પાંચ રાજ્યોની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. તે જોતાં લાગે છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસના ‘બેસણાનો’ કાગળ ફરતો થઈ જશે…! વાંચો એક કલ્પના…
***
સ્નેહીશ્રી કોંગ્રેસના કાર્યકર્તા,
તારીખ 10 માર્ચ 2022ના ગુરુવારે આપણી વ્હાલી કોંગ્રેસ પાર્ટીનું પાંચ રાજ્યોમાં દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું 10 જનપથની બહાર આવેલી ફૂટપાથ ઉપર રાખવામાં આવ્યુ છે.
બેસણામાં અમુક સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે…
- સદ્ગતના ફોટા ઉપર ચડાવવા માટે ગુલાબની પાંખડીઓ ભાજપ કાર્યાલયની આસપાસથી જાતે વીણીને લાવવી.
- બેસણા માટે ફૂટપાથ ઉપર કોઈ પંડાલ હશે નહીં. તેથી સૌએ પોતપોતાનો પાર્ટી ખેસ માથે ઓઢીને બેસવું.
- બેસણા દરમ્યાન સંપૂર્ણ મૌન રાખવું.
કોંગ્રેસ શી રીતે પતી ગઈ ?
કોંગ્રેસને કોણે કોણે પતાવી ?
કેટલા ઉમેદવારોની ડિપોઝિટ ગઈ ?
રાહુલબાબા અને પ્રિયંકાજીએ શું ઉકાળ્યું ?...
આવા અઘરા સવાલો બાબતે પણ મૌન રાખવું.
- બેસણા દરમ્યાન સાઈડમાં રાખેલા મંચ ઉપરથી મનમોહનજી મનમાં ભજનો ગાશે. તેમનો સાથ આપવા દિગ્વીજયજી તંબૂરો વગાડશે, અને જી-૨૩ના નેતાઓ ધીમે ધીમે મંજીરા વગાડશે. (છેલ્લા બે વરસથી વગાડે છે એમ જ.)
- કોઈએ ‘રામધૂન’ ગાવાની નથી કેમકે એમાં હિન્દુવાદી ગણાઈ જવાનું જોખમ છે.
- કોંગ્રેસમાંથી હવે બારમાના, કે બીજા કોઈ પ્રકારના લાડવા મળવાના નથી. થોડાઘણા જે લાડવા હતા તે કેપ્ટન અમરિંદર ખાઈ ગયા છે. શરદ પવાર પાસે છે, પણ આપતા નથી.
- દેશના બુદ્ધિજીવીઓ, સેક્યુલરો, કોમ્યુનિસ્ટો તથા અમુક પત્રકારો કોંગ્રેસના આ સુષુપ્ત થઈ રહેલા આત્માને ઢંઢોળવાની કોશિશો કરતા હોય તો ભલે કરે…
- રાહુલજી પોતાનું કામ પુરું કરીને જ રહેશે.
- સમય આવ્યે કોંગ્રેસનાં અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ ઇટાલીમાં રાખવામાં આવશે. જેને આવવું હોય તેણે પોતાના ખર્ચે આવવાનું રહેશે.(ઓમ શાંતિ શાંતિ શાંતિ રાખો… ચૂં કે ચાં કરવાની મનાઈ છે !)
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment