લગ્નોમાં તમે ખાસ માર્ક કરજો...

કોરોનાનો ડર જતો રહ્યો છે છતાં ડરેલી સરકારે હજી લગ્નો ઉપરનાં નિયંત્રણો પાછા ખેંચ્યાં નથી, આમાં ને આમાં તમે માર્ક કરજો કે કેવું કેવું થાય છે…

***

તમે માર્ક કરજો કે…

વરઘોડાઓના કારણે આજકાલ ટ્રાફિક જામ થતા જ નથી ! કેમ કે વરઘોડામાં માંડ 50 જણા હોય છે એમાંથી 15 જણા તો ચારેબાજુ ડાફોળિયાં મારીને એ ધ્યાન રાખતા હોય છે કે ક્યાંકથી પોલીસ આવીને માસ્ક વગરના જાનેયાઓનો દંડ ના ઉઘરાવવા માંડે !

***

તમે માર્ક કરજો કે…

લગ્નના મંડપમાં એકાદ તો વડીલ એવા હશે જ, જે થોડી થોડી વારે મંડપમાં હાજર રહેલા લોકોની સંખ્યા ગણ્યા કરતા હશે !

***

તમે માર્ક કરજો કે…

બુફે જમણવારમાં ગણીને બરોબ્બર 100 જ ડીશો મુકવામાં આવે છે ! એ પછી જે લોકો વધારાની ડીશો ઉપાડે છે તેમની તરફ ‘શંકા’ની નજરે જોવામાં આવે છે !

***

તમે માર્ક કરજો કે…

જે માસાઓ અને ફૂવાઓ અગાઉ વટ કે સાથ ચાંલ્લા અને કન્યાદાનની રકમ અને ગિફ્ટમાં આવેલા મોંઘા દાગીનાના વહીવટો સંભાળતા હતા...

...એમને આજકાલ જરાય ઇમ્પોર્ટન્સ મળતું નથી ! એમાંથી અમુકે તો ‘સ્વૈચ્છિક નિવૃત્તિ’ લઈને મામૂલી જુનિયરોને કામ સોંપી દીધું છે !

***

તમે એ પણ માર્ક કરજો કે…

આજકાલ લગ્નો ‘સસ્તામાં’ પતી રહ્યાં છે એ જોઈને મધ્યમવર્ગવાળા પોતાનાં સંતાનોને જલ્દી જલ્દી પરણાવી દેવા માગે છે…

… અને એ જ કારણસર મોટી મોટી પાર્ટીઓ પોતાનાં સંતાનોનાં લગ્નો ‘પોસ્પોન’ કરી રહ્યા છે ! બોલો.

- બ્લોક બસ્ટર ફિલ્મની રિલીઝ જેવી જ વાત થઈ ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments