યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વ્યથાઓ તો તમે સાંભળી જ રહ્યા છો પણ છેલ્લા બે વરસથી ભારતમાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે એમની તકલીફો તો સાંભળો?…
***
‘હું અને મારા જેવા 11 લાખ સ્ટુડન્ટો છ છ કલાક લાઇનમાં રહ્યા છીએ… લાઇનમાં એટલે ‘ઓનલાઇનમાં’…. તલાટીની એક્ઝામનું ફોર્મ ભરવા માટે !’
‘એક્ઝામ ક્યારે લેવાશે એ કંઈ નક્કી જ નથી… પેપરમાં શું પૂછાશે એ જાણવા માટે પેપર ફોડનારા એજન્ટોને ફોન કરીએ છીએ… પણ કોઈ ઉપાડતું નથી…’
‘સરકાર કંઈ કરતી નથી…’
***
‘ગૌણ સેવાની પરીક્ષામાં મને અને મારા જેવા 8 લાખ સ્ટુડન્ટોને બેસ્ટ માર્ક આવેલા… પણ પેપર ફૂટી ગયું, એવું કહીને એક્ઝામ કેન્સલ કરી…’
‘હવે ડાયરેક્ટ એક્ઝામ વગર પ્રવાસી શિક્ષકમાં ભરતી થવા માટે ધક્કા ખાવા પડે છે…’
‘સરકાર કંઈ કરતી નથી…’
***
‘અમને તો બબ્બે વરસ ઓનલાઇનમાં બેસાડી રાખ્યા અને પછી એક્ઝામો જ ના લીધી…’
‘લીધી હોત તો મને અને મારા જેવા 7 લાખ સ્ટુડન્ટોને મેડિકલમાં જ એડમિશન મળવાનું હતું…’
‘સરકાર યુક્રેનના સ્ટુડન્ટોને વિમાનમાં બેસાડીને લાવે છે અને અમારે એસટી બસના ફ્રી પાસ માટે પણ ચાર ચાર કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે…’
‘સરકાર કંઈ કરતી નથી…’
***
‘છેલ્લા બે વરસથી ઓનલાઇન ફરજિયાત કર્યું છે પણ મોબાઇલ ખરીદવા માટે સરકારે એક પૈસો પણ આપ્યો નથી…’
‘બાપા જે રિ-ચાર્જ કરાવી આપે છે એ તો ફિલ્મો અને ગાયન જોવામાં જ પતી જાય છે… ભણવા માટે કોઈ એક રૂપિયાનું ય રિ-ચાર્જ કરી આપતું નથી…’
‘સરકાર કંઈ કરતી નથી…’
***
‘યુક્રેનમાં તો 16 હજાર ફસાયા છે પણ ગુજરાતમાં તો 16 લાખ ફસાય છે… દર વરસે…’
‘શું ભણીએ છીએ અને ભણીને શું કાંદા કાઢવાના છીએ એ જ સમજાતું નથી… ફસાઈ ગયા છીએ..’
‘બહાર નીકળવા માટે છકડો તો મોકલો ?’
***
- મન્નુ શેખચલ્લી
😀😀👏👏
ReplyDelete