બે ગધેડાની બોધકથા !

જંગલનો રાજા સિંહ બિમાર પડ્યો હતો. પરંતુ સિંહ કરતાં વધારે ચિંતા સિંહના દરબારીઓને હતી ! કેમકે સિંહ શિકાર કરે પછી જે વધ્યું ઘટ્યું હોય તેમાંથી શિયાળ, વરૂ, કાગડા, ગીધ વગેરેનાં પેટ ભરતાં હતાં. (જેને આજે કટકી કહે છે.)

શિયાળે સિંહને કહ્યું ‘રાજાજી, તમે શિકાર કેમ નથી કરતા ?’
‘શી રીતે કરું ? મારાથી દોડાતું જ નથી.’

‘પણ ધારો કે શિકાર સામેથી ચાલીને તમારી પાસે આવે તો ?’
‘એ કઈ રીતે બને ?’

‘એ તમે મારા ઉપર છોડો.’ શિયાળ કોઈ કાબેલ દરબારીની માફક ખંધૂ હસ્યો.

પછી તે એક ગધેડા પાસે ગયો. તેને કહ્યું. ‘અલ્યા, તું આમ નફ્ફટની જેમ જંગલનું ઘાસ ચર્યા કરે છે, પણ તને કંઈ ભાનબાન છે ? જંગલ ઉપર કેટલું ઘેરું સંકટ છે ! આપણા જંગલના રાજા બિમાર પડ્યા છે ! તારે એમની ખબર કાઢવા તો જવું જોઈએ કે નહીં ?’

ભોળો ગધેડો ખબર કાઢવા માટે સિંહની બોડમાં ગયો. ત્યાં પહેલેથી જ શિયાળ, વરૂ, ગીધ, કાગડા વગેરે બેઠા હતા.

વાતાવરણ સાવ બેસણા જેવું હતું. સિંહ અડધી આંખો મીંચીને લાંબો થઈને સૂતો હતો. કાગડાઓ, ગીધો, વરૂ અને શિયાળવાં રડવા જેવું મોં કરીને બેઠા હતા. (ફક્ત ફોટા ઉપર હાર ચડાવવાનો બાકી હતો.) ગધેડો પણ જઈને શોકમુદ્રામાં ગોઠવાઈ ગયો.

હવે કાગડાએ લાગ જોઈને શરૂ કર્યું. ‘રાજાજી, તમારું દુઃખ મારાથી જોયું જતું નથી. તમે કહો તો અમે બે ચાર કાગડા અમારો ભોગ આપી દઈએ પણ તમે તમારું પેટ ભરો.’
સિંહ કહે ‘બે ચાર કાગડાથી મારું શું પેટ ભરાશે ? રહેવા દો…’

આના પછી ગીધડાંએ વારો લીધો ‘મહારાજ એવું હોય તો તમે અમને ખાઈ જાવ !’ સિંહ કહે ‘તમારી લાગણીની હું કદર કરું છું, પણ રહેવા દો…’ 

આ જોઈને વરુએ છાતી કૂટવા માંડી. ‘રાજાજી મારી જિંદગીની તો કિંમત જ શું છે ? તમે મને મારી નાંખો, પણ પોતે સાજા થઈ જાવ…’ 

છેલ્લે શિયાળે તો માથું પટકીને આક્રંદ મચાવી દીધું ‘હે રાજાજી ! જો તમે જ નહીં હો તો અમારે સૌએ જીવીને શું કરવાનું છે ? અમારો ભોગ લો… પણ રાજા અમર રહો !’

આ જોતાં ગધેડાને પણ શૂર ચડ્યું ‘રાજાજી, હું પણ મારા પ્રાણ આપવા તૈયાર છું !’

બસ, ગધેડાના મોંમાથી આટલા શબ્દો નીકળ્યા કે તરત જ સિંહ એની ઉપર તૂટી પડ્યો !

બોધ : રાજા કે રાજ્ય માટે ભોગ આપવાની પ્રેરણા આપનારા મોટીવેટરોથી ચેતતા રહેવું.

*** 

એક ઘરમાં અડધી રાત્રે ચોર ઘૂસ્યા. બહાર માલિકનો કૂતરો સૂતો હતો. ચોરના અવાજથી ઘરનો ગધેડો જાગી ગયો. તેણે કૂતરાને કહ્યું ‘અલ્યા, ચોર આવ્યા છે !’

કૂતરાએ આળસ મરડી, આંખનાં પોપચાં જરા ઊંચા કરીને તેણે કહ્યું ‘ખબર છે…’

‘તો તું ભસતો કેમ નથી ?’

‘આખી જિંદગી બહુ ભસી લીધું. આપણો માલિક એના બદલામાં શું આપે છે ? વાસી રોટલી અને વધેલું શાક ? વફાદારીની માત્ર આટલી જ કિંમત ?’

ગધેડો કહે ‘ચોરોથી માલિકને બચાવવાની તારી ફરજ છે ! તારે ભસવું જોઈએ !’

કૂતરો બગાસું ખાતાં કહે ‘ઠીક છે ? તું ભસ !’

ગધેડો જોશમાં આવીને ‘હોંચી.. હોંચી…’ કરવા લાગ્યો.

ઘોંઘાટથી માલિક જાગી ગયો. તે ડંડો લઈને બહાર આવ્યો અને ગધેડાને ઝૂડી નાંખ્યો. ‘ડફોળ ! અડધી રાત્રે શેનો ભૂંકે છે ? મારી ઊંઘ બગાડી નાંખી !’

ચોરો તો ચોરી કરીને જતા રહ્યા પણ ગધેડાનો બરડો સુજી ગયો.

બોધ : વ્હીસલ બ્લોઅરનું કામ માત્ર પાળેલા કૂતરા જ કરતા હોય છે. ગધેડાઓએ તેમાં પડવું નહીં. સમજ્યા ?

***

- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com

Comments