'ગ્રુપ શાંતિ'ની ગાઈડ લાઈન !

ચૂંટણીનાં પરિણામોને કારણે અમુક વોટ્સએપ ગ્રુપોમાં તનાવનો માહૌલ ઊભો થઈ ગયો છે !

ભાજપ-તરફીઓ વધારે પડતા ગેલમાં આવી ગયા હોવાથી ભાજપ-વિરોધીઓ ચીડાઈ ગયા છે, રીસાઈ ગયા છે, ધૂંધવાઈ રહ્યા છે અને અમુક તો ગ્રુપ છોડીને જતા રહ્યા છે !

આમાં સૌને શાંત રહેવા માટે અમે આજે ‘ગ્રુપ શાંતિ ગાઇડલાઇન’ બહાર પાડી રહ્યા છીએ ! વાંચો…

***

(1) દુનિયામાં તમે શું લઈને આવ્યા હતા ? અને શું લઈને જવાના છો ? કોઈ કોમેન્ટ સાથે નહીં આવે, કોઈ લાઈક પણ સાથે નહીં આવે.

***

(2) જેણે મોકલ્યું છે તેને કોઈ બીજાએ મોકલ્યું છે. બીજાને વળી કોઈ ત્રીજાએ ફોરવર્ડ કર્યું છે. તું પણ ફોરવર્ડ કરીને પાપમાંથી મુક્ત થા. અથવા ડિલીટ કરીને પાપને મુક્ત કરી દે.

***

(3) એક વાત સમજી લે. રાજકારણ એ ચતૂર લોકોનો ખેલ છે જેની ચર્ચાઓ મુરખાઓ કરે છે અને પોતાના દોસ્તો સાથે સંબંધ બગાડે છે. (આ પણ ફોરવર્ડ કરેલું જ મળ્યું છે.)

***

(4) જે રીતે મોદીનાં વખાણ કરવાથી તારા ખાતામાં 15 લાખ જમા નથી થવાના, એ જ રીતે મોદીનો વિરોધ કરવાથી તારા ખાતામાં કોઈ 15 પૈસા પણ જમા કરવાનું નથી. માટે શાંતિ રાખ.

***

(5) કોઈપણ પોસ્ટ વાંચીને જો તારું બીપી વધી જતું હોય તો એમાં છેવટે તો ડોક્ટરોને જ ફાયદો છે. તને કશું ફાયદો નથી.

***

(6) એ જ રીતે કોઈ પોસ્ટ વાંચીને તું બે રોટલી વધારે ખાઈ નાંખીશ તોય પેટ તારું જ બગડવાનું છે. ડોક્ટરોનું નહીં.

***

(7) જો વિશ્વયુધ્ધ થવાનું હશે તોય તને પૂછીને નહીં થાય. તો પછી શા માટે મિત્રોમાં વિશ્ર્વયુદ્ધની શરૂઆત કરે છે ? ઘેરે બેસી રહે, અને વિશ્વશાંતિ સ્થાપવામાં મદદ કર… ઓમ શાંતિ !

***

- મન્નુ શેખચલ્લી

Comments