સ્કૂલો ખૂલી... મમ્મીને ટેન્શન !

એક મમ્મીએ ડોક્ટરને ફોન કર્યો.


‘ડોક્ટર સાહેબ, મને મારા બાબા માટે બહુ ડર લાગે છે.’

‘કેમ, શું થયું છે ?’

‘એને કશું નથી થયું, પણ હવે સ્કુલે જવાનું ફરજિયાત થઈ ગયું ને !’

‘તો ?’

‘એ બિચારો સ્કુલમાં ગભરાઈ નહીં જાય ? એને માસ્ક મોં ઉપર રાખવાનું ગમતું જ નથી.’

‘એ તો ટેવ પાડવી પડે.’

‘પણ આટલા બધા છોકરાંઓ… કોઈ એને ધક્કો મારશે તો ? એને તો એકલાં એકલાં જ ફાવે છે. વળી મારા વિના તો ભણતો જ નથી. હવે હું સ્કુલમાં શી રીતે જઉં ?’

‘શું થાય. તમારે મોકલવો તો પડશે જ ને !’

‘પણ એને તો હાજરી પુરાવી લીધા પછી આમતેમ રખડવાની અને મોબાઈલમાં ગેમ રમવા જોઈએ છે. હવે એ બધું ત્યાં તો નહીં જ મળેને, બિચારાને ?’

‘હા, પણ એડજસ્ટ તો કરવું પડે ને.’

‘કેવી રીતે એડજસ્ટ કરશે ? મેં તો સાંભળ્યું છે કે હવે તો એક્ઝામ પણ લેશે ! એ પણ ઓફલાઇન ! બાબાને તો હાથ વડે જાતે લખતાં પણ નથી ફાવતું.’

‘સરકારનો નિર્ણય છે. એમાં શું થઈ શકે.’

‘બળી આ સરકાર ! નાનાં નાનાં કુમળાં છોકરાં ઉપર કેવો જુલમ થશે એનો તો વિચાર જ નથી કરતા. મારા બાબાને થોડી થોડી વારે નાસ્તો જોઈએ. સોફા ઉપર આડા પડવા જોઈએ. પથારીમાં આળોટવા જોઈએ… આ બધું સ્કુલમાં શી રીતે કરશે ?’

‘ના જ કરાય ને. હવે એડજસ્ટ કરવું પડશે.’

‘પણ શી રીતે કરશે ? મને તો ભૈસાબ બહુ બીક લાગે છે. કેટલા મહિનાથી તો એ આટલે દૂર ગયો જ નથી ! પાછો આવતાં રસ્તો ભૂલી જશે તો ? અને હોમવર્ક શી રીતે કરશે ? મને કેવી રીતે ખબર પડશે કે સ્કુલમાં શું ભણાવ્યું ? અને મને ના જાણવા મળે તો એને હોમવર્ક કોણ કરાવશે ? બહુ ટેન્શન થઈ ગયું છે મને…’

‘તમે એક કામ કરો. બાબાને મારી પાસે લઈ આવો.’

‘શ્યોર.’

‘કેટલા વરસનો છે તમારો બાબો ?’

‘સોળ વરસનો !’

***

- મન્નુ શેખચલ્લી

Comments