વેબસિરીઝના વીસ નિયમો અને ત્રણ સજેશનો !

છેલ્લા ચાર-પાંચ વરસથી OTT પ્લેટફોર્મ ઉપર જે વેબસિરિઝોએ ઉપાડો લીધો છે એના હવે અમુક નિયમો બની ગયા છે ! 

(1) આખી વેબસિરિઝમાં ક્યાંય અજવાળું ના હોવું જોઈએ. બધે અંધારું અંધારુ જ રાખવાનું છે.

(2) દિવસનો સીન હોય, કે ભરબપોરનો, પરદા ઉપર તો અંધારું જ લાગવું જોઈએ.

(3) કશું કલરફૂલ બતાડવાનું નથી. બધું લીલું-લીલું, ભુરું-ભુરું અથવા રાખોડી-રાખોડી રાખવું.

(4) કોઈ ગાયનના ખર્ચા કરવાના નથી. ટાઈટલ મ્યુઝિક પણ ફાલતુ હશે તો ચાલશે કેમકે લોકો સ્કીપ જ કરવાના છે.

(5) આખી સિરીઝમાં એકાદ બે જાણીતા એકટરો લેવાના. બાકી બધા એકસ્ટ્રા કલાકારો જેવા ચાલે.

(6) કોઈ કલાકારે સંવાદો સ્પષ્ટ સંભળાય એમ બોલવાના નથી.

(7) હા, ગાળો મોટેથી અને સ્પષ્ટ સંભળાય એમ બોલવાની છે.

(8) ગાળો માટે એટલી બધી ફ્રીડમ ઓફ સ્પીચ છે કે દરેક ટાઈપના પાત્રો બોલશે. ભણેલા, અભણ, ગરીબ, અમીર, ગુંડા, અફસર, નેતા... બધાને ફ્રીડમ છે. ( બહુ ભણેલા હોય તો અંગ્રેજીમાં ગાળો બોલશે. લેડિઝ તો ખાસ.)

(9) છ સાત સીન પછી એક વલ્ગર સેક્સી સીન નાંખવો જરૂરી છે. વાર્તામાં જરૂરી ના હોય તો પણ.

(10) કોઈનો પીછો કરતા હોય કે કોઈ ઠેકાણે રેડ મારવાની હોય એ તમામ સીનો લાંબા લાંબા ખેંચવાના છે. (એ પણ અંધારામાં જ.)

(11) અને જે સીનમાં પ્રેક્ષકોને ડાયલોગથી સ્ટોરીમાં કંઈ સમજ પડી જાય એવું હોય તે તમામ સીન અધવચ્ચેથી કાપી જ નાંખવાના છે.

(12) આખે આખા એપિસોડમાં સ્ટોરી સળંગ, સરળ અને સમજાય એ રીતે તો બતાડવાની જ નથી.

(13) બધું આડું અવળું કરીને જ બતાડવાનું છે.

(14) ફ્લેશ-બેક ચાલે છે ? કે હમણાંની વાત છે ? એ પણ ક્લિયર થવા દેવાનું નથી.

(15) બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બહેરાશવાળું જ રાખવાનું. ઘુંઉંઉંઉં ઘુંઉંઉંઉં… ઢૂંઉંઉંઉં ઢૂંઉંઉંઉં… ભૂંઉંઉંઉં ભૂઉંઉંઉંઉં… એવું વગાડ્યા કરવાનું. (ખર્ચો બચી જાય છે. કેમકે શીખાઉ માણસ પણ વગાડી શકે.)

(16) ક્યાંય સિતાર, વાંસળી, સંતુર વગાડવાના નથી. ટુંકમાં, પ્રેક્ષકોને ‘ફ્રેશનેસ’ની ફીલિંગ જ ના મળવી જોઈએ.

(17) જો પોલીસ અફસર હોય તો એને એની બૈરી જોડે ના જ બનતું હોય, જે ઇમાનદાર પોલીસવાળો હોય એ હેરાન જ થતો હોય. નેતાઓ નાલાયક અને વલ્ગર જ હોય. ટપોરીઓ જોક્સ સમજ્યા વિના જ ખીખી કરતા હસતા હોય.. વગેરે બાબતો ધ્યાનમાં રાખવી.

(18) ખાસ તો, કોઈ ‘નોર્મલ’ પાત્ર હોવું ના જોઈએ.

(19) RAWનો એજન્ટ હશે તો વિલનને અફઘાનિસ્તાન, તાઝિકીસ્તાન, પોલેન્ડ, આયર્લેન્ડ કે મોરેશિયસમાં જઈને મારી નાંખશે પણ મુંબઈનો પોલીસ ઇન્સપેક્ટર મામુલી ટપોરીને પકડવા જાય તો તે આડી અવળી ગલીઓમાંથી ટપોરી ભાગી જ જશે.

અને (20) કોમેડીનો છાંટો પણ ઉમેરવાનો નથી ! એ તો ઠીક, કોઈ પાત્રને ‘ખુશ’ બતાડવાની પણ સખત મનાઈ છે !

*** 

આટલા બધા કડક નિયમો પાળીને જે બહુ મુશ્કેલીથી વેબસિરિઝો બનાવે છે એવા પ્રોડ્યુસરોને બે ત્રણ સુચનો છે. પ્લીઝ…

(1) જે રીતે સબ-ટાઈટલ્સનું ઓપ્શન છે એ રીતે ગાળો મ્યુટ કરવાનું ઓપ્શન પણ આપોને, પ્લીઝ !

(2) ગંદો સીન આવવાનો હોય તેની એક મિનિટ પહેલાં ‘વોર્નિંગ’ આવે અને ઉલ્ટી ગણત્રીમાં ટાઈમનો ડિસ્પ્લે આવે એવું કરી આપોને પ્લીઝ !

(3) જે રીતે ટાઈટલ્સ સ્કીપ કરવાનું ઓપ્શન છે એ જ રીતે ગંદો સીન સ્કીપ કરવાનું ઓપ્શન પણ આપો ! પ્લીઝ.

(અને હા, જેને એવા સીન વારંવાર જેને જોવા હોય એને ‘રીપિટ’નું ઓપ્શન પણ આપજો, માઈ-બાપ ! ક્યા કરેં ? ધંધા હૈ, પર ગંદા હૈ !)

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments