જુની હોરર ફિલ્મોમાં હિરોઈન સફેદ સાડી પહેરીને ઊંઘમાં ચાલતી આખેઆખું ગાયન ગાઈ નાંખતી હતી !
નવી હોરર ફિલ્મોમાં એ સફેદ સાડી પણ નથી હોતી અને હિરોઈન ગાયન ગાવાને બદલે ખરેખર બીવડાવે છે ! ઉહૂહૂહૂ….
***
જુની ફિલ્મોમાં હીરોની મમ્મી પોતાના દિકરા માટે ગાજર કા હલવા, સરસોં કા સાક અને મક્કે કી રોટી બનાવતી હતી.
નવી ફિલ્મોમાં તો હીરોની મમ્મી સ્વીગીમાં પણ ઓર્ડર નથી કરતી, કેમકે હીરો બહારથી ખાઈને જ મોડી રાતે ઘરે આવે છે.
***
જુની ફિલ્મોમાં હીરો બીએ પાસ થાય એટલે હરખાતો દોડતો આવીને કહેતો ‘માં માં… મૈં બીએ પાસ હો ગયા !’
નવી ફિલ્મોમાં એકાદ ‘થ્રી ઈડિયટ્સ’ને બાદ કરતાં કોઈ ફિલ્મમાં એક્ઝામનું ‘રિઝલ્ટ’ પણ બતાડતા નથી !
***
જુની ફિલ્મોમાં બાળપણમાં સ્કુલે જતાં હીરો હીરોઈન અડધી ચડ્ડી અને ફ્રોક પહેરીને ‘ભણવા’ માટે જતાં હતાં.
નવી ફિલ્મોમાં તો આખેઆખી ફિલ્મ સ્કુલમાં જ હોય ! છોકરા છોકરીઓ 20-22 વરસના હોય ! અને ‘ભણવા સિવાયનું’ બધું જ કરતાં હોય છે !
***
જુની ફિલ્મોમાં હીરો લોગના ખાસ કોઈ ચોઈસો નહોતા. એ લોકો આંધળી હિરોઈન, અપંગ હિરોઈન કે વિધવા હિરોઇન… એમ જે મળી એના પ્રેમમાં પડી જતા હતા.
નવી ફિલ્મોમાં તો આંધળી, ગુંગી, અપંગ કે વિધવા છોકરીઓ માટે હવે બહેનના રોલ પણ નથી હોતા ! હિરો લોગના ચોઇસ સુધરી ગયા છે !
***
જુની ફિલ્મોમાં હિરો-હિરોઇનનાં લગ્ન નક્કી થઈ જાય એટલે તો ફિલ્મ પુરી થઈ જતી હતી ! ધી એન્ડ !
નવી ફિલ્મોમાં તો લગ્ન નક્કી હોય, મંડપમાં નાચ-ગાનાં થઈ જાય, બારાત આવી પહોંચે… ત્યારે જ છેક છેલ્લી ઘડીએ હિરોઈન ભાગી જાય… અને આ બધું તો ફિલ્મની શરૂઆતમાં જ થતું હોય !
***
જુની ફિલ્મોમાં જો શરૂ શરૂમાં લગ્ન થઈ જાય તો એ પછી જે સુહાગરાતનો સીન આવતો એમાં હીરોઈન હીરોને દૂધનો ગ્લાસ પીવડાવતી ! અથવા બન્ને જનમ જનમનો સાથ નિભાવવાની કસમ ખાતાં ! અને ઘુંઘુટ ઉઠાવવા માટે તો બિચારા હીરોએ આખું ગાયન ગાવું પડતું હતું !
નવી ફિલ્મોમાં તો લગ્ન પહેલાં જ સુહાગરાત થઈ જાય છે. જવા દો ને ભૈશાબ.
***
જુની ફિલ્મોમાં નાના બાળકને સૂવડાવવા માટે હિરોઈનો લોરી ગાતી, એમને રમાડવા માટે ઢીંગલા ઢીંગલી બતાડીને બાળગીતો ગાતી.
નવી ફિલ્મોમાં બિચારાં નાનાં બાળકોને ઉંઘાડવા કે રમાડવા માટે કોઈ છે જ નહીં ! આયા પણ નથી ! (કદાચ આવનારી ફિલ્મોમાં મમ્મી એમને ઉંઘાડવા માટે હાથમાં મોબાઈલ આપી દેશે.)
***
જુની ફિલ્મોમાં હિરો કે હિરોઈનનું દિલ તૂટી જાય તો એ લોકો કરુણ ગાયન ગાવા માટે સૂકા જંગલમાં, ઉજ્જડ ટેકરી ઉપર અથવા ખુલ્લા રણમાં જતા રહેતાં હતાં ! અમુક તો ડાયરેક્ટ મંદિરમાં જઈને ભગવાનને ફરિયાદ કરતું ગાયન ગાવા માંડતા હતાં.
નવી ફિલ્મોમાં જો ‘બ્રેક-અપ’ થઈ જાય (દિલ તો કોઈનું ‘તૂટતું’ જ નથી હોં !) તો હિરો લોગ દારૂ પીવા લાગે છે, હિરોઈનો રડતી રડતી ખુબ ચોકલેટો ખાય છે અને ગાયન ગાવાનું કામ તો બેકગ્રાઉન્ડમાં ગાતા ગાયક ઉપર જ છોડી દે છે ! અને હા, આખી વાતમાં ભગવાનને તો તસ્દી આપવાની જ બંધ કરી દીધી છે. હાશ !
***
જુની ફિલ્મોમાં ભજનો પણ વારંવાર આવતાં. કેટલીક વાર તો ભજન સ્પીડ પકડે ત્યારે ચમત્કારો થઈ જતા ! આંધળા દેખતા થઈ જાય, લંગડા ચાલવા માંડે, મરણપથારીએ પડેલા બેઠા થઈ જાય… એવું બધું.
નવી ફિલ્મોમાંથી ભજનો જ નીકળી ગયાં છે ! છતાં ક્યારેક વળી માતા રાનીના ‘જગરાતા’ (જાગરણનો) સીન બતાવે તો એ ‘કોમેડી’ તરીકે જ હોય ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment