જોક નંબર પચ્ચીસ !

લો, અમારા એક મિત્રની આપવીતી સાંભળો…


મને મોબાઇલમાં ફની વિડીયો જોવાનું બહુ ગમે. એટલા ખાતર હું બે ત્રણ જોક્સના વોટ્સએપ ગ્રુપમાં જોડાયો છું. પણ હમણાંથી નવો ત્રાસ ચાલ્યો છે.

એકની એક જ જોક્સ ફરી ફરીને આવ્યા કરે છે. અવાજ પુરુષનો હોય પણ ચહેરો કોઈ (પોતાને રૂપાળી માનતી) બહેનનો હોય ! કોણ જાણે એમના ગળામાં કઈ જાતની સ્વરપેટીઓ ફીટ કરાયેલી હશે, તે અંદરથી જાણીતા હાસ્ય કલાકારોના જ અવાજો નીકળે છે !

બીજી ટાઇપના ફની વિડીયોમાં અમુક પતિ-પત્નીઓ હોય છે, જેમનો આ ‘ગૃહ-ઉદ્યોગ’ છે ! તેઓ પોતાનાં ઘરમાં હોય એટલાં (અથવા શો-રૂમમાંથી ભાડે લાવીને) નવાં નવાં કપડાં બદલી બદલીને બીજા લોકોએ ભજવેલા ફની વિડીયો પોતે ભજવી બતાડે છે.

‘ઓહો, નવો ફની વિડીયો આવ્યો..’ એમ સમજીને આપણે ડાઉનલોડ કરીએ ત્યાં તો નવી બોટલમાં (એટલે કે નવાં કપલમાં) જુનો દારૂ (જુની જોક્સ) નીકળે !

આનાથી કંટાળીને મેં એક નવું જોક્સનું ગ્રુપ જોઈન કર્યું. આમાં તો કંઈક અલગ જ હતું !

મેમ્બરો વારાફરતી પોસ્ટ મુકતા જાય… કોઈ લખે ‘અરે, પેલો સત્તાવીસ નંબર !’ એટલે તરત જ નીચે LOL ઇમોજીનાં તોરણોની હારમાળા ચાલે !

બીજો મેમ્બર લખે : ‘કેમ, પેલો પંદર નંબર ભૂલી ગયા ?’ ત્યાં તો ફરી ઢગલાબંધ ખિખિયાટા કરતાં ઇમોજીનો ધોધ વછૂટે ! ત્યાં વળી કોઈ લખે : ‘સુડતાલીસ !’ અને લો… હાહાહા… હીહીહી… હોહોહો…

મેં એડમિનને ફોન કરીને પૂછ્યું ‘ભાઈ, આ શું ચાલે છે ?’ એ કહે ‘અમે જોક્સને નંબરો આપી દીધા છે. બસ નંબર લખી દેવાનો ! બધા યાદ કરીને હસી લે !’

મને થયું, આ સારું છે ! મેં પણ લખ્યું ‘પચ્ચીસ નંબર !’

પણ કોઇ રિસ્પોન્સ જ નહીં ?

થોડી વાર પછી, એટલે કે ૪૫, ૯૯, ૧૨૨, ૩૨ વગેરે નંબર પછી કોઈએ લખ્યું ‘અલ્યા, પચ્ચીસ નંબર !’

ત્યાં તો આખું ગ્રુપ મંડ્યું હસતાં ઇમોજીનો વરસાદ વરસાવવા ! મેં એડમિનને ફોન કરીને કીધું ‘મેં પણ પચ્ચીસ નંબર જ લખેલો ને ?’

એડમિન મને કહે ‘હા, પણ જોક કહેવાની યે સ્ટાઇલ હોવી જોઈએ ને !’

- લો બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments