પુરુષોની કદર જ ક્યાં છે ?

તમે જુઓ, આ દુનિયામાં પુરુષોની કોઈ કદર જ નથી ! એમાંય ખાસ કરીને જે કુંવારા છે એવા છોકરાંઓની તો કિંમત બે કોડીની થઈને રહી ગઈ છે ! તમને એક પછી એક આઈટમો ગણાવતો જાઉં છું જેમાં છોકરીઓ માટે બધું જ છે ! પણ છોકરાઓ માટે ? તમે જ જોઈ લો…

છોકરીઓ માટે..
બ્યુટિ ક્રીમ છે, વિન્ટર લોશન ક્રીમ છે, મોઈશ્ર્ચરાઈઝિંગ ક્રીમ છે (જેનાથી ત્વચામાં ભીનાશ ટકી રહે, એ પણ ઝાકળ જેવી !) ઓલિવ-ઓઇલ ક્રીમ છે (જેનાં ફળ માત્ર ‘મેડિટરેનિયન ક્લાઇમેટ’માં જ ઊગે છે !) એન્ટિ એજિંગ ક્રીમ છે (જેનાથી ‘ઉમ્ર કા પતા’ ના ચલે !) સ્ક્રીન વ્હાઇટનિંગ ક્રીમ છે (જેનાથી ‘રાધા ક્યું ગોરી ?’ એવું કાળિયા છોકરાઓ દાઢું ખંજવાળીને પૂછતા રહે !) અરે, બોડી લોશન ક્રીમ છે, લેગ-ક્રીમ છે, ફેસ-ક્રીમ છે, એડીમાં તિરાડો પડે તો તે પુરવા માટેનાં ક્રીમ પણ છે… બોલો.

અને છોકરાઓ માટે શું છે ?
શેવિંગ ક્રીમ !

***

પેલો ફેમસ વોટ્સ-એપ જોક છે ને, કે છોકરો જો મોં ધોતો હોય તો સમજવું કે એ ક્યાંક જવાનો છે પણ છોકરી જો મોં ધોતી હોય તો સમજવું કે હવે એ ક્યાંય બહાર નહીં જાય ! કેમકે એ મેકપ ધોઈ રહી છે. હવે તમે જુઓ, છોકરીઓ ‘ધોવા’ માટે શું શું વાપરે છે…

છોકરીઓ માટે…
ફ્રેસ વોશ, હેન્ડ વોશ, બોડી વોશ, શાવર વોશ, બાથ વોશ (એટલે તમને બાથ ભર્યા પછી એને બિચારીને જે ધોવું પડે એની વાત નથી !) અહીં તો શાવર વોશ જુદું હોય અને બાથ વોશ જુદું હોય) બબલ વોશ (હા ભઈ હા, એમાં પરપોટા થાય) સોફ્ટ વોશ, ડીપ ક્લીન વોશ… વગેરે વગેરે…

અને છોકરાઓ માટે ?
સાબુ !

***

અચ્છા, તમે જોજો આગળ જતાં રૂપિયા કમાશે છોકરો, ઘરે પગાર લાવશે છોકરો, સૌનાં રિ-ચાર્જ કરી આપશે છોકરો, ઘરનાં બિલો ભરશે છોકરો, છોકરીનાં શોપિંગના બિલો પણ ભરશે છોકરો ! છતાં…

છોકરીઓ માટે…
નાનું પર્સ, મોટું પર્સ, મેચિંગ પર્સ (સંખ્યા મિનિમમ એક ડઝન), ટ્રેડિશનલ પર્સ (નવરાત્રિ વખતે), શોલ્ડર પર્સ (બહારગામ જવા માટે), ચળકતું મોટું પર્સ (લગ્ન વખતે), કપડાંનું પર્સ (ખભે લટકાવવા માટે), ચાલુ પર્સ (શાકભાજી લાવવા માટે), પર્સમા મુકેલું પર્સ, એમાંય અંદર મુકેલું નાનું પર્સ વગેરે વગરે…

અને છોકરાઓ માટે ?
ખિસ્સુ ! (પુરતું છે, બકા.)

***

ચાલો, આગળ જતાં છોકરીઓ જાતજાતનું ખાવાનું રાંધતાં શીખી જશે. ભલે હમણાં ફક્ત મેગી જ બનાવતાં આવડે છે. પણ જરા લિસ્ટ જુઓ, છોકરીઓને ખાવા માટે શું શું છે ?

છોકરીઓ માટે…
લો-કેલેરી ડાયટ, બેલેન્સ્ડ ડાયેટ, વેઇટ લોસ ડાયેટ, પ્રોટિન ગ્રેઇન ડાયટ, સલાડ ડાયટ, વેજ ડાયટ, વિગન ડાયટ, હાઈ-એનર્જી ડાયટ, ઉપવાસવાળું અલગ, ફરાળી અલગ, લો-શ્યુગર જુદું, હાઈ-કાર્બોહાઈડ્રેટ અલગ…

અને છોકરાઓ માટે ?
દાળ-ભાત-રોટલી-શાક !

***

તમે જુઓ, છોકરાઓ તો બધી વાતમાં કહેશે કે ‘યાર ચાલશે…’ પણ જ્યાં ચાલવાની વાત આવે છે ત્યાં છોકરીઓનાં નખરાં કેટલાં છે ?

છોકરીઓ માટે…
હાઈ હીલ સેન્ડલ્સ, મિડિયમ હીલ સેન્ડલ્સ, મેચિંગ કલર સેન્ડલ્સ (મિનિમમ-12), લેધર ચપ્પલ્સ, ચામડાની મોજડી, એમ્બ્રોયડરીવાળી મોજડી, સોફ્ટ લેધર ફૂટવેર, બ્રાઈટ કલર પિકનિક ફૂટવેર, ફોર્મલ ફૂટવેર (સૂટ સાથે મેચ કરવા), ઇન ફોર્મલ ફૂટવેર (જીન્સ જોડે મેચ કરવા) સ્લીપર્સ.. (પાયજામા જોડે મેચ કરવા), ફ્લોટર્સ (શોર્ટ્સ સામે મેચ કરવા) વગેરે…

અને છોકરાઓ માટે ?
સ્લીપર, ચંપલ અને બૂટ !

(જુઓ, પેલા છોકરાએ મને છુટ્ટું માર્યું !)

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment