લો, કેવા ખતરનાક ખબર છે ! ‘સાસ ભી કભી બહુ થી’ સિરિયલ ફરીથી, પહેલા એપિસોડથી ટીવી પર આવવાની છે ! જી હા !!
અમે તો કહીએ છીએ કે એમાં અમુક ‘સ્પેશીયલ એપિસોડ્સ’ પણ રાખો ! જેમકે…
***
આંસુ ટેન્કર સ્પેશીયલ
યાદ છે ? જ્યારે મિહિર વીરાણી મરી ગયો હતો ત્યારે કચ્છમાં ધરતીકંપ થયો હતો ! છતાં લોકો મિહિરને મરેલો જોઈને વધારે રડતો હતા !
હવે એ જ એપિસોડો ફરીથી ‘આંસુ ટેન્કર’ સ્પેશીયલના નામે ફરીથી ટેલિકાસ્ટ કરો…
***
રોના ધોના સ્પેશીયલ
તુલસી કેટલી વાર રડી હતી ? ઓફિશીયલ આંકડો છે : 1700 એપિસોડમાં 373 વાર ! તો બહેનો, હાથમાં નેપકીન લઈને તુલસીની સાથે રડવા માટે તૈયાર થઈ જાવ ! દર શનિ-રવિવારે આખેઆખા એપિસોડમાં તુલસી માત્ર રડતી… રડતી… અને રડતી જ દેખાશે !
***
ગરદન ઝટકા સ્પેશીયલ
‘નહીં !’ ‘નહીં !!’ ‘નહીંઈંઈં !!!’ ‘ક્યા ?’ ‘ક્યાઆ??’ ‘ક્યાઆઆ???’ એમ ત્રણ ત્રણ વાર ગરદનના ઝટકા આપીને પ્રેક્ષકોને જે ‘કરંટ’ આપવામાં આવતા હતા એ તમામ દ્રશ્યો ભેગાં કરીને ત્રણ-ત્રણ એપિસોડ સુધી ત્રણ-ત્રણ વાર દેખાડવામાં આવશે ! ભલે લોકોની ગરદનોમાં દુઃખાવા થઈ જાય…
***
વીજળી-કડાકા, પવન-સૂસવાટા
આખી સિરિયલ દરમ્યાન કેટલી વાર વીજળી પડી ? વીજળીના કેટલા કડાકા થયા ? કેટલી વાર સુધી પવનના સૂસવાટાના અવાજો સંભળાતા રહ્યા ? કેટલી વાર સૂસવાટા સાથે છૂટ્ટા વાળ અને સાડીના પાલવ હવામાં ઉડતા રહ્યા ?
આ બધાં દ્રશ્યો ભેગાં કરીને બતાડો પેલા ‘વીજળી-સૂસવાટા’ સ્પેશીયલ એપિસોડોમાં !
***
રિપ્લેસમેન્ટ સ્પેશીયલ
ઘૂંટણના નહીં ! આખી સિરિયલ દરમ્યાન, તુલસી સહિત કેટલાં પાત્રોનાં રિપ્લેસમેન્ટ થઈ ગયાં ? સરખી રીતે BEFORE અને AFTER લખીને બતાડો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment