ગઈકાલે જ કોઈએ વોટ્સએપમાં મેસેજ મોકલ્યો કે ભઈ, આજકાલમાં જ એકાદ દિવસ ‘કોરોના જયંતિ’ ગઈ ! જી હા, એ દિવસે ભારતમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો.
આ જ રીતે હવે આપણે અમુક તિથિઓ ‘બુક’ કરી રાખવી પડશે ! દાખલા તરીકે…
***
સેનિટાઈઝર સાતમ
જુઓ ભઈ, કોરોના હવે પાછો ના આવે એટલા માટે દરેક ઘરમાં એવું વ્રત રાખવું પડશે કે દર મહિનાની વદ સાતમે ‘સેનિટાઇઝર સાતમ’ રાખીને આખા ઘરમાં સેનિટાઇઝર છાંટવું… ‘સેનિટાઇઝર માતા’ તમારી રક્ષા કરશે !
***
અઠ્ઠાઈ મંત્રજાપ 108
કોરોનાકાળમાં 108 નંબરની એમ્બ્યુલન્સે આપણને જે સેવા આપી છે અને જે હેરાન પણ કર્યા છે તેને યાદ કરીને સૌએ હાથમાં માળા લઈને ‘એકસો આઠ… એકસો આઠ…’ એવા 108 જાપ કરવાના છે. આનાથી તમારા ‘108 દેવતા’ આખી જિંદગી તમારે ત્યાં સમયસર એમ્બ્યુલન્સ પહોંચાડશે !
***
કચરા-પોતાં પાંચમ
પતિઓ પાછળથી આળસુ બનીને ઘરમાં હુકમો ના ચલાવવા માંડે એ માટે તમામ પત્નીઓએ આ વ્રત કરવાનું છે. આમાં પત્ની દર સુદ અને વદ પાંચમે ઘરમાં પોતાનાં પતિ પાસેથી કચરાં-પોતાં કરાવશે ! આ વ્રતને લીધી કોરોના માતા દેશની તમામ પત્નીઓને શક્તિ પ્રદાન કરતી રહેશે…
***
‘અધિક માસ્કનું વ્રત’
દરેક મહિનાની પહેલી તિથિએ સૌએ પોતાનાં મોં ઉપર એકસ્ટ્રા માસ્ક પહેરીને ફરવાનું છે. આના કારણે ઓમિક્રોન, બોમિક્રોન, ડેલ્ટા, ફેલ્ટા જેવા ચાઇનિઝ તથા વર્ણસંકર વાયરસો દૂર રહેશે !
***
કરફ્યુ ચોથ / ક્વોરન્ટાઇન ચોથ
દર મહિનાની વદ ચોથના દિવસે લોકો ઘરની બહાર નહીં નીકળે ! ફરજિયાત રીતે વર્ક ફ્રોમ હોમ કરીને કરફ્યુ ચોથ પાળશે !
અને દર મહિનાની સુદ ચોથના દિવસે પત્નીઓ પોતાના બેડરૂમની બહાર નહીં નીકળે ! આ ક્વોરન્ટાઇન ચોથનું પૂણ્ય મળવાથી પતિની જીંદગીઓ લાંબી થશે !
- જય કોરોનામાતા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment