સોમવારે વેલેન્ટાઈન ડે છે. આના કારણે બિચારા સારા સારા છોકરાઓની વેલ્યુ ઘટી ગઈ છે અને સાવ મામૂલી છોકરીઓ ભાવ ખાતી થઈ ગઈ છે ! આવા સમયમાં જરૂર છે કેટલીક ટચૂકડી જાહેરખબરોની ! જુઓ નમૂના…
***
ગર્લફ્રેન્ડ જોઈએ છે
બાઘા, નરવસ અને કડકા છોકરાઓ માટે જોઈએ છે ગર્લફ્રેન્ડો… જે ‘આઈ લવ યુ’નાં કાર્ડ્ઝ, ચોકલેટો, ગુલાબો તથા સસ્તામાંની ગિફ્ટો સ્વીકાર કરીને બિચારાઓનાં દિલ તૂટતાં બચાવે.
ખાસ નોંધ : મળેલી ગિફ્ટો પાછી આપવાની રહેશે. ‘આઈ લવ યુ’નાં કાર્ડ્ઝ બીજા છોકરાઓને આપવાની છૂટ છે. ગરીબોનું ભલું થશે.
***
બોયફ્રેન્ડ જોઈએ છે
મોંઘી ગિફ્ટો આપે, મોંઘી રેસ્ટોરન્ટમાં ડીનર માટે લઈ જાય અને મોબાઈલમાં રોજ ડઝનના હિસાબે લવ-મેસેજો મોકલે એવા બે ડઝન બોયફ્રેન્ડો જોઈએ છે. (દરેક છોકરી માટે બે ડઝન, હોં !)
નોંધ : લવન્ડર અને લાઇટ પિન્ક કલરની સાડીઓ તથા ગોલ્ડન અને સિલ્વર કલરનાં મોટાં પર્સ ગિફ્ટમાં આપનારને છોકરીની મમ્મી જોડે ઇન્ટ્રો કરાવી આપવામાં આવશે. પછી આગળના મસકા જાતે મારી લેવાના રહેશે.
***
ફેસબુક-ઇન્સ્ટામાં કપલ ફોટા મળશે
શું વેલેન્ટાઇન ડેના દિવસે સિંગલ રહેવાની શરમ આવે છે ? ચિંતા ના કરો. તમારા ફોટાને વધુ હેન્ડસમ બનાવીને તમારી ચોઇસની છોકરીના ફોટા સાથે ફોટોશોપની કરામતથી બ્યુટિફૂલ કપલ-ફોટા બનાવી આપવામાં આવશે.
નોંધ : (1) છોકરીના ભાઈ, બાપા કે બોયફ્રેન્ડ વગેરે મારવા આવે તો અમારી જવાબદારી નથી.
(2) પ્રપોઝ મારતા હો એવા ફોટાનો ડબલ ચાર્જ લાગશે.
***
લવ-ડિપ્રેશન દૂર કરો
પ્રેમિકાએ દગો દીધો હોય, ગર્લફ્રેન્ડે ભાવ ના આપ્યો હોય, તો રેલ્વે સ્ટેશનની પાછળની ગલીમાં મળો. ડિપ્રેશન દૂર કરવાની દવા ! માત્ર 500 રૂપિયામાં એક કવાર્ટરિયું. જલ્દી કરો. જુજ સ્ટોક છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment