સરકારે લગ્નોમાં હાજરીની સંખ્યા 400માંથી સીધી 150 કરી નાંખી ! હવે આ જે 250 જણા ‘કપાત’માં ગયાં એમનું શું ?
***
એક તો અમુક લોકોએ 100-200 કંકોત્રીઓ તો જાણી જોઈને એવાં સગાં-સંબંધીઓને મોકલેલી કે જે આમેય આવવાનાં નહોતાં ! એમને તો આગ્રહ પણ કેવો જોરદાર કરેલો ?
હવે આમાંથી જ અડધા લોકો સામેથી એમ કહે કે ‘ચિંતા ના કરશો, બીજું કોઈ ભલે આવે કે ના આવે, તમારો પ્રસંગ સાચવવા અમે તો ચોક્કસ આવીશું હોં !’
- બોલો, આમનું શું કરશો ?
***
અરે, જે તમારી સાસુની નણંદની ભાણેજવહુના ભત્રીજાના સાઢુને ફક્ત એની છ સીટવાળી કાર ‘વરઘોડામાં સારી વાગશે’ એમ માનીને કંકોત્રી મોકલેલી એને હવે શું કહીને ના પાડશો ?
***
મફતનું મળતું હોય તો ટુથપિક પણ ના છોડે એવા ખાઉધરા ફેમિલીને, ‘સહકુટુંબ’ ઉપર બબ્બે વાર છેકો મારીને, ‘ફક્ત બે’ની નીચે ત્રણ ત્રણ અંડરલાઈનો કરીને, એક જ કંકોત્રી આપી હોય એવા નફ્ફટો જ્યારે આઠ-આઠ જણાનું ભૂખ્યું લશ્કર લઈને આવશે ત્યારે એમાંથી અડધો ડઝન નમૂનાને પાછા શી રીતે કાઢશો ?
***
એ તો ઠીક, પણ આ કોરોનાનો ગેરલાભ લઈને પોતાના ડાચાંનો પોણો ભાગ ઢંકાઈ જાય એવડાં મોટાં માસ્ક પહેરીને સાવ અજાણ્યા લોકો ઘૂસી આવશે અને ‘મને ના ઓળખ્યો, બોસ ?’ કહીને તમારી સાતસોની ડીશ ઝાપટ્યા પછી સવા રૂપિયાનો ચાંલ્લો પણ કર્યા વિના છટકી જશે… એમને શી રીતે રોકશો ?
***
આ તો કંઈ નથી… પણ બરોબર માંડવાના પ્રવેશદ્વારે કારેલાનું રાયતું પીધું હોય એવું મોં કરીને રીસાઈ બેઠેલા એ ખડૂસ સંબંધીને શી રીતે મનાવશો, જે એવી અવળી જીદ લઈને ચોંટ્યા હશે કે…
‘માંડવામાં 150ની એન્ટ્રી તો થઈ ગઈ ને ? તો હવે અમારું કંઈ કામ જ ના હોય ને ? ચાલો, હું જઉં… મારા વતી આશીર્વાદ પણ તમે જ આપી દેજો… ઠીક છે ?’
(સંભાળજો ભૈશાબ ! સાજાસમાં સગાં કરતાં ‘કપાયેલાં’ સગાં વધારે જોખમી નીકળી શકે છે.)
**
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment