ઇમરાન ખાન હવે શું કરશે ?

કાલે નહીં તો પરમ દિવસે, હવે ઇમરાન ખાનની ખુરશી જવાની છે એ વાત નક્કી છે. સવાલ એ છે કે પદભ્રષ્ટ થયા પછી ઇમરાન ખાન શું કરશે ?
વેલ, એ વિશે અમુક લોકોએ વિચારી રાખ્યું છે ! જુઓ…

*** 

પાકિસ્તાનના અચ્છા અચ્છા શાસ્ત્રીય ગાયકો અને સંગીતકારો ઇમરાન ખાન પાસે જઈને કહેવા લાગ્યા :

‘જનાબ, હમ ચાહતે હૈં કિ આપ ક્લાસિકલ મૌસિકી કે સિંગર બન જાયેં ! આપ બહુત મશહુર હો જાયેંગે ! આપ અભી સે રાગ દરબારી, રાગ જયજયવંતી, રાગ મિયાં કી તોડી, રાગ બિલાવલ વગેરે સીખના શુરુ કર દેં…’

બિલાવલ ભુટ્ટોનું નામ સાંભળતાં જ ઇમરાન ખાન છંછેડાઈ ગયા.

‘અમાં મૈં રાગ બિલાવલ ક્યું ગાઉંગા ? ઔર વૈસે ભી, મુઝે કોઈ રાગ ગાને કા તજુરબા નહીં હૈ !’

‘ક્યા બાત કર રહે હૈ ?’ ગાયકો કહેવા લાગ્યા : ‘પિછલે સાડે તીન સાલ સે આપ રાગ કશ્મીર તો અલાપ હી રહે હૈં !'

*** 

થોડી વાર પછી બીજું એક જુથ ઇમરાન ખાનને મળવા આવ્યું. એ જુથનો આગેવાન કહેવા લાગ્યો :

‘જનાબ, આ અમારું આખું ભિખારીઓનું પ્રતિનિધિ મંડળ છે. આમાં સડકના ભિખારી છે, ઓનલાઇન ભીખ માગતા ભિખારી છે, NGO ચલાવનારા છે, સબસીડી માંગનારા છે, મફત વીજળી, મફત અનાજ અને મફત લોન માગનારા ભિખારી પણ છે… બસ, અમારી ઇચ્છા છે કે તમે એક ઇન્ટરનેશનલ ભિખારી મંડળ બનાવો અને તેના પ્રમુખ બની જાવ !’

ઇમરાન ખાન બગડ્યા. ‘અરે ? હું શા માટે ભિખારીઓનો પ્રમુખ બનું ?’

‘સર, આપને તો અનુભવ છે ! છેલ્લા સાડા ત્રણ વરસમાં પાકિસ્તાન માટે દુનિયાભરમાં તમે ભીખ જ માગી છે ને !’

***

- મન્નુ શેખચલ્લી

Comments