બોલીવૂડની ફિલ્મોમાં ડિરેક્ટરના હિસાબે આખી ફિલ્મના નિયમો ચેન્જ થઈ જાય છે ! જુઓ નમૂના…
***
કરણ જોહરની ફિલ્મોના નિયમો
(1) ફિલ્મમાં કોઈ ગરીબ રહેશે નહીં. પટાવાળો પણ અરમાનીના સૂટમાં ફરતો હશે અને ભિખારી પણ સબ્યસાચીની ‘ડિઝાઈનર ક્વીલ્ટ’ (ગોદડી) ઓઢીને ઊંઘતો હશે.
(2) સ્કુલો હોય કે કોલેજો, એમાં કદી ભણવાનું કામકાજ ચાલતું નહીં હોય ! ઉલ્ટું રોજેરોજ ફેશન શો, મ્યુઝિક ઇવેન્ટો અને સ્પોર્ટ્સ કોમ્પિટીશીન જ ચાલતી હશે.
(3) ફિલ્મમાં એકાદ પાત્ર જરૂર ‘ગે’ હશે.
(4) ઇન્ડિયાનાં પાત્રો ફોરેનમાં ગાયન ગાવાનું શરૂ કરે કે તરત ચારેબાજુથી 40-50 સેક્સી ફોરેનર છોકરીઓ અડધાં પડઘાં કપડાં પહેરીને નાચવા માટે આવી જશે.
(5) અને છેલ્લો નહીં પણ પહેલો નિયમ… ફિલ્મમાં બધાં જ પાત્રો રૂપાળાં હશે. વિલનો પણ ! અને કૂતરાં પણ !
***
અનુરાગ કશ્યપની ફિલ્મોના નિયમો
(1) દરેક ફિલ્મમાં ‘ગંદકી’ અનિવાર્ય હશે. ઝુંપડપટ્ટી, ગટર વિસ્તાર, કતલખાનાં, મટન મારકેટ, ભંગારવાડો, બંધ પડેલી ફેક્ટરી, અવાવરુ ખંડેર મકાનો, ઉકરડા, રેડ લાઇટ એરિયા… આવું બધું જ બતાડવામાં આવશે. (જોકે ટિકીટના પૈસા તો કરણ જોહરની ફિલ્મ જેટલા જ આપવાના રહેશે.)
(2) ફિલ્મમાં કોઈ પાત્ર સભ્ય ભાષા બોલશે નહીં. ચાર કે પાંચ વાક્ય પછી એકાદ ગાળ બોલવાનું ફરજિયાત છે.
(3) ફિલ્મનાં પાત્રો કદી નોર્મલ વર્તન નહીં કરે. એ લોકો અચાનક, કારણ વિના ‘હીહીહી’ કરીને હસવા લાગશે, અચાનક કારણ વિના કોઈને લાફા ઠોકી દેશે, અચાનક જુતું લઈને મારવા દોડશે અથવા સાવ કારણ વિના કોઈને તમંચાથી ગોળી મારીને ખતમ કરી નાંખશે ! (જેમાં કદી કોઈ પોલીસ કાર્યવાહી કે કોર્ટ કેસ થશે નહીં.)
(4) ફિલ્મનાં પાત્રો માટે સાદું દૂધ, સાદી ચા, સાદી છાશ કે સાદું લીંબુપાણી પીવાની મનાઈ છે. એમણે દેશી દારૂ, બિયર, બ્રાન્ડી, વ્હીસ્કી કે ચરસ, ગાંજો વગેરે જ પીવાનાં છે. (સ્ત્રી પાત્રોને પણ આ નિયમમાં છૂટ મળશે નહીં.)
(5) પાત્રોનાં સામાજિક સંબંધોમાં પણ ગંદકીનું સ્તર જાળવી રાખવામાં આવશે. નોર્મલ જિંદગી જીવનારાં પાત્રોની સ્ટોરી ખાસ આગળ વધશે નહીં પરંતુ લગ્નેતર સંબંધો, લફરાં, સૃષ્ટિ વિરુદ્ધ સંબંધો, ધંધાદારી સેક્સ સંબંધો તથા વણસીને હિંસક બની ચૂકેલા સંબંધો ધરાવતાં પાત્રોની જ સ્ટોરીઓ બઢાવી ચઢાવીને બતાડવામાં આવશે.
(6) છેલ્લો છતાં સૌથી મહત્વનો નિયમ… ફિલ્મ જોતી વખતે ઉબકા આવે કે ઉલ્ટી કરવાનું મન થાય તો ફિલ્મની ટિકીટ સાથે વોમિટ કરવાની કોથળી ફ્રીમાં મળશે નહીં.
***
રોહિત શેટ્ટીની ફિલ્મના નિયમો
(1) ફિલ્મનાં તમામ પાત્રોએ પોતાનું દિમાગ કઢાવીને ડીપ-ફ્રીઝરમાં મુકાવીને પછી જ એક્ટિંગ કરવાની રહેશે.
(2) ફિલ્મનાં તમામ પાત્રોએ સરકસના જોકર જેવાં રંગબિરંગી, ચટ્ટાપટ્ટા, તથા ફૂલ-ફૂલવાળાં કપડાં અને એવી જ હેટ, કેપ તથા ટોપીઓ પહેરવાની રહેશે.
(3) ફિલ્મનું એકાદ પાત્ર બોબડું, તોતડું, ગુંગું અથવા મુંગું હશે જ ! છતાં એ શું કહેવા માગે છે તે બધાને સમજાય એ માટે બીજું એક પાત્ર તેનું ટ્રાન્સલેશન કરતું હશે.
(4) ફિલ્મનાં પાત્રો ક્યારે શું વર્તન કરે છે અને શા માટે આટલા બધા ગાંડાવેડા કાઢે છે. એના કોઈ ખુલાસાઓ આપવામાં આવશે નહીં.
(5) લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ… ફિલ્મમાં દેખાડવામાં આવતી તમામ કારોની નીચે મોટી મોટી સ્પ્રીંગો અને નાના નાના બોમ્બ ફીટ ફરજિયાત રીતે ફીટ કરવામાં આવશે ! (જો તમે મુરખની જેમ હસવાનું નહીં રાખો તો તમારી સીટ નીચે પણ આ જ વ્યવસ્થા ફીટ કરી દેવામાં આવશે. સાવધાન !)
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment