‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નામની ફિલ્મે આવતાંની સાથે જ આખા દેશમાં હલચલ મચાવી દીધી છે. જોવાની વાત એ છે કે આ ફિલ્મ વડે લોકોમાં અમુક ‘રમૂજી ભાગલા’ પડી ગયા છે ! જુઓ…
***
એક બાજુ એવા લોકો છે જે ફિલ્મ જોયા વિના જ કહી રહ્યા છે કે આ તો સાવ બોગસ અને બકવાસ ફિલ્મ છે…
તો બીજી તરફ એવા લોકો છે જે પણ ફિલ્મ જોયા વિના જ કહી રહ્યા છે કે આ તો બહુ જોરદાર ફિલ્મ છે !
***
અમુક લોકો એવા છે કે જેમણે ઓનલાઇન લીક થયેલી આ ફિલ્મ જોઈ નાંખી છે છતાં સોશિયલ મિડીયામાં કહી રહ્યા છે કે થિયેટરમાં જઈને જ જોવી જોઈએ…
તો બીજી બાજુ અમુક લોકો એવા છે જેને ઓનલાઇન જોવા મળી જ નથી ! અને થિયેટરમાં પણ હજી ટિકીટો નથી મળતી ! બોલો.
***
અમુક લોકો એવા છે જે બધાને પૂછ્યા કરે છે ‘તમે જોઈ ?’ ‘તમે જોઈ ?’
અને અમુક લોકો એવા છે જે બધાને પૂછ્યા કરે છે ‘લો, તમે નથી જોઈ ?’ ‘લો, હજી નથી જોઈ ?’
***
અમુક લોકો કહે છે કે ફિલ્મને રિલીઝ થતી અટકાવવાનું આખું ષડયંત્ર હતું !
તો અમુક લોકો કહે છે કે ફિલ્મના શો વધારી દેવા પાછળ પણ આખું ‘કાવતરું’ છે ! બોલો.
***
અમુક લોકો કહે છે કે અમુક ખતરનાક તત્વોને ખુદ સરકાર મદદ કરી રહી છે.
તો અમુક લોકો કહે છે કે અમુક ખતરનાક તત્વોને ખુદ સરકાર મદદ ‘કરતી હતી !’
- બોલો, બહુ કન્ફ્યુઝિંગ છે ને ?
***
જોકે એક મામલો ખરેખર અઘરો છે…
અમુક લોકો કહે છે કે અમે આ બધું ‘નજરે જોયું છે’ અને વરસો સુધી મિડીયાએ સત્યને છૂપાવી રાખ્યું છે.
પણ અમુક લોકો કહે છે કે અમે તો આ બધું ‘મિડીયામાં નજરે જોયું છે !’ અને જેણે ‘માત્ર નજરે’ જોયું છે એ તો ‘આંશિક સત્ય’ હોઈ શકે છે ! કંઈ સમજ પડી ?
- એના કરતાં ‘ઝુંડ’ જુઓ ઝુંડ ! આજકાલ એ બધે જ ફેલાયેલાં છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment