એમનું બાળપણ, અમારું બાળપણ...

છેલ્લા બે વરસમાં તો નાનાં છોકરાંઓને જલ્સા પડી ગયા. હવે એમને નિશાળે જતાં ચૂંક આવે છે ! પણ એમને શું ખબર, કે અમે કેવા કેવા દિવસો જોયા હતા…

***

એમને માગ્યા વિના પંદર-વીસ હજાર રૂપિયાના મોબાઇલ મળી જાય, તોય એમને ખુશી નથી થતી…

અને અમારી નોટ ઉપર નવાં પૂઠાં ચડાવવા મળે એમાં તો  રાજીના રેડ થઈ જતા હતા !

***

એમને બર્થ-ડેમાં બબ્બે ડઝન ફૂગ્ગા મળે છે ! બે ચાર ફૂટી જાય તોય કંઈ ફેર નથી પડતો…

અને આપણો 'એકનો એક' ફૂગ્ગો ફૂટી જાય તો એમાંથી તો નાની નાની ટોટીઓ બનાવીને કપાળમાં ફોડવાની શું ય એવી મોટી મજાઓ લેતા હતા ! યાદ છે ને !

***

એમને તો સાતમા આઠમા ધોરણમાં આવતાની સાથે નવી સ્કુટી મળી જાય છે તોય કદર ક્યાં છે ?

અને આપણે ? રવિવારની બપોરે ભાડાની સાઇકલ ચલાવવા માટે ફક્ત ચાર આના મળી જાય તો ગાંડા ગાંડા થઈ જતા હતા !

***

અરે આજકાલનાં છોકરાંને મોબાઈલમાં X રેટેડ મુવી જોવા માટે કોઈને પૂછવા ય જવું પડતું નથી…

અને આપણે ખાલી ઇંગ્લીશ પિક્ચર જોવું હોય તોય ચહેરા ઉપર મૂછો ઉગે ત્યાં સુધી રાહ જોવી પડતી હતી ! શું કહો છો.

***

એમને બહેનપણી જોડે અડધી રાતે વાત કરવી હોય તો મોબાઈલથી વિડીયો કોલ લગાડીને કલાકો લગી ઘૂસપૂસ કરે છે…

અને આપણે આપણને ગમતી છોકરી જોડે માંડ બે વાક્યની વાત કરવા માટે લગ્નમાં દાળ પીરસવાનો ચાન્સ મળે તેની રાહ જોવામાં મહિનાઓ કાઢવા પડતા હતા !

***

બસ, ફરક એક જ છે…

જો હેરકટિંગ સલૂનવાળો આપણા વાળ કાન પાસેથી અને બોચી ઉપરથી મશીન વડે છોલી નાંખતો હતો, તો આપણે કેટલું રડતા હતા…

આજે સાલી, એ જ ‘ફેશન’ ગણાય છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments