અમને હજી સુધી એ સવાલનો જવાબ મળ્યો નથી કે જુની ફિલ્મોમાં જે હિરોઈનો આંધળી હતી એમની આંખોમાં રોજ મસ્ત અણિયાળા શેપમાં કાજળ કોણ લગાવી આપતું હતું ?
અને એમની આઈ-બ્રો શી રીતે આટલી સરસ સેટ થયેલી રહેતી હતી ? એ આંધળી હિરોઈનની જે કોઈ બ્યુટિ-પાર્લરવાળી હોય એને કેમ કોઈ દહાડો પિક્ચરમાં બતાડતા નહોતા ?
નવાઈ તો એ પણ લાગતી હતી કે આંધળી હિરોઈનો આટલી ખુબસુરત કેમ રહેતી હતી ? કેમ કોઈ દહાડો ચહેરા ઉપર શીતળાના ડાઘવાળી, આંખોમાં બાકોરાંવાળી કે રિયલ લાઇફમાં ડાઘવાળી, આંખોમાં બાકોરાંવાળી કે રિયલ લાઇફમાં જે ટ્રેનમાં ભીખ માંગવા આવતી હતી એવી ટાઈપની કોઈ હિરોઇનો કદી જોવા ના મળી ? (જોકે સવાલ એ પણ છે કે બોસ, એવી હિરોઈનો હોત તો તમે પિકચર જોવા ગયા હોત ખરા ? બોલ્યા મોટા.)
એમ તો બોસ, કેમ કોઈ આંધળી હિરોઈનો આંખે કાળા ચશ્મા નહોતી પહેરતી ? અરે ભઈ, તમે એની બ્યુટિફૂલ આંખો જોઈ શકો એટલા માટે જ ને ? એમાંય પાછો રૂલ હતો કે જો હિરો આંધળો હોય તો ગોગલ્સ પહેરી શકે (પોતાનાં આંસુ છૂપાવવા માટે) પણ હિરોઈનોને મનાઈ હતી. (કારણ કે હિરોઈને તો આંસુ બતાડવામાં જ હોય !)
આખી વાતમાં તમે જોજો કે ભૂમિતિ બાબતે કેટલું ધ્યાન રાખવામાં આવતું હતું ! જે પાત્ર આંધળું બન્યું હોય એણે પોતાની ગરદન 10 ડિગ્રી ઊંચી રાખવાની, ચહેરો પરમેનેન્ટલી 45 અંશના ખૂણે ઊંચો રાખવાનો અને આંખોની કીકીઓ વડે બરોબર 70 ડિગ્રીની ઊંચાઈએ એકાદ ગાજર લટકાવી રાખ્યું હોય તેને જ ટીકીટીકીને જોતા રહેવાનું હતું !
આમાં પેલી કહેવત હતી ને કે ‘મળવાનું ગાજર, છતાં રહેવાનું હાજર’... એ નિયમ મુજબ એકાદ હિરો આવી બ્યુટિફૂલ હિરોઈનની આજુબાજુ હાજર જ હોય ! જોકે આમાંય પેટા નિયમો હતા. જો હિરોઈનનો નાનો ભાઈ હોય તો તે હિરોઈનનો હાથ પકડીને તેને ચલાવે, હિરોઈનનો કાકો કે બાપો હોય તો બેટમજી વારેઘડીએ હિરોઈનના સરસ ફીટિંગવાળા બ્લાઉઝની પાછળની સાઈડે ‘બેટી… બેટી…’ કરતાં હાથ મુક્યા કરે ! અને હિરો ? એ ટુરિસ્ટ પ્લેસનો લોકલ ગાઈડ બને !
હિરોઇન ગાયનમાં પૂછે ‘વો ક્યા હૈ ?’ હિરો ગાઈડ બનીને જવાબ આપે ‘એક મંદિર હૈ !’ પેલી પૂછે ‘ઉસ મંદિર મેં ?’ જવાબ મળે ‘એક મૂરત હૈ !’ (આંખે દૂરબીન લગાડ્યા વિના) પેલી વધુ માહિતી માગે ‘વો મૂરત કૈસી હોતી હૈ ?’ ત્યારે લોકલ ગાઈડ ચાલુ પડી જાય ‘તેરી સૂરત જૈસી હોતી હૈ !’ અલ્યા, જોતો નથી કે ત્યાં મહાદેવજીનું મંદિર છે ?
એ જમાનાના ડોકટરો પણ અદભૂત હતા. ઓપરેશન થિયેટરમાંથી બહાર આવીને પોતાના ગળે લટકાવેલું સ્ટેથોસ્કોપ સરખું કરતાં કરતાં કહેતા હતા ‘ઉસ કી આંખો કી રોશની ચલી ગઈ હે…’ ઓ મારા સાહેબ, એ તો બરોબર પણ શું આંખોની રોશની ચેક કરવા માટે તમે ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવી રાખો છો ?
જોકે મોડે મોડે દુનિયાના મેડિકલ સાયન્સને ખબર પડી કે આંખોમાં પણ ‘પ્રેશર’ હોય છે ! બોલો, ભારતના ફિલ્મી ડોક્ટરો એ હિસાબે કેટલા આગળ હતા !
જોકે આપણા એ જમાનામાં મેડિકલ સાયન્સ આંધળી હિરોઇનો માટે કોઈ શોધ જ કરતું નહોતું. એટલે તમે માર્ક કરજો કે કોઈ હિરોઇન પિકચરમાં ચશ્માના નંબર કઢાવવા ગઈ હોય એવો એક પણ સીન આવ્યો નથી ! આ બધું ‘નેત્રદાન’ એટલે કે ‘આઇ ટ્રાન્સપ્લાન્ટ’વાળું પણ મોડે મોડે આવ્યું. ત્યાં સુધી બિચારા મનમોહન દેસાઈ જેવા ડિરેક્ટરો સાંઈબાબાના ચમત્કાર ઉપર જ આધાર રાખતા હતા. (અમર અકબર એન્થોની)
સાલું, જુની ફિલ્મોમાં આંધળી હિરોઈનો માટે ‘યાદદાસ્ત’નું સાયન્સ પણ કામમાં નહોતું આવતું ! એક્સિડેન્ટ થાય ત્યારે આંખોની રોશની જતી તો રહેતી હતી પણ બીજો અકસ્માત થાય ત્યારે સાલી, ‘વાપસ’ કદી નહોતી આવતી ! બોલો, સરાસર ના-ઇન્સાફી હૈ ના ?
જોકે ગીતકાર મજરુહ સુલતાનપુરી સમજી ગયેલા કે હિરોઇન આંધળી હોય કે દેખતી, એ બધું ભૂલી જાવ, પણ જો એ તમારી પત્ની હોય તો એની આંખો જ રીમોટ કંટ્રોલ છે !
જુઓ, કવિ શું લખી ગયા છે... ‘યે ઉઠે સુબહા ચલે, યે ઝુકે શામ ઢલે, મેરા જીના, મેરા મરના, ઈન્હીં પલકોં કે તલે !’
હવે તમે પણ સમજી ગયાને ? સખણા રહેજો.
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment