જુની ફિલ્મો, નવી ફિલ્મો : સ્સોલિડ ડિફરન્સ હૈ ભાઈ !

જુની ફિલ્મોમાં બે ફૂલ ટકરાય અને પાણીનો ધોધ છૂટે એમાં તો હિરોઇન પ્રેગનન્ટ થઈ જતી હતી.


નવી ફિલ્મોમાં 15 કિસના સીન અને સાડા પાંચ સેક્સના સીન પછી પણ હિરોઇન પ્રેગનન્ટ થતી નથી ! બોલો.

***

જુની ફિલ્મોમાં હિરોઇન બ્લાઉઝ વિના સાડી પહેરીને પાણીના ધોધ નીચે નહાતાં નહાતાં ગાયન ગાતી હતી અને બીજી એકસ્ટ્રાઓ હાથમાં માટલાં લઈને ડાન્સ કરતી હતી.

નવી ફિલ્મોમાં હિરોઇન સિંગલ પીસ બિકીની પહેરીને દરિયા કિનારે ગાયન ગાય છે અને એકસ્ટ્રાઓ ફોરેનથી આવે છે ! જે માત્ર ટુ-પિસ બિકીની પહેરીને નાચતી હોય છે ! બોલો.

***

જુની ફિલ્મોમાં ગાયન ગાવા માટે હિરો-હિરોઈન બિચારાં કાશ્મીર, મહાબળેશ્વર કે કોડાઈ કેનાલ સુધી જ જઈ શકતાં હતાં.

નવી ફિલ્મોમાં ગાયન ગાવા માટે એ લોકો સ્વિટ્ઝરલેન્ડ, હોલેન્ડ, ન્યુયોર્ક, લંડન, પેરિસ બધે જાય છે અને સાથે સાથે નાચવા માટે ફોરેનની છોકરીઓની પણ ટિકીટો કપાવી આપે છે ! બોલો.

***

જુની ફિલ્મોમાં હિરોઈન ગામડાની હોય તો પણ ચહેરા ઉપર જોરદાર મેકપ કર્યો હોય ! અને એનાં દરેક ચણિયા ચોળી મસ્ત રંગબિરંગી કલરનાં હોય ! જેની શો-રૂમ પ્રાઇઝ 5000ની તો મિનિમમ થતી હશે !

નવી ફિલ્મોમાં હિરોઈનને સામાન્ય કોલેજ-ગર્લ બતાડવાની હોય તો પણ એનાં કપડાં હાઇ ફાઇલ ડિઝાઇનર શો-રૂમમાંથી જ મંગાવેલા હોય ! જેની દરેકની પ્રાઈઝ મિનિમમ 30000 તો ખરી જ ! બોલો.

***

જુની ફિલ્મોમાં વિલન હિરોઇન ઉપર બળાત્કાર કરતો તો પ્રેક્ષકોને મઝા આવતી હતી ! (ખોટું નથી કહેતો.)

નવી ફિલ્મોમાં તો હવે અંતરિયાળ પછાત ગામડામાં જ બળાત્કારો થાય છે ! હાઈ સોસાયટીમાં તો ‘ઘરેલું હિંસા’ થાય છે… બન્નેમાં પ્રેક્ષકોને ટેન્શન સિવાય બીજું કંઈ મળતું જ નથી ! (બોલો, ખોટી વાત છે ?)

***

જુની ફિલ્મોમાં વિલન પોતાના અડ્ડામાં હિરોને બાંધીને રાખતો અને હિરોઈન બિચારી રડતાં રડતાં નાચીને ગાયન ગાતી હતી !

નવી ફિલ્મોમાં બાંધીને રાખેલી હિરોઈનને છોડાવવા માટે હિરો જીપ વડે દિવાલ તોડીને ધસી આવે છે, સેંકડોના હિસાબે ગોળીઓ ચલાવે છે અને હિરોઈનને લઈને ભાગી જાય છે ! ગાયન તો સાલું, ગાયબ જ થઈ ગયું ! બોલો.

***

જુની ફિલ્મોમાં વિલનોના ભવ્ય જાજરમાન અડ્ડાઓ રહેતા હતા. વિલનો મોંઘા કપડાં, મોંઘી વીંટીઓ, મોંઘી મોજડીઓ પહેરતા હતા. આસપાસ દસ બાર છોકરીઓને પણ રાખતા હતા. વાઘ સિંહના મસાલા ભરેલાં શરીરો રાખતા હતા. અરે, પોતાના ફોલ્ડરીયાઓને ટોર્ચર કરવા માટે મોંઘા ભાવની શાર્ક અને મગર પણ રાખતા હતા !

જ્યારે આજના વિલનો ? ફાલતું ખંડેરોમાં રહે છે, નાહ્યા-ધોયા વિનાના રહે છે, દાઢીમાં જૂ પડેલી હોય છે, છોકરીઓ તો હોતી જ નથી ! ઉલ્ટું ફક્ત પ્લાસ્ટિક સર્જરી વડે જ સુધરી શકે એવા ડાચાંવાળા ફોલ્ડરીયા રાખે છે ! અને ટોર્ચર માટે ? ડ્રીલ રાખે છે ! સૂડી રાખે છે ! સસ્તા એસિડનો બાટલો જ રાખે છે ! બોલો.

***

જુની ફિલ્મોમાં માત્ર દારાસિંગ, રંધાવા કે સેમસન જેવા હિરો જ ઉઘાડા થઈને ફરતા હતા. (ધર્મેન્દ્ર કે વિનોદ ખન્ના જેવા બે ત્રણ હિરો ફાઈટ વખતે પણ બનિયાન પહેરી રાખતા હતા.)

નવી ફિલ્મોમાં હિરો લોગ જ્યારે ને ત્યારે સાવ ઉઘાડા થઈને ફરવા માંડે છે ! ગાયનોમાં, ડાન્સમાં, બેડરૂમમાં... અને ફાઇટમાં તો અડધો અડધો કલાક સુધી બોડીઓ બતાડે છે ! બોલો.

***

અને હા, જુની ફિલ્મોમાં ટાઇટલિયાં ફિલ્મની શરૂઆતમાં આવતાં. ત્યારે પ્રેક્ષકો શાંતિથી પોતપોતાની સીટો શોધીને બેસતા હતા.

નવી ફિલ્મોમાં ટાઇટલ્સ છેલ્લે આવે છે. અહીં પ્રેક્ષકોને ફટાફટ સીટો ખાલી કરાવીને કાઢી મુકવામાં આવે છે અને પછી થિયેટરનો સ્ટાફ સીટો નીચે પડેલો પોપકોર્ન સમાસાનો કચરો સાફ કરે છે ! બોલો…

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments