‘ગરીબોં કી સુનો, વો તુમ્હારી સુનેગા, તુમ એક પૈસા દોગે, વો દસ લાખ દેગા…’ સાલું, 40-45 વરસ પહેલાં દેશનો એકેય ભિખારી એવો નહીં હોય જેણે ભીખ માગવા માટે આ ગાયન ના ગાયું હોય !
જોવાની વાત એ પણ હતી કે ફક્ત એક પૈસો આપીને દસ લાખ રૂપિયા લેવાની આ સ્કીમમાં લોકો મુરખા બનીને 10 પૈસાથી લઈને 25 પૈસા સુધીનું ‘ઇન્વેસ્ટમેન્ટ’ કરી નાંખતા હતા ! કસમ સે, એમાંથી કોઈને ય દસ લાખ મળ્યા હોયતો કહેજો ! (અલ્યા, એ 15 લાખવાળુ કોણ બોલ્યું ? ભૈ શાંતિ રાખો ને ?)
આજે વાત એવાં ફિલ્મી ગાયનોની કરવાની છે જેમાં ગીતકારોએ ભિખારીઓ અને વિવિધ ફેરિયાઓ માટે દિલથી ગાયનો લખી આપ્યાં ! એમાંય, આ ભિખારી સોંગનાં વિધ-વિધ સ્વરૂપો જોવા-સાંભળવાની મજા જ કંઈ ઔર હતી.
આંધળા હોવાની એક્ટિંગ કરતા, લંગડી ચાલે ચાલતા અને હમણાં જ લકવાની પથારીમાંથી બેઠા થયા હોય એવાં ડાચાંઓમાં માઇકનાં ભૂંગળાં ફીટ કર્યા હોય એવા અવાજો નીકળતા ! અને ઉચ્ચારોની તો પથારી ફરી જતી : ‘ગર્રીબોં કી સુન્નોઉં ! વો તુમાર્રી સુનૈંગાંઆ, તુમુ એકી પઇસા દોંગે, વો દસ્સુ લાખ દૈંગાઆઆ…’
જરા વિચારો, ગીતકાર પ્રેમ ધવન જો એક વાર ગાવા દીઠ એક પૈસાની પણ રોયલ્ટી ભિખારીઓ પાસે વસૂલી હોત તો એ પોતે કરોડપતિ બની ગયા હોત ને ? (એ હિસાબે પ્રેમ ધવને ભિખારીઓને કરોડનું દાન કર્યું કહેવાય કે નહીં ?)
એમ જોવા જાવ તો ‘ચના જોર ગરમ બાબુ, મૈં લાયા મજેદાર..’વાળું ગાયન હકીકતમાં તો છેક અઢારમી સદીમાં દિલ્હીના કોઈ સૂફી શાયરે એના પ્રિય ફેરિયા માટે લખી આપેલું ! જેને ફેરિયાઓ સદીઓથી ગાતા હતા, તેને સંતોષ આનંદે ‘ક્રાંતિ’ ફિલ્મમાં એક નવા પૈસાની રોયલ્ટી ચૂકવ્યા વિના ઉઠાવી લીધું અને એમાં પોતાના નવા મસાલા ભભરાવી દીધા હતા ! પછી બાકી હતું તે મનોજકુમારે ‘ચના’નું ઉલ્ટું કરીને હેમા માલિની પાસે ‘નાચ’ કરાવી લીધો ! બોલો.
બાકી નાચ તો મુમતાઝનો જોવા જેવો હતો, પેલા ‘દેખો દેખો દેખો, બાઈસ્કોપ દેખો’ વાળા ગાયનમાં ! ફિલ્મના પરદે એમાં ઓડિયન્સના સ્પષ્ટ ભાગલા પડેલા બતાડ્યા છે. પેલા ભંગાર કબાડીમાંથી લાવેલા બાઇસ્કોપનાં બાકોરાંમાંથી જે જુએ તે ‘બાળકો’… અને ‘બાઈસ્કોપવાળી’ને જે જોતા હતા તે બધાં ‘એડલ્ટ’ ! એમાં આનંદ બક્ષીએ ચોખ્ખું જ લખ્યું છે ‘ઘર બૈઠે સારા સંસાર દેખો !’
એવું જ બબિતાની ચાયનું થયું ! (આ ‘ઉલ્ટા ચશ્મા’વાળી બબિતાની વાત નથી ભૈશાબ, અમથા અમથા ‘જેઠાલાલ’ ના બની જાવ, શાંતિ રાખો.) ‘બનફૂલ’ નામની ફિલ્મમાં બબિતા પોતે એટલા બધા ચેનચાળા કરતી ઉછળે છે કે હાથમાં કપ રકાબી હોય તો મિસાઇલની માફક જઈને પાકિસ્તાનમાં પડે ! એને ઉછળતી જોઈને ચાના ઘરાકોના જે હાવભાવ થાય તે જોતાં, વળી પાછી બબિતા ગાઈ સંભળાવે છે : ‘આહેં ના ભર ઠંડી ઠંડી, ગરમ ગરમ ચાય પી લે !’
બાકી, સૌથી હિટ કોઈ ‘ફેરિયા-ગીત’ રહ્યું હોય તો પેલું જ્હોની વોકરવાળું… ‘તેલ માલીશ… ચંપીઈઈ...’ એમાંય હમણાં જે ચૂંટણીના રિઝલ્ટો આવ્યાં ત્યારે તો એના શબ્દો ખાસ કરીને મોદી વિરોધીઓ માટે બિલકુલ ફીટ બેસતા હતા ! ‘સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે, આ જા પ્યારે પાસ હમારે, કાહે ગભરાય ?’ (આમાં કોંગ્રેસીઓએ શું સમજવાનું ? પ્રિયંકાજીની પાસે જવાનું ? અને મોદીથી ગભરાવાનું ? ઇન્ટરપ્રિટેશન અઘરું છે !)
એમ તો પેલું ‘દો કલિયાં’માં શારદાના અવાજમાં તનુજા જે રીતે નાકમાંથી ‘બેર લ્યો.. બેર લ્યો…’ કહીને બોર વેચતી હતી એમાં બોર વેચવા કરતાં ‘બોર’ થવાના વધારે ચાન્સ હતા. એટલે જ બોર વેચનારી બહેનોમાં આ ગાયન પોપ્યુલર ના થયું. એ જ રીતે સંજીવકુમારે ‘આયા રે ખિલૌનેવાલા, ખેલ ખિલૌને લેકર આયા રે…’ ગાયું પણ શું થાય ? સમય જતાં બાળકો મોબાઈલના જ રવાડે ચઢી ગયા.
નવા ગાયનોમાં બે ‘નોન-વેજ’ ગાયનો છે. ( સજ્જનો, નોન-વેજ એટલે અભદ્ર નહીં, ખરેખર નોન-વેજ! ) જેમાં એક છે ‘આઓ સિખા દૂ તુમ્હેં અંડે કા ફન્ડા’ જે કોઈ ઇંડાની લારીવાળો નથી ગાતો. અને બીજું છે ‘ચિકન કુકડુ-કુ…’ આ ગાયન પણ ચિકનની દુકાનોવાળા નથી વગાડતા કેમકે સલમાન રોયલ્ટી બહુ માગે છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment