આઇપીએલમાં ચિયર ગર્લ્સ પાછી લાવો !

લો, IPLની નવી સિઝન તો શરૂ થઈ ગઈ ! આ વખતે નવી બે ટીમો ઉમેરાઈ છે પણ યાર, જે એક ચીજ મિસ થાય છે એ પેલી ચિયર ગર્લ્સ !

ચોગ્ગો-છગ્ગો વાગે અથવા વિકેટ પડે કે તરત જ પેલી કન્યાઓ ધૂમધડાકા સાથે નાચવા લાગતી હતી તેના બદલે હવે સ્ટેડિયમમાં આવેલા અંકલો અને આન્ટીઓને નાચતાં જોઈને જ સંતોષ માણવો પડે છે !

પેલી ચિયર ગર્લ્સને એમ કહીને બંધ કરવામાં આવી હતી કે ભૈશાબ, આ બધું ‘ભારતીય સંસ્કૃતિ’ને અનુરૂપ નથી. તો જુઓ, અમારી પાસે બિલકુલ ભારતીય સંસ્કૃતિને માફક આવે એવા આઇડિયાઝ છે !

દાખલા તરીકે ગુજરાત અને લખનૌ વચ્ચે મેચ ચાલતી હોય તો એક બાજુના સ્ટેજ ઉપરથી કન્યાઓ ગરબાની રમઝટ બોલાવતી હોય ! અને બીજી બાજુ સામેથી કવ્વાલીઓની તડાફડી જામી હોય !

- બોલો મઝા પડે કે નહીં ?

અરે, પંજાબ અને ચેન્નઈની ટીમો સામસામે ટકરાય ત્યારે પંજાબ તરફથી ભાંગડા નાચ શરૂ થઈ જાય… બલ્લે બલ્લે !

અને સામે ચેન્નાઈની નૃત્યમંડળી, પેલું શું કહેવાય, લુંગી ડાન્સની રમરમાટી બોલાવતી હોય !

- બોલો, ભારતીય સંસ્કૃતિ લાગે નહીં ?

કોલકતાની ટીમ માટે બંગાળી બીહુ ડાન્સ લઈ આવો, છાઉ નૃત્ય કરાવો… અથવા મમતા બેનરજી કહે એવા ડાન્સ કરાવો ! મોદી સાહેબ પણ વાંધો નહીં લે !

શું કહો છો ?

એ જ રીતે જ્યાં મુંબઈની ટીમ રણે ચડી હોય ત્યાં મેદાનની સાઈડમાં લાવણીની જમાવટ કરો ! અરે માત્ર મહિલાઓ જ શા માટે ? ભાઈઓ પણ ઉતરશે લેઝિમ લઈને !

- હવે બોલો, જામ્યું ને ?

હૈદરાબાદ અને બેંગલોરની ટીમો પણ એમના રાજ્યોનાં લોકનૃત્યો લઈને આવે તો પછી સોને પે સુહાગા જ થાય ને !
એ બહાને ભારતની યુવા પેઢીને દેશની સાંસ્કૃતિક ઝલક પણ જોવા મળશે. 

હા, દિલ્હીવાળાઓ બસ, નેતાઓને નાચતા ના કરી દે ત્યાં સુધી કોઈ વાંધો નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments