પરિણામ સિવાયનાં પરિણામો !

આજે સવારથી જ વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ટીવીમાં આવવા માંડશે…
પરંતુ એ પરિણામોની સાથે સાથે બીજાં પણ કેટલાંક પરિણામો આવવાનાં છે ! જુઓ…

***

આજે યુક્રેનમાં એકાદ ન્યુક્લિયર બોમ્બ પણ ફૂટી જાય તો ન્યુઝ ચેનલોમાં એની નોંધ નહીં લેવાય !

***

અરે, ‘પુતિનને છેલ્લા બે વરસથી કેન્સર છે !’ એવી અફવાને પણ સોશિયલ મિડીયામાં કોઈ ભાવ નહીં મળે !

***

સટ્ટાબજારમાં કલાકે કલાકે નવા ભાવો બહાર પડતા રહેશે !

***

એ જ રીતે કલાકે કલાકે પંજાબ અને ગોવાના ધારાસભ્યોના ભાવ પણ ઉંચકાતા રહેશે !

***

પંજાબ અને ગોવાની આસપાસનાં જે રિસોર્ટ છે એ પણ બપોર સુધીમાં બુક થઈ જવાનાં છે ! ધારાસભ્યોને સંતાડવા માટે !

***

ફટાકડા, ફૂલહાર, ઢોલ, ગુલાલ વગેરેનું વેચાણ માત્ર અને માત્ર રોકડેથી કરવામાં આવશે ! સાંજ પડ્યે પરિણામ બદલાઈ ગયું તો ?

***

‘EVMમાં ગડબડો થઈ છે…’ ‘ચૂંટણીપંચ કઠપૂતળી છે..’ ‘અમુક બુથ ઉપર ફેરમતદાન કરાવવામાં આવે…’ આ ટાઇપના નિવેદનોની પ્રેસ-નોટ પણ સવારથી જ રેડી કરીને રાખેલી હશે !

***

ભાજપ કેમ્પમાં સવાર સવારથી જ ‘અમે આવવાના છીએ’ એવાં ઢોલ-નગારાં જોરભેર વાગતાં થઈ જશે પણ રાત પડતાં પડતાં અડધું જોશ ઉતરી જશે !

***

અને કોંગ્રેસમાં સાંજ પડ્યે ફોન આવવાના શરૂ થશ કે ‘હવે બેસણું ક્યારે રાખવાનું છે ?’

***

બાકી, એક પરિણામની તો સૌને ખબર છે : પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવમાં ધરખમ વધારો થવાનો છે…

- જય લોકશાહી !

***

- મન્નુ શેખચલ્લી

Comments