ક્યાં ગયા પિયાનો, કેબ્રે, મુજરા, કવ્વાલીઓ ?

અલ્યા, જુની ફિલ્મોમાં પેલા મોટા મોટા પિયાનો વગાડતા હતા એ પિયાનો ક્યાં ગયા ?

ફિલ્મની હિરોઈનને કોઈ પૈસાદાર નબીરા જોડે પરણાવવાનું એનાઉન્સમેન્ટ થઈ જાય પછી પાર્ટીમાં આપણો હિરો એ પિયાનો ઉપર બેસીને કરુણ ગાયન ગાય… એવો 40 વરસથી ચાલ્યો આવતો રિવાજ કેમ બંધ થઈ ગયો ?  

નવાઈની વાત તો એ હતી કે હિરોએ કોઈ દહાડો પોતાના ઘરમાં પ્યાલા, વાટકી અને લોટામાં પાણી ભરીને વેલણો વડે જલતરંગ વગાડવાની યે પ્રેક્ટિસ ના કરી હોય તે અચાનક પહેલી જ વારમાં પરફેક્ટ પિયાનો વગાડી બતાડતો હતો !


એ જ રીતે પૈસાદારોના બંગલાઓમાં જે લાલ જાજમ અને સફેદ કોતરણીવાળી ડબલ સીડીઓ આવતી હતી એ પણ ગુમ થઈ ગઈ !

સાલું, એ વખતે અમને નહોતું સમજાતું કે ભઈ, તારે પહેલા માળે જ જવું છે એમાં બબ્બે સીડીઓ શા માટે રાખી છે ? શું અહીં પણ ‘લેફ્ટ હેન્ડ ડ્રાઈવ’નો કાનુન લાગે છે ? કે ભઈ, ઉપર જવા માટે ડાબી બાજુની અને નીચે આવવા માટે જમણી બાજુની સીડીનો જ ઉપયોગ કરવો. નહિંતર 100 રૂપિયા દંડ કરવામાં આવશે !

આવું જ પેલા પાર્ટીઓમાં ગવાતા ગાયનોનું થયું. આજકાલ તો પાર્ટી ક્લબમાં હોય કે ઘેર, બધાં ‘કચકચાઈને’ નાચે છે. પણ એ જમાનામાં સૂટ-સાડી પહેરેલા 60-70 મહેમાનો ઊભા ઊભા જ પેલું ડાન્સવાળું ગાયન જોયા કરતા હતા. (એમાંય, યાદ છે ? એક ઘરડો ધોળિયો હંમેશાં એકનો એક સૂટ પહેરીને, હાથમાં દારૂનો પેગ લઈને દરેક પિક્ચરમાં ઊભો રહેતો હતો.)

એ જમાનાની ફિલ્મોમાં એક સુખ એ પણ હતું કે ગોળ ગોળ ટેબલો ઉપર જ્યાં બધા મામૂલી સેન્ડવીચો જ ખાતા હોય એવી રેસ્ટોરન્ટમાં બિચારી હેલન જેવી ડાન્સરો આખા શરીર ઉપર જાળીદાર વસ્ત્ર પહેરીને માથામાં કંઈ વિચિત્ર પીંછાં ખોસીને ‘કેબ્રે’ ડાન્સ કરવા માટે છેક આપણા (એટલે કે હિરો-હિરોઇનના) ટેબલ સુધી આવતી હતી !

એ વખતે ખાસ માર્ક કરવા જેવું એ હતું કે હિરોઇને સાડી જ પહેરી હોય ! ભલે ને પછી બીજા કોઈ ગાયનમાં એ અડધી ઉઘાડી થઈને ધોધ નીચે નહાતાં નહાતાં ગાયન ગાતી હોય ?

જેમ કેબ્રે ગયા એમ મુજરાઓ પણ ગયા. અમને તો હજી વિચાર આવે છે કે શાનદાર મહેલ જેવા કોઠાની માલકિન બનીને નાચનારી એ તવાયફોના ‘કોઠા’ આજે છે ક્યાં ? અમે તો ઇતિહાસની ચોપડીઓમાં ય ફેંદી જોયું. ક્યાંય આવા કોઠાના ખંડેરો પણ જોવા મળતા નથી. (પુરાતત્વ ખાતાવાળા પ્લીઝ, તસ્દી લઈને ‘કોઠા ટુરિઝમ'નો પુનરુધ્ધાર કરે !)

ધીમે ધીમે કરતાં લિસ્ટ લાંબું થતું જાય છે. પણ બોસ, તમે જ કહો, આજકાલની ફિલ્મોમાં સ્ટેજ ઉપરથી રજુ થતું હોય એવું કોઈ ગાયન આવે છે ખરું ?

આજે બિચારાં સ્કુલનાં છોકરાંઓ એન્યુઅલ-ડે વખતે ફિલ્મી ગાયનો ઉપર ડાન્સ કરી કરીને થાકી જય છે પણ એ ટાઇપનું ‘બાળ-નૃત્ય’ પણ ફિલ્મોમાં નથી આવતું. શું દશા બેઠી છે ગાયનોની !

તમે જુઓ, કવ્વાલીઓ પણ ગઈ ! પુરુષો અને સ્ત્રીઓ સામસામે બેસીને જે શાયરીઓ ફટકારતા હતા એ આખો માહૌલ જ ગયો !

હા, આજકાલ રિયલ લાઇફમાં ગુજરાતીમાં કવિ-સંમેલનો અને હિન્દીમાં મુશાયરાઓ વધી ગયા છે ! પણ બોસ, એવું ફિલ્મમાં બતાડવા જાય તો પબ્લિક પરદા ઉપર પોપકોર્ન સમોસા છુટ્ટા મારવા માંડે ને ?

પણ એ બધું છોડો. ફિલ્મના સત્તરમાં રીલમાં વિલનના અડ્ડામાં ઘૂસીને ધનાધની કરતાં પહેલાં હિરો-હિરોઈનો જે મસ્ત ગાયનો વિલનની મહેફિલમાં પેશ કરતા હતા એ પણ ગયાં ! હવે તો ઢીશૂમ ઢીશૂમ કરવાની એટલી ઉતાવળ આવી જાય છે કે ઝડપી રેપ-સોંગ પણ નથી ગાતાં ! (હા, વિલનનો અડ્ડો બોમ્બથી ઉડાવી દીધા પછી એ લોકો શાંતિથી સ્લો-મોશનમાં ચાલતાં બહાર જાય છે ! આ નવો રિવાજ છે.)

અરે યાર, ફિલ્મોમાં ગાયન ગાવાનો ચાન્સ ભિખારીઓને પણ મળતો હતો ! ભિખારી ના હોય તો કોઈ ફકીર ઊંચા અવાજે ગાયન ગાઈને જિંદગીની આખી ફિલોસોફી સમજાવી જતો હતો.

જોકે સૌથી મિસ થાય છે પેલાં ‘માઝી’ સોંગ્સ ! આહાહા… આપણે હોડીમાં બેઠા હોઈએ… અને પેલો હોડીવાળો એક પણ રૂપિયો એકસ્ટ્રા લીધા વિના સરસ મઝાનું ગાયન સંભળાવી દેતો હતો.. આજે તો નદી જ ક્યાં બતાડે છે ? અને દરિયો બતાડે તો બિકીનીઓ અને ચડ્ડીઓ પહેરીને બધા આદિવાસીઓની માફક નાચે છે !

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment