જંગલી સવાલ જવાબ !

માણસોને માણસો વિશે જેટલા પ્રશ્નો થાય છે એટલા પ્રાણીઓ વિશે કેમ નથી થતા ? જુઓ…

*** 

સવાલ : ઝેબ્રાના શરીર ઉપર કાળા ચટ્ટા-પટ્ટા શા માટે હોય છે ?
જવાબ : ખોટી વાત. ઝેબ્રાના શરીર ઉપર તો સફેદ ચટ્ટા-પટ્ટા હોય છે. કેમકે એમનાં શરીર કાળાં હોય છે !

*** 

સવાલ : કાગડાં હંમેશાં કાળા જ કેમ હોય છે ?
જવાબ : કેમ કે પક્ષીઓ માટે કોઈ બ્યુટિ પાર્લરો હોતાં નથી.

*** 

સવાલ : કાનખજૂરાને આટલા બધા પગ શા માટે હોય છે ?
જવાબ : શા માટે ? અલ્યા ભઈ, ચાલવા માટે !

*** 

સવાલ : ગોળનું એક દડબું પડ્યું હોય તો આટલી બધી કીડીઓ કેમ ખાવા માટે આવી જાય છે ?
જવાબ : કેમકે કીડીઓને કદી ડાયાબિટીસ નથી થતો !

*** 

સવાલ : માંકડ આપણું લોહી શા માટે પીએ છે ?
જવાબ : આપણી પત્નીઓનો ‘વર્ક-લોડ’ ઓછો કરવા માટે !

*** 

સવાલ : હાથીના કાન કેમ આટલા મોટા હોય છે ?
જવાબ : જેથી ગામની પંચાત એક કાને સાંભળીને બીજા કાનેથી ઇઝીલી બહાર કાઢી શકાય !

*** 

સવાલ : ગેંડાની ચામડી કેમ આટલી જાડી હોય છે ?
જવાબ : જોયું ? ત્વચા સે ઉમ્ર કા પતા હી નહીં ચલતા !

*** 

સવાલ : આ દુનિયામાં પક્ષીઓ, પ્રાણીઓ અને જંતુઓની ટોટલ વસ્તી કેટલી હશે ?
જવાબ ; મચ્છરોને પૂછી જુઓને ? એ હંમેશાં ‘ગણ-ગણ’ કરતાં હોય છે !

***
- મન્નુ શેખચલ્લી

Comments