફિલીંગ આવતી હતી !
માસ્તરોની જાતજાતની ખીજ પાડતા હતા. એક સરની ગરદન હંમેશાં ત્રાંસી રહેતી હતી એમનું નામ ‘છમાં પાંચ’ પાડ્યું હતું. એક સરની ચામડી કાળી અને વાળ ધોળા હતા. એમનું નામ ‘નેગેટિવ’ ! અને એક વખારિયા સર હતા, એમના ચહેરા ઉપર એટલા બધા તલ અને કાળા મસા હતા કે એમને અમે એને ‘વઘારિયા’ કહેતા હતા.
સ્કૂલનાં ગ્રાઉન્ડો એ ટાઇમે જબરજસ્ત મોટાં લાગતાં હતાં. આજે આટલા વરસે ત્યાં જઇએ તો એમ થાય કે બસ આવડું જ હતું ? (આજકાલ હાસ્યલેખમાં પણ એમ થાય છે કે બસ આટલું જ?) પણ એ તો એવું, બોસ.
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment