નવી જનરેશન શું જાણે અમારી સ્ટ્રગલ ?

જે વડીલો ’50 કે ’60ના દાયકામાં જન્મ્યા છે એમને '95-'99માં જન્મેલા બાવીસ પચ્ચીસ વરસના છોકરાં એમ કહીને ઉતારી પાડે છે કે ‘વડીલ, અમારી સ્ટ્રગલમાં તમને સમજ ના પડે !’ 

અલ્યા ટાબરિયાંવ ! તમને હજી ખબર જ ક્યાં છે કે અમે કેવી કેવી સ્ટ્રગલો કરેલી છે… 

*** 

આજે OTTમાં કે મોબાઈલમાં મુવી જોતાં જોતાં માંડ દસ સેકન્ડ માટે વાઇ-ફાઈનું સિગ્નલ વીક પડ્યું હોય એમાં તો આજનાં બાબલા-બેબલીઓ અકળાઈને ઊંચાનીચા થઈ જાય છે… 

અરે, એમને ક્યાં ખબર છે કે અમારા જમાનામાં પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં અડધા કલાકનું છાયાગીત સરખું જોવા મળે એ માટે અમે સાંજે છ વાગ્યાના ધાબા ઉપર ચડીને સવા કલાક લગી ટીવીનું પેલું એલ્યુમિનિયમની છ ભૂંગળીઓવાળું એન્ટેના પોણો પોણો કલાક લગી ‘એડજસ્ટ’ કરતા હતા !

આજે લેપ-ટોપમાં કશું જોવા માટે હજી પંદર સેકન્ડ લગી પેલું બફરિંગનું ચકરડું ગોળગોળ ફરે એમાં તો આજની જનરેશન ‘શીટ… શીટ…’ કરતી થઈ જાય છે… 

અરે, એમને ક્યાં ખબર છે કે દૂરદર્શનના જમાનામાં અમે ટીવીના પરદે ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’ એવું લખેલું પાટિયું જોતાં જોતાં અડધો કલાક લગી કેવા ધીરજથી બેસી રહેતા હતા !

આજનાં જુવાનિયાંઓ નવું મુવી આવે તો 36 કલાક અગાઉથી ઓનલાઇન બુકિંગ કરાવી દે છે અને મુવી ચાલુ થયાની 26 મિનિટ પછી પહોંચવા છતાં શું મિસ થયું એની ચિંતા કરવાને બદલે પોપ-કોર્ન સમોસામાં શું મંગાવવું એ ડિસ્કસ કરવામાં કન્ફ્યુઝ થઈ જાય છે… 

અરે, એમને ક્યાં ખબર છે કે અમારા જમાનામાં પાડોશીને ત્યાં નવ વાગ્યાનું રામાયણ-મહાભારત જોવા માટે રવિવારે સાડા સાત વાગે ઊઠીને, આઠ વાગ્યા સુધીમાં ન્હાઈ ધોઈને, સવા આઠ વાગે ટીવીની સામે બેસી જઈને ‘એડવાન્સ બુકિંગ’ કરાવી દેવું પડતું હતું ! વાત કરો છો…

આજે વોટ્સએપમાં ગર્લફ્રેન્ડ જોડે ચેટ કરતી વખતે ‘I’ ટાઇપ કરો ત્યાં તો આખું ‘I Love You’ ટાઇપ થઈ જાય છે ! છતાં ઓટો-સ્પેલને લીધે ક્યારેક cuteને બદલે cut, Sweet ને બદલે sweat, hi ને બદલે thigh અને છેવટે bahanaને બદલે banana ટાઇપ થઈ જાય એમાં તો એમનાં ‘બ્રેક-અપ’ થઈ જાય છે !... 

અરે, એમને ક્યાં ખબર છે કે અમારા જમાનામાં પેલા નોકિયાના ડબલામાં ફક્ત Sorry ટાઈપ કરવા માટે ‘S’વાળી ચાંપ ચાર વખત, ‘o’ વાળી ચાંપ ત્રણ વખત, ‘r’વાળી ચાંપ ફરી ત્રણ-ત્રણ વખત અને ‘y’વાળી ચાંપ વધુ ત્રણ વખત દબાવીએ.. યાને કે ટોટલ સોળ વાર ચાંપો દબાવીએ ત્યારે તો ગર્લફ્રેન્ડને એક સોરીનો મેસેજ જતો હતો ! બોલ્યા મોટા, ઓટો-સ્પેલને લીધે બ્રેક-અપ થઈ ગયું…

આજે તો આપણાં ઘરે આવેલાં ટીન-એજર્સ આપણું છ વરસ જુનું ટીવી જોઈને કહી દે છે ‘અંકલ નવું ટીવી લઈ લો, આમાં તો કલર સેટિંગ બગડી ગયું છે…’ 

અરે ટેણિયાંઓ, તમને ક્યાં ખબર છે કે અમારાં જમાનામાં જે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવતાં હતાં એમાં ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝની મેચ જોવા બેઠા હોઈએ, ને જો બ્રાઇટનેસ વધારીએ તો ધોળિયા પ્લેયર્સનાં મોઢાં ગાયબ થઈ જતાં અને ડાર્કનેસ વધારીએ તો કાળિયા પ્લેયર્સના મોં દેખાતાં જ નહોતાં ! અને તમે ‘કલર-સેટિંગ’માં ભૂલ કાઢો છો ?

ચાલો, એ બધું છોડો, આજનાં જુવાનિયાઓ કોઈને ફોન કરે અને સામેથી કોઈ ઉપાડે નહીં તો ટેન્શનમાં આવીને વીસ પચ્ચીસ મિસ-કોલ મારી દેશે… 

અરે ભૈ, તમને ક્યાં ખબર છે કે અમારા જમાનામાં ખાલી એક હેડકી આવે એમાં અમે સમજી જતા હતા કે ‘પેલી યાદ કરે છે!’ એ જ હતો અમારો ‘મિસ-કોલ’ !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment