એવેન્જરિયોં v/s કોરોનાં !

અમારા મહેસાણાવાળો બકો કોઈ હોલીવૂડની ફિલ્મ જોઈ આવે ત્યારે એનો ‘રિવ્યુ’ પોતાની ભાષામાં લખીને મોકલે જ છે, પણ આ વખતે એણે ‘એવેન્જર્સ’ સિરીઝનાં કેરેક્ટરો કોરોનામાં કેવાં ભરાઈ પડ્યાં છે એની સ્ટોરી પણ લખી મોકલી છે ! સાંભળો… (મનમાં મોટેથી વાંચશો તો સંભળાશે !)


***

પોતાને બઉ મોટી તોપ હમજનારા ડોક્ટર સ્ટ્રેન્જરીયાની હાલત ઉતરી ગૈલી કઢી જેવી થઈ જઈ છ.

ઈનું નાક દદડે છે, ગળામોં લ્હાય લાગી છ, ઓંખ્યો લાલ થઈ જ છ અને બગડી ગયેલી મશીનગનની માફક છીંકો ખઈ રયો છે. એવામોં પેલો લીલી ચોંમડીવારો બૂડથલ પહેલવોંન હલ્ક આઈને પૂછે છે ‘ડોક્ટર ઓંમ આટલી છેંકો ચમ ખાઓ છો ? કોઈ ડોશીની છીંકણીની દાબડી તમારી લેબમોં ખુલી જઈ તી ?’

ડોક્ટર ઓંખો લૂછતોં કહે છે ‘હાહરીના, તું છે આટલો ભારી, છતોંય ચમ આટલી હલ્કી જોક્સ માર છ ? ગોંડા, મને કોરોના થઈ જ્યો લાગ છ.’

‘લો બોલો. તમીં યુનિવર્સના આવડા મોટા ડોક્ટર છો, ને તમોંને જ હાહરીનું કોરોનું થઈ જ્યું ?’

એવામાં પોતાના હાથમાં અઢીસો કિલોનો હથોડો હલાવતો થોર આવ છ. એ ડોળા કાઢીને પૂછ છ ‘ચોં છ એ હાહરીનું કોરોના ? મારી હોંમે તો આવે ? મારા હથોડાથી ઈનું ભોથું ભોંગી નોંખું !’

એટલામાં જાડી જાડી સૂતરફેણી જેવોં દોરડોં ઉપર લટકતો શ્પાયડરમેંન આવ છ. એ કહે છે ‘અલ્યા થોરિયા ! ઓંમોં તારો હથોડો કોંય કોંમ ના આવ. કેમકે આ હાહરીનું કોરોનું એટલું ઝેણું છ ક નરી ઓંખે તો ઠીક, મારા માઇક્રોસ્કોપ વિઝનમોં ય જલ્દી નહીં દેખાતું !’

‘તો આપડે કરવાનું શું ?’ પેલો કાળો દિપડો એટલે કે બ્લેક પેન્થર બોલ્યો. ‘છેલ્લોં આઠ પિચ્ચરથી આપડે થેનોસ ને અલ્ટ્રોન જેવોં વિલનિયોંનાં કચૂંબર કરી કરીને મૂછોં ઓંમળીએ છીએ, તે શું જખ મરાવવા હારુ ઓંમળીયે છીએ ? શ્પાઈડરીયા, આ તો આપડી ઇજ્જતનો સવાલ થઈ જ્યો, હવે તો.’

‘હા, પણ આ હલ્કડાને હમજાવે કોણ?’ શ્પાયડરમેને કહ્યું ‘મું તો કૈ કૈ ને થાક્યો કે અલ્યા મારી જેમ મુંઢે માશ્ક પે’રવાનું રાખો ! તમીં જુઓ, અમારા બેટમેન, સુપરમેન, હિ-મેન, કેટવુમન વગેરેને કોંઈ થયું છ ?’

ત્યાં તો હવામાંથી ગોળ ચક્કર ફરતો આપડો ઇન્ડીયાનો શક્તિમોંન આકાશમોંથી નેંચે આવ છ. બધોં ઇને જોઈને ચકિત થઈ જોંય છ. પૂછ છ, ‘અલ્યા, આ કુંણ છ ? ને ઓંમ ગોળ-ગોળ ચમ ફર છ ?’

શ્પાયડરમેંન હમજાવ છ કે ‘અલ્યા, આ શક્તિમોંન છ. એ ગોળ-ગોળ ફરીને તમોંન હમજાવ છે કે ઓંમ આઘા આઘા ઊભા રો ! સોશ્યલ ડિસ્ટન રાખો.’

‘આ સોશ્યલ ડિસ્ટન એટલે શું ?’ પેલી બ્લેક વિડો, મતલક કે કાળી વિધવા પૂછ છ.

શ્પાયડરમેંન હવ બગડ્યો છ. એણે ચોખ્ખી હંભળાઈ દીધી. ‘અલી, તું વગર પૈણે ને વગર ધણી મર્યે રોંડી-રોંડ બની ને ફર છ, તે તને વળી સોશિયલ કોંમકાજમોં શું હમજ પડ ?’

‘એ બધું મેંલો આઘું....’ કેપ્ટન અમેરિકા આઇને બોલ્યો. ‘આ કોરોનાનું શું કરવાનું છ, ઇમ બોલો.’

‘તમીં તો બોલતા જ નંઈ, કેપ્ટન !’ શ્પાયડરમેંને ચોપડાઈ. ‘મોટા અમેરિકાના કેપ્ટન બનીને ફરો છો પણ આખા અમેરિકામોં પોણા આઠ લાખ જણોં કોરોનામોં મરી જ્યોં, ત્યોં લગી શું તમારી આ ઢાલ ને તલવાર વડે મંજીરોં વગાડતા’તા ? અલ્યા, તમીં કેપ્ટન અમેરિકા છો, કે પ્રેશિડેન્ટ ટ્રમ્પ ? કોંય ફરક જ નંઈ ?

અમેરિકાનો કેપ્ટનેય હાહરો બારમા ખેલાડી જેવું મોં કરીને ખૂણામોં બેહી ગ્યો… હવ ? કરવુ શું ?

એવામોં પેલા દોઢસો કિલોનું લોખંડી બખતર પે’રીને ફરતા આઇરન મેંનને આઇડીયા આયો. ‘ભઈ, ઓંમોં તો આપડા જેવડા મોટા મોટા સુપરમેનોનું કોંમ નંઈ. આપડે એક કોંમ કરો. પેલા એન્ટ-મેંનને બોલાવો. એ ઝેંણકો મારો બેટો કીડી જેવડો જ છ.’

બહુ કાલાવાલા કર્યા પછી એન્ટ-મેંન આવે તો છે, પણ એ ઘશ્શીને ના પાડી દે છે ! ચમ ? તો કે’....

‘ધારો કે મને કોરોના થઇ જ્યો, તો મને ચડાબ્બા હારુ ઈવડોં ઝીણોં ઝીણોં ઓક્શિજનના બાટલા ચ્યોંથી લાવશો ?’

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments