... આ તમને કોઈ નહીં કહે !

ચૂંટણીના પરિણામો આવી ગયા પછી તો બધા કહેશે કે જે જીત્યા તે કેમ જીત્યા અને હાર્યા તો કેમ હાર્યા…
- પણ અમુક વાતો એવી છે જે તમને કોઈ નહીં કહે ! દાખલા તરીકે…

***

ચૂંટણીમાં ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા કેટલા નેતા જીત્યા એ તો બધા કહેશે…
- પણ જીત્યા પછી હવે એ લોકો કેટલા નફ્ફટ અને બિન્દાસ બની જશે એ કોઈ નહીં કહે !

***

છેલ્લાં પંદર દિવસમાં યુક્રેનનું લશ્કર ક્યાં લડતું હતું અને રશિયાનું ક્યાં લડતું હતું એ તો બધાએ કીધું…
- પણ છેલ્લા ત્રણ મહિનામાં કોંગ્રેસનું લશ્કર ક્યાં લડતું હતું ? અને શું કરતું હતું ? એ તો કોંગ્રેસીઓ પણ નહીં કહે !

***

આજકાલ ઝેલેન્સ્કી ક્યાં સંતાયા છે એ તમને ન્યુઝ ચેનલવાળા જરૂર કહેશે…
- પણ આવનારા દિવસોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યાં છૂપાઈને બેસી જશે એ તમને કોઈ નહીં કહે !

***

ચૂંટણી પતી ગયા પછી દેશમાં પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવ કેટલા વધવાના છે એ તો બધા કહેશે…

- પણ પંજાબમાં AAPની સરકાર મહિલાઓને જે દર મહિને 3000 રૂપિયા આપશે ને...

એના કારણે ત્યાં બ્યુટિ પાર્લરો, પંજાબી ડ્રેસો, સેન્ડલો, સાડીઓ અને મોબાઇલના ભાવમાં કેવો ઉછાળો આવશે એ કોઈ નહીં કહે !

***

યુપી અને પંજાબના પરિણામોની તો હજી ખૂબ ડિટેલમાં ચર્ચાઓ થશે…
- પણ ગોવા અને ઉત્તરાંચલનાં પરિણામોની આગાહી જે સેફોલોજીસ્ટોએ કરી હતી એ બધા તો યુક્રેનમાં ભણેલા છે ! એવું કોઈ નહીં કહે !

***

અને યુક્રેનના પ્રેસિડેન્ટ એક જમાનામાં સ્ટેન્ડ-અપ કોમેડિયન હતા એ બધા કહેશે…
- પણ પંજાબના CM બનનારા ભગવંત માન પણ સ્ટેન્ડ-અપ કોમેડિયન હતા એ કોઈ યાદ નહીં કરાવે !

(પંજાબના ભવિષ્યનો સવાલ છે, ભાઈ !)

***

- મન્નુ શેખચલ્લી

Comments