ચુંટણીમાં ત્રણ પ્રકારનું ...!

યુપી, પંજાબ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં જોરશોરથી ચૂંટણીઓ ચાલી રહી છે. આમાં બધું ત્રણ ત્રણ પ્રકારનું હોય છે…

***

ત્રણ પ્રકારના નેતાઓ

(1) જેના માટે પૈસા ખર્ચીને ભીડ ભેગી કરવી પડે છે.

(2) જેના માટે પૈસા ખરચતાં ય ભીડ ભેગી થતી નથી.

(3) જે ઘેર ઘેર પ્રચાર કરવા નીકળે તો ભીડ એને મારવા માટે દોડે છે.

***

ત્રણ પ્રકારના ચૂંટણી પંડિતો

(1) જે માત્ર 3000 લોકોનો સર્વે કરીને 3 કરોડ લોકો કેવી રીતે મતદાન કરશે તેની ગહન ચર્ચા ટીવીમાં કરે છે.

(2) જે માત્ર પોતાના ગામના ફળિયામાં ફરીને પછી ઘરના ઓટલે બેસીને ફેંસલો આપી દે છે.

(3) જે અમદાવાદ, મુંબઈ કે બેંગ્લોર જેવા દૂરના શહેરમાં બેસીને સોશિયલ મિડીયામાં કોમેન્ટો કરી નાંખે છે.

***

ત્રણ પ્રકારના પ્રચાર મુદ્દાઓ

(1) આવનારા 25 વરસમાં દેશ ઉપર હિન્દુઓ રાજ કરશે કે મુસલમાનો તે નક્કી કરવા માટે આજે જ વોટિંગ કરો !

(2) આવનારા 5 વરસમાં મહિલાઓને, યુવાનોને, બેરોજગારોને, ગરીબોને અને દલિતોને કોણ સૌથી સારા મફતિયા ફાયદાના વચનો આપે છે તેના માટે હમણાં જ મતદાન કરો.

(3) આવતીકાલે કર્ણાટકની સ્કુલો અને કોલેજોમાં છોકરીઓ શું પહેરીને જશે તેના માટે યુપી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ વગેરેમાં તાત્કાલિક વોટ આપો.

***

ત્રણ પ્રકારના મતદારો

(1) જે કોઈપણ નેતા કે પક્ષ ખરેખર કેવા છે તે જોયા જાણ્યા વિના મત આપી આવે છે.

(2) જે કઈ પાર્ટી કે કયો નેતા શું લાલચ આપે છે તે લીધા પછી જ મત આપે છે.

(3) અને જે બધું જ જાણે છે, બધું જ સમજે છે, બધાને સમજાવી પણ શકે છે… છતાં મત આપવા જતા જ નથી !

- વાહ રે લોકશાહી !

***

- મન્નુ શેખચલ્લી

Comments