નફ્ફટ કોરોના હવે તો જા !

થાળીઓ વગાડી

તારા નામે ડંડા ખાધા

દીવા પ્રગટાવ્યા

તારાં છાજિયાં લીધાં

નફ્ફટ કોરોના, હવે તો જા !

***

દાઢીઓ વધારી

અમે વાળ ના કપાવ્યા

બાધાઓ લીધી

કંઈક નાળિયેર વધેર્યા

જડસૂ કોરોના, હવે તો જા !

***

ઘરમાં ભરાઈને

મહિનાઓ કાઢ્યા

કચરા-પોતાનાં અમે

'ક્લાસ' પણ ભર્યા

હલકટ કોરોના, હવે તો જા !

***

નાસ લીધા કેટલા

કાઢા-ઉકાળા પીધા

બાબા રામદેવનાં યે

પ્રિસ્ક્રીપ્શનો લીધાં

હઠીલા કોરોના, હવે તો જા !

***

બુકાની ચઢાવી

અમારાં મોઢાં સંતાડ્યાં

માસ્કના નામે જ

લાખોનાં ચલણ ફડાવ્યાં

લાલચૂ કોરોના, હવે તો જા !

***

ભણતર ભૂલાવ્યાં

મોબાઇલના રવાડે

ફી ભરાવી ધરખમ

ને ‘ફ્રી’માં પાસ કરાવ્યા !

ચોરટા કોરોના હવે તો જા !

***

નોકરીઓ છોડાવી

ઘરમાં હાંડલાં લડાવ્યાં

નેતાઓએ તારા નામે

અમને લડાવ્યા

શેતાન કોરોના, હવે તો જા !

***

તિજોરી ભરી હોસ્પિટલની

ખિસ્સાં ખાલી કર્યાં

વગર વીમા પોલીસીએ

યમરાજે તેડાં કીધાં

મે’ર મૂઆ કોરોના, હવે તો જા !

***

રૂપાણી યે ગયા

ને ટ્રમ્પ પણ ગયા

અફઘાનમાંથી અમેરિકાનાં

લશ્કર પણ ગયાં....

બેશરમ કોરોના, હવે તો જા !

નફ્ફટ કોરોના હવે તો જા !

***

- મન્નુ શેખચલ્લી

Comments