સોશિયલ મિડીયામાં આજકાલ જે રશિયન પ્રેસિડેન્ટ પુતિનના જોક્સ ફરી રહ્યા છે તે હકીકતમાં આપણા રજનીકાન્તના જ ઓરીજીનલ જોક્સ છે ! ફક્ત રજનીકાન્તનું નામ બદલીને પુતિનનું નામ ઘૂસાડી દીધું છે !
એની વે, જો પુતિનના ઓરિજીનલ જોક્સ જોઇતા હોય તો આ રહ્યા…
***
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડને પેન્ટાગોનમાં ફોન કરીને પૂછ્યું કે ‘યુક્રેન સરહદે લેટેસ્ટ સ્થિતિ શું છે ? પુતિન આખરે કરવા શું માગે છે ?’
પેન્ટાગોનમાંથી જવાબ આવ્યો : ‘એક મિનિટ સર ! ઇન્ડિયાની ન્યુઝ ચેનલો જોઈને હમણાં જ કહું છું !’
***
એ તો ઠીક, પુતિને પોતાની જાસૂસી એજન્સી કેજીબીમાં ફોન કરીને પૂછ્યું કે ‘આખરે અમેરિકા અને નાટોના દેશો યુક્રેનમાં કરવા શું માગે છે?’
કેજીબીમાંથી પણ એ જ જવાબ આવ્યો : ‘સર, ઇન્ડિયાની ન્યુઝ ચેનલો જોઈને હમણાં જ કહીએ છીએ !’
***
પુતિને ભારતની તમામ ન્યુઝ ચેનલોને ખાનગીમાં ખતરનાક શબ્દોમાં ધમકી આપી છે કે ‘ખબરદાર ! હું ક્યાં જાઉં છું, કોને મળું છું, શું કરી રહ્યો છું, એની સ્હેજ પણ માહિતી… મારી ‘પત્નીને’ આપી છે… તો તમારી ખેર નથી !’
***
યુક્રેન ઉપર હુમલો કરવો કે ના કરવો તેનું ડિસિઝન પુતિન લઈ જ શકતા નહોતા…
આખરે રશિયન આર્મીના વડાએ પુતિનને કહ્યુ ‘સર, હવે તો તમે એકવાર ભારતના જ્યોતિષીઓની સલાહ લઈને એક સારું મુહુર્ત કઢાવી જ લો !’
***
મુંબઇના શેરબજારના ચાર મોટા ખેલાડીઓએ પુતિનને ફોન લગાડીને કહ્યું :
‘સર, હજી એકવાર યુક્રેન ઉપર ચડાઈ કરવાની ધમકી આપો ને ? શેરબજારમાં કડાકો બોલી જાય તો થોડા લગડી શેર નીચા ભાવે ખરીદી લેવા છે !
… અને હા, તમે સમાધાનની જાહેરાત કરી ત્યારે અમે તેજીમાં જે કમાયા એમાંથી તમને કેટલું કમિશન આપવાનું છે ?'
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment