‘ઓપરેશન ગંગા’માં આપણા ચિકાને તો ગંગામાં ડૂબકી માર્યા જેવો ચમત્કારી અનુભવ થયો !
આમ તો ચિકો યુક્રેનમાં કોઈ ભલતી સલતી કોલેજમાં ‘પુરુષ નર્સ’નો કોર્સ કરવા ગયેલો હતો ! પણ બાપાને કે ફ્રેન્ડ્ઝને એવું થોડું કહેવાય ? ત્યાં તો ‘મેડિકલમાં લીધું છે’ એમ જ કહેવાનું હોય ને ?
ચિકાનું પ્લાનિંગ પણ પાકું હતું. બે વરસ યુક્રેન ભણી લીધા પછી ત્યાં નોકરું મળે તો ઠીક, નહિતર કોઠાંકબાડાં કરીને યુરોપના કોઈ બીજા દેશમાં ઘૂસ મારી દેવાનો વિચાર હતો. પણ પેલા પુતિને ચિકાની આખી બાજી બગાડી મારી !
એમ તો ચિકો યુક્રેનમાં છેક એવા ટાઉનમાં ભણતો હતો જ્યાં રશિયાનું લશ્કર તો શું, ભૂલમાં છૂટેલું મિસાઇલ પણ ઊડીને પડ્યું નહોતું. પરંતુ ઘેરેથી બાપાના વારંવાર ફોન આવતા હતા કે, ‘હમણાં સરકારના પૈસે પાછા આવવા મળે છે તો આવતો રહે, નહીંતર પછી આપણી કરિયાણાની દુકાનમાં બેસવું હશે તોય પાછા આવવાનું મોંઘુ પડશે.’
ચિકો જેમ તેમ કરીને પોલેન્ડ બોર્ડર જતી બસમાં ચડીને છેવટે ‘ઓપરેશન ગંગા’ના ભારતીય વિમાનમાં બેસી જ ગયો હતો. મનમાં થતું હતું કે સાલું, આ યુધ્ધ લાંબુ ચાલશે તો ખરેખર બાપાની કરિયાણાની દુકાને બેસીને ઘઉં-ચોખા, તેલ-ઘી અને સાબુ-પાવડરના સામાનની ડિલીવરી કરવા ઘેર ઘેર ફરવું પડશે. ત્યાં જ ચિકાની નજર પડી બાજુવાળી છોકરી ઉપર…
એ જુદાં જુદાં મોં કરીને બાર-પંદર સેલ્ફીઓ લીધા પછી, એમાંથી છ-સાત ફોટા સિલેક્ટ કરીને, એમાં અલગ અલગ ફિલ્ટરો મારીને ટ્રાય કર્યા પછી ફાઇનલી ત્રણ ફોટા ઇન્સ્ટા-ફેસબુકમાં અપલોડ કરીને નીચે કંઈક લખવામાં બિઝી હતી…
એનું પત્યું એટલે ચિકો સાવ બાઘા જેવો સવાલ કરી બેઠો : ‘યુ ફ્રોમ ઇન્ડિયા ?’
પેલીએ ચિકા બાજુ જોયું ! પછી હસી. ‘અફ કોર્સ વળી !’ આ ‘વળી’ સાંભળતાં જ ચિકાના કાન ચમક્યા ! એણે તરત જ કુકરી મારી દીધી. ‘ફ્રોમ ગુજરાત, નો ?’
પેલી ફરી હસી પડી. ‘હાસ્તો વળી ! યુ ઓલ્સો ફ્રોમ ગુજરાત ?’
ચિકાએ તરત જ હાથ લંબાવ્યો. ‘માય સેલ્ફ ચિકા ઉર્ફે ચૈતન્ય ફ્રોમ ભાવનગર, બોલો !’ પેલીએ પણ બિન્દાસ હાથ મિલાવી દીધો. ‘આયમ ફ્રોમ નડિયાદ.. જુહી !’
પછી તો પાંચ-સાત કલાકની સફરમાં ચિકો સાતમા આસમાનમાં ઊડી રહ્યો હતો. (ભલેને બિચારું ઇન્ડિયાનું વિમાન પહેલા જ આસમાનમાં ઝોલાં ખાતું હોય !) ચિકાએ રોમેન્ટિક થવાને બદલે સૌથી પહેલાં તો પોતાની ‘ઇન્ટરનેશનલ ઇમેજ’ સુધારવાનું કામ કરવા માંડ્યું :
‘તારી પાસે પેલો વિડીયો છે ? જેમાં બધા કહે છે કે અમે અહીં માઇનસ 25 ડિગ્રીમાં ધ્રુજી રહ્યા છીએ અને ખાવા માટે કશું નથી, પોલેન્ડના સૈનિકોએ અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે…’
જુહીએ કહ્યું. ‘અરે, મારી પાસે તો પેલા હેન્ડસમ મિનિસ્ટર જ્યોતિરાદિ સિંધીયા અમારી ખબર પૂછતા હોય એવો વિડીયો પણ છે !’
‘વાઉ ! ખરેખર તારી ખબર પૂછતા હતા ?’
‘ના હવે ! આ તો કોઈ છોકરીની પીઠ દેખાય છે એટલે એ હું છું એમ કરીને મેં, ફેસબુકમાં ચલાઈ છે.’
ચિકો સમજી ગયો કે જુહી સ્માર્ટ છે. વાતો વાતોમાં એ પણ ખબર પડી કે જુહી કંઈ MBBSનું નહોતી ભણતી. એણે અગડમ બગડમ અંગ્રેજીમાં પોતાના કોર્સનું ડિસ્ક્રીપ્શન આપ્યું તે ચિકાને સમજાયું જ નહીં ! યાર, ‘ટેક્નિકલ એસ્ક્પર્ટીઝ ઇન પેરામેડિકલ સપોર્ટ ઇન ડેન્ટિસ્ટ્રીઝ’ એટલે શું ?
છેવટે ચિકાનું બાઘા જેવું ડાચું જોઈને જુહીએ ફોડ પાડ્યો. ‘અલ્યા, દાંતનાં ચોકઠાં બનાવતાં શીખવાનું !’
ઇન્ડિયા આવતાં આવતાં તો ચિકાએ મનમાં ને મનમાં ‘પોતાનું ચોકઠું’ બેસાડી દીધું હતું ! દિલમાં તો ફૂલઝડીઓ ફૂટી રહી હતી છતાં એરપોર્ટ ઉપર ઉતરીને રડવાના પોઝ આપવા પડ્યા !
જોકે ભાવનગર પહોંચ્યા પછી ચિકાનું સપનું ધીમે ધીમે તૂટવા માંડ્યું. એને સમજાઈ ગયું કે વોર લાંબી ચાલવાની છે.. ઈન્ડિયામાં બીજો કોઈ સ્કોપ નથી.. ભઈલા, નસીબમાં તો હવે બાપાની કરિયાણાની દુકાન જ લાગે છે !
છેવટે આખરી ઉપાય તરીકે જુહી જોડે વોટસેપમાં ચેટ કરતાં કરતાં ‘આઇ લવ યુ… વિલ યુ મેરી મિ ?’ એવો મેસેજ કરવાને બદલે એણે ટાઇપ કર્યું :
‘આમ તો તલાટીની નોકરીનું ફોર્મ ભર્યું જ છે,
પણ તમારા નડિયાદમાં કોઈ NRI છોકરી મેરેજ માટે જો છોકરો શોધવા આવે તો મારું ચોકઠું ગોઠવજે ને…
પ્લીઝ ? જવું છે તો એબ્રોડ જ !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment