લો, હવે કોવિડનો નવો વેરિયન્ટ આવ્યો છે જેનું નામ એમિક્રોન છે ! પરંતુ એ સિવાય ‘કોવિડ’ શબ્દનાં જ જુદાં જુદાં વેરિયન્ટ સ્વરૂપો આપણે જાતે જ ડેવલપ કરીને રાખ્યા છે ! જુઓ…
***
કોવિ-જ્ઞાન
સાંભળો, ‘કો-વિજ્ઞાન’ નહીં… 'કોવિ-જ્ઞાન' ! યાને કે વોટ્સએપ યુનિવર્સિટીમાં છેલ્લા બે વરસથી કોવિડ વિશે જે 'જ્ઞાન'નો મહાસાગર લહેરાઈ રહ્યો છે તે !
***
કોવિશ્વાસ
અહીં પણ ‘કો-વિશ્વાસ’ નથી ! (WHOમાં પણ કોનો વિશ્વાસ છે ?) આ તો ‘કોવિ-શ્વાસ’ છે ! જે આપણે માસ્કમાંથી ગાળી ગાળીને માંડ માંડ લઈએ છીએ !
***
કોવિનડતર
કોવિડ કોને નડે છે ? વેપારીઓને ? ગરીબોને ? મામુલી દુકાનદારોને ? પતિઓને ? વિદ્યાર્થીઓને ? ના.. એ તો નડે છે નેતાઓને ! રેલી, સભા, પ્રચાર અને ચૂંટણીમાં જે ભંગ પડે છે તેને એ લોકો ‘કોવિનડતર’ કહે છે.
***
કોવિડીયો
ચાડિયો, બાડિયો, લબાડિયોની માફક આ નવી જાતની નવરી બજારનો નવો નમૂનો છે ! આ નમૂનાઓ નવરા બેસીને કોવિડને લગતાં જોક્સ ઉઠાવીને તેના વિડીયો બનાવતા રહે છે ! કોવિડીયાઓ…
***
કોવિનાશ
કોવિડ વાયરસથી જે વિનાશ થાય છે એ નહીં ! અહીં પણ એ જ વિનાશની વાત છે જે સરકારના 'વિકાસ'ની ‘ઇમેજ'નો થઇ જાય છે !
***
કોવિરોધ
રસી નહીં લઈએ… માસ્ક નહીં પહેરીએ… ઘરમાં નહીં રહીએ… આ બધાથી માંડીને ‘આ તો નપુંસક બનાવવાની ચાલ છે.’ ‘અમુક કોમને પતાવી દેવાનું કાવત્રુ છે’… અથવા ભૂલેચૂકે પણ સરકારી તંત્ર જશ ના ખાટી જાય એટલા ખાતર ફક્ત વિરોધ જ કરવાની રણનિતિનું આ નામ છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment