ચુંટણીની એક બોધકથા !

એક જંગલમાં એક હાથી પોતાની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હતો.

એવામાં એક ઉંદરડું એના પગ નીચે દબાઈને કચડાઈ મર્યું.

થોડા સમય પછી ધીમે ધીમે ઉંદરોમાં આક્રોશ ફેલાવા લાગ્યો. હાથી એના મનમાં સમજે છે શું ? આ રીતે ઉંદરો કચડાતા રહેશે તો ઉંદરોને એમનો હક્ક ક્યારે મળશે ?

ધીમે ધીમે આંદોલન ઉગ્ર બન્યું. છેવટે જંગલમાં એક ઠેકાણે ઉંદરોની સભા ભરાઈ !

આ વાતની મિડીયાને ખબર પડી ! એટલે સૌ મિડીયાવાળા ત્યાં પહોંચી ગયા. જઈને જુએ છે તો જંગલમાં હજારો ઉંદરડા ભેગા થયાં છે !

વારાફરતી ભાષણબાજી ચાલી રહી છે. કોઈ કહે છે કે હવે હાથીઓની આ મનમાની ચલાવી લેવામાં આવશે નહીં. કોઈ બોલ્યું કે હવે ઉંદરો એક થઈ ગયા છે. હાથીએ હવે ઝૂકવું જ પડશે. કોઈએ પડકારો કર્યો કે જો ઉંદરો ધારે તો હાથીને પણ કચડી શકે છે !

મિડીયાવાળા આ બધું બહુ ઉત્સાહથી પોતાના કવરેજમાં ઉતારી રહ્યા હતા. એવામાં પેલો હાથી ફરતો ફરતો ત્યાં જઈ પહોંચ્યો !

હાથીને આવતો જોતાં જ ઉંદરોમાં નાસભાગ મચી ગઈ ! કોઈ આમ ભાગ્યું તો કોઈ તેમ ભાગ્યું ! અમુક ઉંદરો બચવા માટે ઝાડ ઉપર ચડી ગયા ! હાથીએ આ જોયું અને તેણે મસ્તીમાં આવીને પોતાની સૂંઢ વડે ઝાડની ડાળીઓ હચમચાવવા માંડી.

આમાં ને આમાં થોડા ઉંદરો ઉછળીને હાથીની પીઠ ઉપર જઈને પડ્યા !

આ જોતાં જ સૌ સ્તબ્ધ બની ગયા !

મિડીયાવાળા બૂમો પાડવા લાગ્યા : ‘ઉંદરો ! ઉંદરો ! આ જ તક છે ! હાથી તમારા પગ નીચે આવી ગયો છે ! એને દબાવી દો !!’

પણ એમ કંઈ ઉંદરોથી હાથી દબાય ખરો ?

***

બોધ : આખી વારતાનો બોધ એટલો જ કે ચૂંટણી આવે ત્યારે બિચારી જનતા એક ભૂરું બટન દબાવીને કંઈ હાથીઓને કચડી શકતી નથી. ભલે ટીવીના બુદ્ધિજીવીઓ એવું માનતા હોય !

***

- મન્નુ શેખચલ્લી

Comments