અંગ્રેજીમાં કહેવત છે કે આંકડાઓ જે બતાડે છે તેના કરતાં વધારે છૂપાવે છે ! અમને પણ વાત સાચી લાગે છે. જુઓ…
***
ગુજરાતમાં 3400 જેટલી તલાટીની નોકરી માટે 23 લાખથી વધારે અરજીઓ આવી…
- મતલબ કે ગુજરાતના 23 લાખ જેટલા યુવાનો/યુવતીઓને જો મલાઈ ખાવા મળે એવી સરકારી નોકરી મળતી હોય તો તેઓ ગામડામાં જવા માટે પણ તૈયાર છે !
***
ગુજરાતમાં છેલ્લા પાંચ વરસમાં બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં જ 7.80 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા…
- મતલબ કે ભલે દુકાનો, ઓફિસો કે બિલ્ડીંગોના પાટિયાં ગુજરાતીમાં લખાવો, આ ટાઇપના સાત લાખમાં કશો ફેર પડવાનો નથી !
***
ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 25 લાખ લોકોએ મોબાઇલનો વપરાશ બંધ કર્યો…
- એનો મતલબ એમ નથી કે ગુજરાતમાં 25 લાખ મોબાઈલો બંધ પડ્યા છે ! મતલબ ફક્ત એટલો જ થાય કે 25 લાખ સિમ-કાર્ડ નવરાં થઈ ગયાં છે !
- અને એવો મતલબ પણ થયો કે ગુજરાતમાં 25 લાખ નવરાઓને બિચારાને ટાઇમપાસ કરવા માટે પણ 98 રૂપિયા પોષાતા નથી !
બોલો, કેવી મોંઘવારી છે !
***
રશિયામાં 45 ટકા લોકો માને છે કે રશિયાએ યુક્રેન ઉપર હૂમલો નહોતો કરવો જોઈતો.
- છતાં એમાંનો 1 ટકો પણ યુક્રેન બોર્ડ ઉપર જઈને મીણબત્તી ધરીને ઊભો નહીં રહે !
- શું કહો છો !
***
અને ‘નાટો’ના 100 ટકા દેશો યુક્રેનને કહેતા હતા કે યુધ્ધ થાય તો અમે તમારી પડખે છીએ…
- હવે જોયું ને ? બસ, આંકડાઓની આ જ સચ્ચાઈ છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment