આજકાલનાં લગ્નોમાં માર્ક કરજો...

માંડ માંડ ઓમિક્રોનના પંજામાંથી છૂટ્યા પછી હવે ધીમે ધીમે લગ્નોની સિઝન તો જામી રહી છે… પણ તમે અમુક ચીજો ખાસ માર્ક કરજો…

***

તમે માર્ક કરજો કે લગ્નમાં બિચારો વરરાજા માસ્ક પહેરીને આવશે પણ કન્યાએ તો માસ્ક નહીં જ પહેર્યું હોય !

***

તમે એ પણ માર્ક કરજો કે તમામ લેડિઝ લોકોનાં માસ્ક મેચિંગમાં હશે પણ જેન્ટ્સ લોકોનાં મેચિંગનાં કોઈ ઠેકાણાં નહીં હોય !

(અમુકે તો પેલાં 10 રૂપિયાવાળાં ‘થ્રો-અવે’ આસમાની માસ્ક પોતાના કોટના ઉપરના ખિસ્સામાં ‘શો’ના રૂમાલની જેમ ખોસીને રાખ્યાં હશે !)

***

તમે માર્ક કરજો કે બુફે ડિનર જમતી વખતે અમુક નમુનાઓએ માસ્ક ગળામાં જ લટકાવી રાખ્યાં હશે ! એટલું જ નહીં, જમ્યા પછી મોં ધોતી વખતે એ માસ્ક પલળી જાય ત્યારે જ એમને ભાન થતું હશે !

***

તમે માર્ક કરજો કે તમે મંડપમાં દાખલ થાવ ત્યારે યજમાન તમારું સ્વાગત કરે એ પહેલાં પેલા વોલિન્ટિયરો તમારી પાસે હાથ ધોવડાવવા માટે સેનિટાઇઝરની બાટલીઓ લઈને સ્વાગત માટે ઉભા હોય છે !

***

તમે માર્ક કરજો કે વેલકમ ડ્રીંકના ટેબલ પાસે ભૂલકણા મહેમાનો માટે એક ‘ફ્રી માસ્ક’નું કાઉન્ટર પણ રાખવામાં આવે છે !

***

અને છેલ્લે વળિયારી, મુખવાસ વગેરેના કાઉન્ટર પાસે ચાંલ્લાની રકમ લખાવ્યા પછી ત્યાં પણ સેનિટાઇઝરની બાટલી રાખી હોય છે !

(જાવ ત્યારે ‘સ્વચ્છ અને ખાલી હાથે’ જવાનું છે !)

***

અને તમે ખાસ માર્ક કરજો કે આજકાલ નવાં પરણેલાં યુગલની સુહાગરાતો બહુ જલ્દી શરૂ થઈ જાય છે ! કેમકે 10-11 વાગે તો ‘કરફ્યુ’ પડી જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments