પરીક્ષા તો બધાની લો !

10મા અને 12મા ધોરણના સ્ટુડન્ટો છેક બે વરસે પરીક્ષામાં બેઠા છે ! પણ ફક્ત સ્ટુડન્ટોની જ પરીક્ષા શા માટે ? બધાની પરીક્ષા લો ને ? જેમ કે…

*** 

બંધારણની શપથ લઈને મિનિસ્ટરો બનતા મંત્રીઓની પરીક્ષા લઈને પૂછો કે બંધારણની કુલ કેટલી કલમો છે ? કલમ નં. 32 અને કલમ નંબર 133A વચ્ચે શો ફરક છે ?

*** 

એમને એમ પણ પૂછો કે પ્લાસીના યુદ્ધમાં કેટલી ગોળીઓ વપરાઈ હતી અને કેટલી ગોળીઓ બચી હતી ? શોધી લાવો.

*** 

વિમાનો ઉડાડતા પાઈલોટને પૂછો કે ચંદ્ર, મંગળ અને શુક્રમાં શું ફરક છે ?

- હવે તમે કહેશો કે ભૈશાબ, પાઈલોટને ક્યાં ચંદ્ર, મંગળ કે શુક્ર ઉપર વિમાન લઈને જવાનું છે ?

તો ભાઈ, સ્ટુડન્ટોને ય શું કામ આખું ગ્રહમંડળ ભણાવો છો ? એમનામાંથી પણ એકેયને અવકાશયાનમાં નથી જવાનું !

*** 

ના ના, તલાટીઓને પૂછો કે ન્યુટનના દાદાનું નામ શું હતું ? અને જગદીશચંદ્ર બોઝે બંગલો બંધાવ્યો હતો કે ટેનામેન્ટ ?

- અને જો તલાટીઓને એ જાણવાની જરૂર ના હોય તો અમને શા માટે મુગલવંશની આખેઆખી પેઢીઓ ગોખાવો છો ?

*** 

પરીક્ષાઓ તો સ્કુલના શિક્ષકોની પણ લો ! સાયન્સ અને મેથ્સના સરને પૂછો કે મંદાક્રાંતા છંદમાં કેટલા અક્ષરો હોય ? અને સંસ્કૃતની સાતમી વિભક્તિમાં કયા કયા પ્રત્યયો લાગે છે ?

- જો એમને આ કશું કામનું ના હોય તો અમારા દિમાગમાં શા માટે સત્તર વિષયોની ભેળપુરી ભેગી કરીને ઉપરથી ગોખણપટ્ટીનો રગડો પધરાવો છો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments