તમે સાંભળ્યું કે નહીં ? બે મહિના પહેલાં પેલા બંગાળમાં ખારીશીંગ વેચતા ફેરિયા ભુબન બદ્યાકરનું ગીત, જેને 80-90 મિલિયન વ્યુઝ મળેલા, (કાચા બાદામ… કાચા બાદામ…) એને જરીક કાર એક્સિડેન્ટ થયો એમાં તો સોશિયલ મિડીયામાં સહાનુભૂતિનું પુર ઉમટ્યું !
આના ઉપરથી અમને જબરદસ્ત પ્રેરણા થઈ ! (અલ્યા ભૈ, એક્સિડેન્ટ કરાવવાની નહીં, ગાયન બનાવવાની !) અમને થયું, યાર, બે બદામ જેવું કોઈ ફેરિયાનું ગાયન અચાનક આટલું વાયરલ થઈ જાય તો આપણે શું કામ બેસી રહીએ ?
એટલે અમે બાળપણના ફ્લેશ-બેકમાં જઈને એક ગાયન શોધી કાઢ્યું : ‘લીલી વરિયાળી આઈ, લીલી વરિયાળી આઈ, લીલી વરિયા…આ…આ…ળી !’
બસ, પછી તો શું ! લીલી વરિયાળીની પુરી બે ડઝન ઝુડી ખરીદી લીધી અને અમારા ખરબચડા ગાલે, કરચલીવાળા કપાલે અને ચશ્માવાળી આંખે એ ઝુડીઓ ટકરાવીને ગાતાં ગાતાં વિડીયો બનાવી નાંખ્યો ! એમાંય વળી ‘લીલીલીલી આઈઆઈ… આઈલીલી-આઈલીલી… વરિ-વરિ… યાળીઈ… યાળીઈ… વરિયાળીઈઈઈ…’ એવાં અટપટાં વેરિએશનો પણ ભભરાવ્યાં !
એ વિડીયો અમે હરખભેર પેલા રેપ-સિંગર બાદશાહને મોકલ્યો, હિમેશ રેશમિયાને મોકલ્યો, અરે પેલી ભિખારણમાંથી ફેમસ ગાયિકા બનેલી રાનુ મંડલને પણ મોકલ્યો ! એમના તરફથી તો કોઈ રિસ્પોન્સ ના આવ્યો પણ મિત્રોમાંથી કોમેન્ટો આવવા માંડી ‘કેમ ભઈ, લખવાનું છોડીને આ નવો ધંધો શરૂ કર્યો છે ?’
કોઈકે લખ્યું ‘આ વરિયાળી ખાવાથી ગળું આટલું બધું ખરાબ થઈ જાય છે ?’ એક જણાએ પૂછાવ્યું ‘ચાખવા માટે ફ્રી સેમ્પલની હોમ ડિલીવરી કરો છો ?’ બીજાએ એની ઉપર જ કોમેન્ટ કરી ‘આ કાકા પોતે જ ફ્રી સેમ્પલ જેવા નથી લાગતા ?’
અમે હતાશ થઈ ગયા. લીલી વરિયાળીની કોઈ વેલ્યુ જ નહીં ? (અમારા ગાયન કૌશલ્ય ઉપર તો અમને શંકા સુધ્ધાં નથી.) જોકે અમે હિંમત હાર્યા નહીં. હિંમત ટકાવી રાખવા માટે 200 જેટલા મોટિવેશનલ વિડીયો પણ જોઈ નાંખ્યા.
એક ક્ષણે તો થયું કે મોટિવેશનલ સેમિનારો એટેન્ડ કરવા માટેની પ્રેરણા આપતું એકાદ ફેરિયા ગીત બનાવીએ : ‘એ… લઈ લો બેએએન… સફ્ફળતાની ફોર્મ્યુલા લઈ લોઓઓ!’
પછી થયું, જતે દહાડે આપણી ગલીઓમાં લારી લઈને ડોક્ટરો નીકળવાના જ છે ને ! ‘એ દવ્વા કર્રાઈ લો… દવ્વ્વાઆઆ!’ સાલું, દસ લાખ રૂપિયા ભણવામાં ખર્ચ્યા પછી દસ હજારની યે નોકરી નહીં મળે ત્યારે આવા જ ફેરિયાઓ ફરતા હશે ને ?
એ બિચારાઓના પેટ ઉપર ક્યાં લાત મારવી ? એના કરતાં જે બિચારાઓના પેટ ઉપર લાત પડી ચૂકી છે એનો જ ઉપયોગ કરો ને ? (ભૂબન બદ્યાકરનો કર્યો એ જ રીતે !)
એટલે અમે નવું શરૂ કર્યું ‘લીલાંઆંઆં… નાળિયેરાયાં ભૈઈઈઈ…’ આના વિડીયો તો અમે છેક કેરળના કોમ્યુનિસ્ટો સુધી મોકલી જોયા ! પણ બોસ, કોઈને સડક ઉપર રઝળતી ટેલેન્ટનો ઉધ્ધાર કરવાની કદર જ ક્યાં છે ?
એક કોમ્યુનિસ્ટે અમને સજેશન આપ્યું કે ‘તમે પકોડા તળવાનું ગાયન બનાવો તો અમે એને મોદી વિરુદ્ધ પ્રચાર કરવા માટે વાયરલ કરી નાંખીશું’ ઓફર તો લોભામણી હતી, મતલબ કે ટિપિકલ બુધ્ધિજીવી સામ્યવાદી સ્ટાઈલની હતી, કે તમે મજુરી કરો, તો અમે તમારા નેતા બનીએ ! પછી થયું, બોસ, આમાં તો ‘ઓરીજીનલ’ ટેલેન્ટની જરૂર પડે ! (પેલા ભૂબન શીંગવાળાનો ઉપયોગ કરનારાઓની ટેલેન્ટની અહીં વાત જ નથી.)
એટલે અમે એક ઓરીજીનલ ફેરિયા-સોંગ શોધી કાઢ્યું ‘આલુ લે… લો ! કાંદા લે… લો !’ (યસ, નાના પાટેકરવાળું !) ભાડૂતી લારીમાં ભાડુતી કાંદા-બટાટા ગોઠવીને વિડીયો પણ બનાવી નાંખ્યો ! પણ કમનસીબી જુઓ, નાના પાટેકરે કોપીરાઇટ ભંગની નોટિસ પણ ના મોકલી ! અમને તો હતું કે જે રીતે પેલો ભૂબન કોપીરાઇટની લડાઈ લડવાને બદલે વિડીયો સોંગમાં નાચવા પહોંચી ગયો એ રીતે નાના પાટેકર પણ અમારી સાથે નાચવા માટે જોડાઈ જશે.
ખેર, છેવટે અમે એક સોંગ બનાવી જ કાઢ્યું ‘એ… વાળુ આલજો બા ! વધ્યું ઘટ્યું કંઈ આલજોઓઓ બા !’ પરિણામ એ આવ્યું છે કે લોકો છેક કેનેડા અને અમેરિકાથી એંઠવાડ ભરેલી ડીશોના ફોટા મોકલી આપે છે !
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment