શેરબજારિયાઓની કસરતો !

શેરબજારમાં ક્યારેક કડાકા, તો ક્યારેક તેજીના ભડાકા થતા જ રહે છે. પરંતુ આ શેરબજારિયાઓ શિયાળાની સરસ મઝાની મોસમમાં કંઈ કસરત બસરત કરે છે કે નહીં ?

જી હા, કરે જ છે ! જુઓ…

***

આંખની કસરત

આખો દહાડો, શેર મારકેટના ભાવ બતાડ્યા કરતી ટીવી ચેનલોમાં નીચે જે ભાવની પટ્ટી સતત દોડતી રહે છે એની સાથે સાથે આંખના ડોળા ફેરવવાથી આંખોને કેટલી સારી કસરત મળે છે !

***

આંગળીઓની કસરત

મોટાભાગના ગુજરાતીઓ આંગળીઓના ટચાકા ફોડવા સિવાય ખાસ કોઈ કસરત કરતા નથી પણ શેરબજારમાં પડેલા ગુજરાતીઓ દહાડામાં દોઢસો વાર કેલક્યુલેટર ઉપર આંગળા ફેરવીને કેવી જોરદાર કસરત કરતા રહે છે !

***

શ્વાસની કસરત

પ્રાણાયામની ક્યાં માંડો છો ? જ્યારે શેરબજારમાં સામટું 800 પોઇન્ટનું ગાબડું પડે છે ત્યારે શ્વાસ કેવો અધ્ધર થઈ જાય છે ? અને જ્યારે સેન્સેક્સ ડાયરેક્ટ 600 પોઇન્ટ ચડે છે ત્યારે શ્વાસ કેવો હેઠો બેસી જાય છે ? બસ આ જ છે કસરત !

***

હાથ અને ગરદનની કસરત

ટેબલ ઉપર ચાર ફોન, ખિસ્સામાં ત્રણ મોબાઈલ અને ગરદનમાં ફસાવી રાખેલા બે ફોન ઉપર સતત છ-છ કલાક મંડ્યા રહો તો હાથ અને ગરદન તો શું ગળું પણ કેટલું કસાય છે !

***

પગની કસરત

કોણ કહે છે કે શેરબજારીયાઓ બેઠાડુ જીવન જીવે છે ? અરે ભાઈ, પગની અનેક કસરતો કરે છે એ લોકો ! જેમકે ભાવ ચડતા હોય ત્યારે પગ થનગનતા હોય છે, ભાવ તૂટી જાય ત્યારે પગ ધ્રૂજવા માંડે છે, બજાર ધીમી ચાલે ચાલતું હોય તો પગ ગાયનના તાલે ડોલે છે અને ઉઠમણું થઈ ગયા પછી બાવાજીની જેમ પલાંઠી વાળીને બેસી જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments