અન્ય શબ્દ વેરિયન્ટ્સ !

કોવિડ મહામારીથી જન્મેલા નવા શબ્દ-વેરિયન્ટની યાદી હજી લાંબી થતી જાય છે ! લો, જુઓ નવા ઉમેરા…

***

કો-વિવેચક

એક ઇંજેક્શન મારતાં ય ના આવડતું હોય અને ઘરમાં જેનું કહ્યું છોકરાં ય ના માનતા હોય એવા લોકો સતત ‘આમ કરવું જોઈતું હતું’ અને ‘તેમ બરાબર થતું નથી’ જેવાં વિદ્વતાસભર વિવેચનો કર્યા કરે છે તે !

***

કોવિષ્ટાપેષણ

કોવિડના નામે અમુક લોકોએ વિચારોની ‘વિષ્ટા’ (મળ)નું જ ઉત્પાદન કર્યું હોય છે ! એનાથી યે વિચિત્ર લોકો એ છે જે એ વિષ્ટાનું પિષ્ટપેષણ કરતા રહ્યા છે ! એને કહેવાય ‘કોવિષ્ટાપેષણ’ !

***

કોવિચારક

તત્વચિંતનની ચાંપલી કોલમો લખનારા અને પોઝિટીવ થિન્કીંગની સુફિયાણી વાતો વેચતા મોટિવેશનલ સ્પીકરો છેલ્લા બે વરસથી જે વિચારો ‘ચરકતા’ રહ્યા છે એમના માટેનો શબ્દ છે.

***

કો-વિકવિ

હમણાંથી બિચારાઓ થાકી ગયા છે પણ પહેલી લહેરમાં જેમણે ભારે ઉપાડો લીધો હતો તે ઓનલાઇન કવિઓની વાત છે ! બિચારાઓ ‘કવિ’માંથી ‘વિ-કવિ’ બની ગયા !

***

કોવિતરણ

સરકારે તો ગરીબીરેખા નીચેના કુટુંબો માટે મહિનાઓ સુધી અનાજનું વિતરણ કર્યું પરંતુ સરકારના ‘વિત્તખાતા’માંથી તથા પ્રજાના ખિસ્સાઓમાં પડેલા ‘વિત્ત’ (ધન)નું અંદરોઅંદર ભાગબટાઈ કરીને હોસ્પિટલો તથા દવાઓ બનાવનારાઓ જે કો-ઓપરેટીવ વિતરણ કરી રહ્યા હતા, તે !

***

કોવાયડા

આટઆટલાં મોત થવા છતાં જે વાયડાઓ હજી માસ્ક વિના ફરે છે અને ભીડો ભેગી કરે છે એ સૌને આ નાનકડો શબ્દકોષ અર્પણ ! હાથ જોડ્યા ભૈશાબ, હવે તો સુધરો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments