અંગ્રેજીમાં ‘હાઇટ ઓફ ફલાણા…’ ટાઈપની નાની નાની જોક્સ આવતી હોય છે. આવી થોડી જોક્સ અમે ગુજરાતીમાં બનાવી કાઢી છે…
***
આળસની હદ
મોર્નિંગ વોક માટે નીકળવું અને પછી ચાલવાના રસ્તાનો શોર્ટ-કટ શોધવો.
***
કરકસરની હદ
કિચનમાં લાગેલી આગને હોલવવા માટે ફાયરબ્રિગેડમાં ‘મિસ-કોલ’ મારવો !
***
ભોળપણની યાદ
‘યોર કોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અસ…’ એવું 40 વખત સાંભળ્યા પછી પણ પોતાની જાતને ‘ઇમ્પોર્ટન્ટ’ સમજવી !
***
ઓનલાઇન શોપિંગની હદ
‘શાદી ડોટ કોમ’ ટાઈપની એપમાં જઈને યુવતીની પસંદગી કરતાં પહેલાં એના ‘યુઝર્સ રેટિંગ્સ’ તપાસી લેવાં !
***
નવરાશની હદ
ઝભલાં કોથળી, દૂધની કોથળી, કરિયાણાની કોથળી, શાકની કોથળી, શોપિંગની કોથળી, ટિફીનની કોથળી, ફૂડ ડિલીવરીની કોથળી, જ્વેલર્સની કોથળી, ચટણી અને સોસની કોથળી, ચાની કોથળી… વગેરે તમામ કોથળીઓ ઘરમાં ભેગી કરવી અને તેને ધોઈને, સુકવીને, ગડી કરીને, એક મોટી પ્લાસ્ટિકની કોથળીમાં સાચવીને, મુકી રાખવી !
***
કોરોનાથી સાવચેતીની હદ
ઓનલાઇન મિટીંગ વખતે પણ લેપ-ટોપથી છ ફૂટ દૂર બેસવું ! એ પણ માસ્ક પહેરીને !
***
અમદાવાદીપણાની હદ – (1)
કેશ-ઓન-ડિલીવરીના છોકરા જોડે રકઝક કરવી કે ‘આ ખાલી ખોખું તને પાછું આપું તો તું કેટલા ઓછા કરે ?’
***
અમદાવાદીપણાની હદ – (2)
યુ-ટ્યુબમાં પાણીપુરી બનાવવાની રીત જોઈને છેલ્લે કહેવું ‘લો બોસ, આમાં છેલ્લે કોરી પુરી તો આઈ જ નઈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment